8th Pay Commission News: 8મા પગાર પંચમાં પેન્શન રિવિઝનને લઈને 69 લાખ પેન્શનર્સમાં મોટો ગૂંચવાડો, PM મોદીને લખ્યો પત્ર

8th Pay Commission News: 8મા પગાર પંચના નિયમોમાં 1 જાન્યુઆરી 2026 પહેલાંના પેન્શનર્સનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી 69 લાખ પેન્શનર્સમાં ચિંતા છે. REWA એ PM મોદીને પત્ર લખી સ્પષ્ટતા માંગી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 10 Sep 2026 01:32 PM (IST)Updated: Thu, 10 Sep 2026 01:32 PM (IST)
8th-pay-commission-news-major-changes-ahead-69-lakh-pensioners-worried-write-to-pm-modi

8th Pay Commission News: કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચના અને પ્રક્રિયા આગળ વધી રહી છે, ત્યારે દેશના આશરે 69 લાખ પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે પેન્શન રિવિઝનનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. પગાર પંચના નોટિફિકેશનના પોઈન્ટ 2(e) માં ગ્રેચ્યુઇટી (DCRG), NPS, UPS અને પેન્શન માળખાની સમીક્ષાનો ઉલ્લેખ માત્ર વર્તમાન કર્મચારીઓ પૂરતો સીમિત રખાતાં, 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ આ લાભથી બાકાત રહી જવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર મૂંઝવણને દૂર કરવા અને નિયમોમાં સત્તાવાર સુધારો કરવાની માગ સાથે રિટાયર્ડ એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન (REWA) દ્વારા સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી તાત્કાલિક સ્પષ્ટતાની માગ કરવામાં આવી છે.

આખરે મામલો ક્યાં અટવાયો છે?

પેન્શનર્સની મુખ્ય મૂંઝવણ 8મા પગાર પંચના નોટિફિકેશનના એક ચોક્કસ ભાગને લઈને છે. REWA ના જણાવ્યા અનુસાર, નોટિફિકેશનના પોઈન્ટ 2(e) માં ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી (DCRG), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અને પેન્શન ફ્રેમવર્કની સમીક્ષાની વાત કરવામાં આવી છે. પરંતુ, આ તમામ વિષયોનો ઉલ્લેખ માત્ર હાલના કર્મચારીઓના સંદર્ભમાં કરાયો છે. તેમાં 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. પેન્શનર્સને આશંકા છે કે જો નિયમોમાં યોગ્ય સ્પષ્ટતા નહીં થાય, તો 8મા પગાર પંચની ભલામણોનો લાભ માત્ર હાલના કર્મચારીઓ પૂરતો જ સીમિત રહી શકે છે.

અગાઉના પગાર પંચોના નિયમો શું હતા?

REWA એ વડાપ્રધાનને મોકલેલા પત્રમાં અગાઉના પગાર પંચોની કાર્યપ્રણાલીનો પણ સંદર્ભ આપ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, 7મા પગાર પંચના ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR) માં નિવૃત્તિ સાથે જોડાયેલા લાભો અને અગાઉથી નિવૃત્ત થયેલા પેન્શનર્સની પેન્શનમાં ફેરફારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જ રીતે 5મા અને 6ઠ્ઠા પગાર પંચના નિયમોમાં પણ 'પેન્શનર્સ' અને 'ફેમિલી પેન્શનર્સ' શબ્દોને સ્પષ્ટપણે સામેલ કરાયા હતા. આ વખતે નિયમોમાં આ શબ્દોનો અભાવ હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.

હાલ 8મા પગાર પંચની કામગીરી ક્યાં પહોંચી?

હાલમાં 8મું પગાર પંચ વિવિધ રાજ્યોમાં કર્મચારીઓ અને યુનિયનો સાથે સઘન બેઠકો કરી રહ્યું છે. હાલમાં જ 7 અને 8 સપ્ટેમ્બરે ચેન્નાઈની ITC Grand Chola Hotel ખાતે બેઠકો યોજાઈ હતી. જ્યારે આજે 10 સપ્ટેમ્બરે પુડુચેરીમાં પણ પગાર, ભથ્થાં અને પેન્શન સંબંધિત મુદ્દાઓ પર બેઠકો છે. અગાઉ REWA એ નાણામંત્રી અને નાણાં સચિવ સમક્ષ પણ આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ સત્તાવાર જવાબ ન મળતાં ચિંતા વધુ ઘેરી બની છે.

વડાપ્રધાન સમક્ષ REWA ની 2 મુખ્ય માગણીઓ

જ્યાં સુધી સરકાર લેખિતમાં સ્થિતિ સ્પષ્ટ ન કરે, ત્યાં સુધી લાખો પેન્શનર્સમાં પેન્શન રિવિઝનને લઈને મૂંઝવણ યથાવત રહેશે. આ સ્થિતિને પહોંચી વળવા REWA એ વડાપ્રધાન સમક્ષ મુખ્યત્વે 2 માગણીઓ રજૂ કરી છે.

  • પહેલી માગ: 8મા પગાર પંચના ટર્મ્સ ઑફ રેફરન્સમાં ઔપચારિક ફેરફાર કરીને સ્પષ્ટ કરવામાં આવે કે 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ પણ તેના દાયરામાં સામેલ રહેશે.
  • બીજી માગ: જ્યાં સુધી ટર્મ્સ ઑફ રેફરન્સમાં ફેરફાર ન થાય, ત્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાની પ્રેસ નોટ અથવા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવે, જેથી પેન્શનર્સમાં ફેલાયેલી મૂંઝવણ અને ચિંતા દૂર કરી શકાય.