Paresh Goswami Ni Agahi: મે મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકરા બન્યા હોય તેમ સમગ્ર ગુજરાતમાં અંગદઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા પંદરેક દિવસથી ચાલી રહેલા હીટવેવના કાતિલ રાઉન્ડ બાદ હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
જેમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં લૂ વર્ષામાંથી મુક્તિ મળવાની આગાહી કરી છે. જો કે ભેજવાળા પવનોના કારણે ઉકળાટ અને અસહ્ય બફારાનો અહેસાસ જરૂર થશે.
ચોમાસું કેરળના કાંઠે વહેલું ટકરાશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં થોડું વહેલું ચાલી રહ્યું છે. શ્રીલંકાના લગભગ 50 ટકાથી વધુ ભાગોને આવરી લીધા બાદ હવે ચોમાસું ઉત્તર શ્રીલંકા સુધી પહોંચી ચૂક્યું છે. મોટાભાગે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. જો કે આ વર્ષે 1 જૂન પહેલા જ ચોમાસું કેરળના દરિયા કાંઠે ટકરાય તેવી પુરી શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં 27 મે સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે
હાલમાં તમિલનાડુ અને કેરળ થઈને અરબ સાગરમાં એક 'અપર એર સાયક્લોનિક'ના ભાગરૂપે એક સિસ્ટમ સક્રિય છે. જો કે અરબ સાગરમાં આ સિસ્ટમને જોઈએ તેવું અનુકુળ વાતાવરણ ના મળતાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે.આમ છતાં આ સિસ્ટમ લો-પ્રેશર સુધી પહોંચી શકે છે. જેની અસરથી આગામી 27 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટાછવાયા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી શકે છે.
મહત્તમ તાપમાન ઘટશે, પરંતુ બફારો પરેશાન કરશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 24 મે બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારે 40 ડિગ્રીની અંદર આવી જશે. આગામી દિવસોમાં સરેરાશ મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધશે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન ભલે નીચું રહે, પરંતુ ભેજના કારણે ગરમીનો અહેસાસ થતો રહેશે. આ અસહ્ય ઉકળાટ આગામી જૂન મહિનાના અંત સુધી રહી શકે છે. આમ ગુજરાતમાં હવે આકરા તાપમાંથી મુક્તિ મળશે, પણ ચોમાસાના આગમન પૂર્વે લોકોએ ભેજવાળા અસહ્ય વાતાવરણનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
