8th Pay Commission: પેન્શન રિવિઝનથી લઈને ફેમિલી પેન્શન સુધી, NC-JCMની બેઠકમાં 5 ભલામણો પર સરકારનું સકારાત્મક વલણ

અત્યારે 10 વર્ષમાં માત્ર એકવાર જ પગાર પંચ આવવા પર પેન્શનનું રિવિઝન કરવામાં આવે છે. જેના પરિણામે વયોવૃદ્ધ પેન્શનધારકો માટે વધતી જતી મોંઘવારીનો સામનો કરવો ખૂબ જ અઘરુ થઈ પડે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 04:17 PM (IST)Updated: Thu, 21 May 2026 06:15 PM (IST)
8th-pay-commission-good-news-for-government-employees-and-pensioners-5-recommendations-discussed-in-nc-jcm-meeting
HIGHLIGHTS
  • દર 5 વર્ષે પેન્શનની રિવિઝન કરવાની માંગને લઈને વિચાર માટે પગાર પંચ સમક્ષ મોકલાઈ

8th Pay Commission: ગત જાન્યુઆરી-2025માં મોદી સરકાર દ્વારા લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપતા 8માં પગાર પંચની જાહેરાત કરી હતી. આ પગાર પંચની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવવાનો છે. એવામાં દેશના લગભગ 65 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

હકીકતમાં ગત સપ્તાહે દિલ્હીમાં આયોજિત નેશનલ કાઉન્સિલ ઑફ ધી જૉઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ની 49મી વાર્ષિક બેઠકમાં પેન્શન સાથે સંકળાયેલા અનેક ગંભીર અને જૂના મુદ્દાઓ પર સરકાર સાથે સકારાત્કમ વાતાચીત થઈ છે. આ હાઈલેવલ બેઠકમાં કેન્દ્રીય કર્મચારી યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલા પેન્શનર્સના મુદ્દા અંગે ખુદ કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

JCM સ્ટાફ સાઈડ દ્વારા પોતાના સભ્યોને રજૂ કરવામાં આવેલા સત્તાવાર પત્ર પ્રમાણે, સરકારે પેન્શન વધારાથી માંડીને જૂની પેન્શન યોજના (OPS)ની મર્યાદાને વધારવા જેવી મહત્વપૂર્ણ માંગોને 8માં પગાર પંચ સમક્ષ મોકલવા અને કેટલાક નિયમોમાં તાત્કાલિક ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. તો ચાલો એ 5 મુદ્દા વિશે વિગતવાર સમજીએ…

દર 5 વર્ષે પેન્શનમાં વધારોઃ

કર્મચારી યુનિયનોનું કહેવું છે કે, અત્યારે 10 વર્ષમાં માત્ર એકવાર જ પગાર પંચ આવવા પર પેન્શનનું રિવીઝન કરવામાં આવે છે. જેના પરિણામે વયોવૃદ્ધ પેન્શનધારકો માટે વધતી જતી મોંઘવારીનો સામનો કરવો ખૂબ જ અઘરુ થઈ પડે છે. આથી સંસદીય સ્થાયી સમિતિની ભલામણના આધારે દર 5 વર્ષ પેન્શનમાં વધારો કરવો જોઈએ.

આ માંગને લઈને કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને JCMએ ખાતરી આપી છે કે, દર 5 વર્ષે પેન્શનમાં રિવિઝનની આ મહત્ત્વપૂર્ણ માંગને 8માં પગાર પંચ સમક્ષ વિચાર માટે મોકલવામાં આવશે.

