Reliance Industries: દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ અનંત અંબાણીને પૂર્ણકાલિન ડિરેક્ટર (Whole time Director) તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 1લી મે, 2025થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળા માટે રહેશે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે યોજાયેલી તેની બેઠકમાં HR, નોંધણી અને મહેનતાણું સમિતિની ભલામણને ધ્યાનમાં લેતા કંપનીના બિન-કાર્યકારી ડિરેક્ટર અનંત અંબાણીને કંપનીના પૂર્ણ-સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે તેમ કંપનીએ શેરબજાર સમક્ષ આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું.
અગાઉ તેઓ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા
આ નવી ભૂમિકા અગાઉ અનંત અંબાણી રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી જેવી રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓના બોર્ડનો ભાગ છે. અનંત સપ્ટેમ્બર 2022થી રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ સભ્ય પણ છે. તેમણે વંતારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે વિશ્વના સૌથી મોટા પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર માનવામાં આવે છે.
આકાશ અને ઈશા પાસે આ જવાબદારી છે
અત્રે ઉલ્લેખનીય છે કે અનંતના ભાઈ-બહેન એટલે કે આકાશ અંબાણી અને ઈશા અંબાણી અત્યારે રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસીસ શાખા છે. ઈશા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, જે ગ્રુપની રિટેલ શાખા છે.