Donald Trump Tariff News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં તમામ આયાતી ટ્રકો પર 25 ટકા ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે આ પગલું અમેરિકન કંપનીઓને વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે ઉઠાવ્યું છે. ગયા મહિને ટ્રમ્પે કહ્યું હતું કે ભારે ટ્રકોની આયાત પર નવા શુલ્ક 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. જોકે હવે આ તારીખને લંબાવીને 1 નવેમ્બર કરી દેવામાં આવી છે.
ક્યારે લાગુ થશે નવા દર
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 નવેમ્બર 2025થી અન્ય દેશોમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આવતા તમામ મીડિયમ અને હેવી ટ્રકો પર 25 ટકાના દરે ટેરિફ લગાવવામાં આવશે. ભારે ટ્રકો ઉપરાંત મીડિયમ ટ્રકો પર પણ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકન કંપનીઓને ફાયદો
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે નવા શુલ્ક અમેરિકન કંપનીઓને બહારની હરીફાઈથી બચાવવા માટે લગાવવામાં આવ્યા છે. આ પગલાથી પીટરબિલ્ટ અને કેનવર્થ (જે પેકરની માલિકીની છે) અને ફ્રેટલાઈનર (જે ડેમલર ટ્રકની માલિકીની છે) જેવી કંપનીઓને ફાયદો પહોંચવાની અપેક્ષા છે.
કયા વાહનો પર લાગશે ટેરિફ
- ડિલિવરી ટ્રક
- કચરાના ટ્રક
- ટ્રાન્ઝિટ, શટલ અને સ્કૂલ બસો
- ટ્રેક્ટર-ટ્રેલર ટ્રકો
- હેવી-ડ્યુટી કોમર્શિયલ વાહનો
ક્યા દેશો પર પડશે અસર
નવા ટેરિફથી ઘણા વિદેશી નિકાસકારો અને કંપનીઓ પર અસર પડવાની સંભાવના છે. અમેરિકામાં ટ્રક આયાત કરનારા ટોચના 5 દેશોમાં મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. સરકારી આંકડાઓ મુજબ મેક્સિકોમાંથી 2019થી આ વાહનોની નિકાસ 3 ગણી વધીને લગભગ 3,40,000 યુનિટ્સ સુધી પહોંચી ગઈ છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સે અગાઉ કોમર્સ ડિપાર્ટમેન્ટને ટ્રકો પર નવા ટેરિફ ન લગાવવા માટે અપીલ કરી હતી.
USMCA હેઠળ મુક્તિ
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર (USMCA) હેઠળ મધ્યમ અને ભારે ટ્રકો પર કોઈ શુલ્ક લાગશે નહીં. જોકે આ માટેની શરત એ છે કે હેવી ટ્રકના મૂલ્યનો ઓછામાં ઓછો 64 ટકા હિસ્સો ઉત્તર અમેરિકામાંથી આવતો હોવો જોઈએ. આ હિસ્સો એન્જિન, પાર્ટ્સ, સ્ટીલ જેવો કાચો માલ હોઈ શકે છે.