આશ્રિતોનું ફેમિલી પેન્શન 30 ટકા ના ઘટાડવામાં આવે

વર્તમાન નિયમ પ્રમાણે, કોઈ કર્મચારી કે પેન્શનધારકોના મૃત્યુ બાદ તેમના જીવનસાથી કે બાળકને મળનાર ફેમિલી પેન્શન, કર્મચારીઓના અંતિમ પગારના 50 ટકાથી ઘટાડીને માત્ર 30 ટકા થઈ જાય છે. આથી યુનિયનોની માંગ છે કે, કર્મચારીના આશ્રિતોને મળનારા પેન્શનને ઘટાડીને 30 ટકા ના કરવું જોઈએ. કેબિનેટ સેક્રેટરીએ આ ભલામણ અંગે અંતિમ નિર્ણય લેવા માટે પગાર પંચને મોકલવા મંજૂરી આપી દીધી છે.

દિવ્યાંગ બાળકો માટે આવકનું પ્રમાણ પત્રની શરતનો અંત આવશે

અત્યારે સ્વર્ગસ્થ કર્મચારીના દિવ્યાંગ કે વિકલાંગ બાળકોને ફેમિલી પેન્શનનો લાભ લેવા માટે મેડિકલ બોર્ડ પાસેથી નો ઈનકમ સર્ટિફિકેટ આપવું પડે છે. જેને લઈને યુનિયનોનું કહેવું છે કે, સબંધિત ઑથોરિટી આ પ્રમાણે સર્ટીફિકેટ ઈસ્યુ નથી કરતી, જેના પરિણામે બાળકોને ભટકવાનો વારો આવે છે. આ મુદ્દે પણ કેબિનેટ સેક્રેટરીએ પેન્શન વિભાગને આદેશ આપ્યો છે કે, આ સંદર્ભે તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ અને જરૂર જણાય તો આ શરતને જેમ બને તેમ જલ્દી હટાવવામાં આવશે.

22 ડિસેમ્બર,2003 કે તે પછી ભરતી થયેલા કર્મચારીઓને જૂની પદ્ધતિ પ્રમાણે પેન્શનનો લાભ મળે

22 ડિસેમ્બર, 2003ના રોજ નવી પેન્શન સ્કીમ (NPS)નો વટહુકમ જારી થયા બાદ ભરતી થયેલા કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ નથી મળતો. જો કે JCMએ બે સ્પેશિયલ કેટેગરી માટે ઑલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગૂ કરવાની માંગ મૂકી છે, જેના પર નિર્ણય લેવાયો છે.

22 ડિસેમ્બર 2003 પહેલા જે ભરતી ભરતી થઈ ચૂકી હતી, પરંતુ જૉઈનિંગ પાછળથી થયું હોય, તેમને OPSમાં સામેલ કરવામાં આવે. આ સંદર્ભે કેબિનેટ સેક્રેટરીએ સ્ટાફ સાઈડ પાસેથી વિગતવાર માહિતી માંગી છે.

આવી જ રીતે જો કોઈ ઉમેદવારે અનુકંપા નિમણૂંક માટે 22 ડિસેમ્બર 2003 પહેલા અરજી કરી હતી અને તે લાયક હોવા છતાં નોકરી 1 જાન્યુઆરી,2004 બાદ મળી હોય, તો તેને પણ જૂની પેન્શન સ્કીમ હેઠળ હકદાર માનવામાં આવશે. પેન્શન અને પેન્શન વેલ્ફેર ડિપાર્ટમેન્ટના સચિવે આ માંગને એક સપ્તાહની અંદર લાગુ કરવા માટે સહમતિ આપી દીધી છે.

વિધવાને ફેમિલી પેન્શનનો હક મળે

કર્મચારી સંગઠનોની માંગ છે કે, સરકારી નિયમોમાં પરિવારની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવવો જોઈએ. જેથી દિવંગત કર્મચારી પર આશ્રિત તેની વિધવા પુત્રવધુને પણ ફેમિલી પેન્શન અંતર્ગત લાવીને નાણાંકીય સુરક્ષા આપી શકાય. કેબિનેટ સેક્રેટરીએ આ મુદ્દા પર પણ હકારાત્મક વલણ દાખવતા કાયદા મંત્રાલય સાથે વાટાઘાટ કર્યા બાદ આ નિયમમાં સુધારો કરવા અંગે વિચારવામાં આવશે.