મધ્ય ગુજરાતમાં તહેવારો પર અકસ્માતોનો કહેર: 38ના મોત, ઈમરજન્સી કેસોમાં ભારે વધારો

મધ્ય ગુજરાતમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા તહેવારોની ઉજવણી દરમિયાન અનેક ચિંતાજનક અકસ્માતો અને અનિચ્છનીય બનાવો સામે આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 03:23 PM (IST)Updated: Fri, 13 Nov 2026 03:23 PM (IST)
central-gujarat-diwali-accidents-emergencies-38-fatalities

Central Gujarat Accidents:દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી વચ્ચે મધ્ય ગુજરાતમાંથી અનેક ચિંતાજનક અકસ્માતો અને અનિચ્છનીય બનાવો સામે આવ્યા છે. તહેવારોના આ દિવસોમાં રાજ્યભરમાં ખુશીનો માહોલ હતો, પરંતુ અસાવધાની અને અકસ્માતોને કારણે અનેક પરિવારોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ, વડોદરા, ગોધરા અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં નોંધાયેલા આંકડા તહેવારો દરમિયાન તકેદારી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

ભરુચ શહેરમાં ઈમરજન્સી કેસોમાં વધારો

ભરૂચ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસ દરમિયાન 108 ઈમરજન્સી સેવામાં કુલ 404 કેસ નોંધાયા હતા. ખાસ કરીને નૂતન વર્ષના દિવસે સૌથી વધુ 157 કેસ આવ્યા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 45.56%નો મોટો વધારો દર્શાવે છે. આ આંકડો તહેવારોમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત કટોકટીની ગંભીરતા સ્પષ્ટ કરે છે.

વડોદરામાં કુલ 59 લોકો ઈજાગ્રસ્ત

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, તહેવારોના આઠ દિવસ દરમિયાન માર્ગ અકસ્માતના 135 કેસ સારવાર અર્થે આવ્યા હતા. આ ઉપરાંત, સામાન્ય બાબતોમાં ઉશ્કેરાટ અને જૂની અદાવતને કારણે થયેલી મારામારી તથા જૂથ અથડામણોમાં કુલ 59 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓ તેમજ ગંભીર ઈજાઓને કારણે કુલ 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ફટાકડાથી દાઝવાના 5 કેસ પણ નોંધાયા છે.

પંચમહાલમાં કુલ કેટલા ઈમરજન્સી કેસ?

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ ફટાકડા અને આતશબાજીને કારણે આગની ઘટનાઓ બની હતી. ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડને 8 થી 11 નવેમ્બર દરમિયાન આગ લાગવાના કુલ 6 ઈમરજન્સી કોલ મળ્યા હતા. દાહોદ રોડ પર ઊભેલી એક કાર અને ખુલ્લા પ્લોટમાં પડેલા ઘાસચારામાં આગ ઝડપથી ફેલાતા સ્થાનિક વિસ્તારોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જયારે પાંચાયત કચેરીમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી હતી.

છોટાઉદેપરુમાં ત્રણ લોકોના મોત

બીજી તરફ, છોટા ઉદેપુર જિલ્લામાં નૂતન વર્ષની પ્રથમ રાત્રે જ સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે ભારે શોક પ્રગટ કર્યો છે. પીપલેજ ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી ઈકો કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કરૂણ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકો અને ઈકો કારના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.

આ સમગ્ર આંકડાઓ અને ઘટનાઓ દર્શાવે છે કે તહેવારોની ઉજવણી દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન, વાહન ચલાવતી વખતે સાવધાની અને ફટાકડા ફોડતી વખતે વિશેષ કાળજી રાખવી કેટલી અનિવાર્ય છે. સહેજ અમથી બેદરકારી માનવજીવન માટે ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.