Anil Ambani: ત્રણ બેન્કોની કાર્યવાહી અને 35 સ્થળો પર દરોડા બાદ હવે બેન્ક ઓફ બરોડાએ અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યાં

કંપનીનું કહેવું છે કે બેંક ઓફ બરોડા જે લોન અને ક્રેડિટ સુવિધાઓનો ઉલ્લેખ કરી રહી છે તે CIRPની શરૂઆત પહેલાની છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 06 Sep 2025 04:31 PM (IST)Updated: Sat 06 Sep 2025 04:31 PM (IST)
anil-ambani-declared-fraud-by-bank-of-baroda-after-raids-and-bank-actions-598521

Anil Ambani News: રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને તેના પ્રમોટર અનિલ અંબાણી માટે સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. 2 સપ્ટેમ્બર 2025ના રોજ બેંક ઓફ બરોડાએ કંપની અને અંબાણીના લોન ખાતાઓને 'ફ્રોડ' જાહેર કર્યા હતા. કંપનીએ ગુરુવારે મોડી રાત્રે શેરબજારમાં ફાઇલિંગમાં આ નિર્ણયની પુષ્ટિ કરી હતી.

કંપનીની પ્રતિક્રિયા અને કાનૂની પગલાં
RComએ કહ્યું છે કે તે આ સમગ્ર મામલે કાનૂની સલાહ લેશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. અનિલ અંબાણીએ પણ આ આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કાનૂની આશરો લઈને પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરશે.

અત્રે નોંધનીય છે કે RCom પહેલેથી જ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)માં છે. માર્ચ 2020માં કંપનીના રિઝોલ્યુશન પ્લાન(Resolution Plan)ને લેણદારોની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તે મુંબઈ NCLTમાં ફાઇલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટની અંતિમ મંજૂરી હજુ બાકી છે.

લોન વિવાદો અને IBCની જોગવાઈ
કંપનીનું કહેવું છે કે બેંક ઓફ બરોડા જે લોન અને ક્રેડિટ સુવિધાઓનો ઉલ્લેખ કરી રહી છે તે CIRPની શરૂઆત પહેલાની છે. IBC(Insolvency and Bankruptcy Code, 2016) હેઠળ આ કેસોનો ઉકેલ ફક્ત રિઝોલ્યુશન પ્લાન અથવા લિક્વિડેશન દ્વારા જ થઈ શકે છે.

અનિલ અંબાણીની ભૂમિકા અંગે કંપનીનું નિવેદન
RCom કહેવું છે કે અનિલ અંબાણીએ કંપનીમાં ફક્ત નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેઓ વર્ષ 2006 થી વર્ષ 2019 સુધી લગભગ 14 વર્ષ સુધી બોર્ડમાં હતા. તેમણે વર્ષ 2019માં રાજીનામું આપ્યું હતું. કંપનીનો દાવો છે કે તેઓ ક્યારેય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે કી મેનેજરિયલ પર્સનલ (KMP) ન હતા અને રોજિંદા કામગીરી કે નિર્ણયોમાં સામેલ ન હતા.

અન્ય બેંકો દ્વારા કાર્યવાહી
આ પહેલી વાર નથી જ્યારે બેંકોએ અનિલ અંબાણી અને આરકોમ સામે કડક વલણ અપનાવ્યું હોય. જૂન 2025માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કંપનીના લોન ખાતાને છેતરપિંડીભર્યું જાહેર કર્યું હતા. 24 ઓગસ્ટ 2025ના રોજ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ જ પગલું ભર્યું હતું અને અનિલ અંબાણી પર ફંડ ડાયવર્ઝન અને શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

અનિલ અંબાણી પહેલાથી જ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ EDની તપાસ હેઠળ છે. તાજેતરમાં ED એ મુંબઈમાં અંબાણી ગ્રુપ સાથે સંબંધિત 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં લગભગ 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સામેલ હતા.