Money Plant Vastu Tips: ઘરમાં સુશોભન માટે તેમજ સકારાત્મક ઉર્જાના સંચાર માટે લોકો અનેક પ્રકારના છોડ વાવતા હોય છે, જે પૈકી મની પ્લાન્ટ પણ એક છે. વાસ્તુમાં મની પ્લાન્ટ માત્ર સુશોભન માટેનો છોડ નથી, પરંતુ ધન, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના કારક માનવામાં આવે છે. આજ કારણોસર મની પ્લાન્ટને ઘર કે ઑફિસમાં લગાવવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, મની પ્લાન્ટને યોગ્ય દિશામાં લગાવવામાં આવવાથી સારું પરિણામ મળે છે. જો ઘરમાં મની પ્લાન્ટ રાખવા છતાં પણ તમને તેનો પુરતો લાભ નથી મળતો, તો તેની પાછળ તમારી કેટલીક સામાન્ય ભૂલ હોઈ શકે છે.
મની પ્લાન્ટને લઈને ઘણા ભ્રમ પણ ફેલાયા છે. જેમ કે મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવાથી તેનું શુભ ફળ મળે. તો ચાલો વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ સબંધિત વાસ્તુના સાચા નિયમો પર એક નજર નાંખીએ...
શું ખરેખમ મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો જોઈએ?
આપણામાંથી ઘણાં લોકોનું માનવું છે કે, કોઈના ઘરમાંથી મની પ્લાન્ટની ચોરી કરીને આપણાં ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવાની જગ્યાએ, પૈસાથી ખરીદીને ઘરમાં લગાવવો જોઈએ. કોઈ પણ વસ્તુને ચોરી કરીને ઘરમાં લાવવી નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે, જે નિયમ મની પ્લાન્ટને પણ લાગુ પડે છે.
મની પ્લાન્ટની યોગ્ય દિશા
વાસ્તુ શાસ્ત્રમાં યોગ્ય દિશામાં મની પ્લાન્ટને રાખવું અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. જેમાં મની પ્લાન્ટને રાખવા માટે ઘરની દક્ષિણ-પૂર્વ દિશા અર્થાત અગ્નિ ખૂણો સૌથી શ્રેષ્ઠ મનાય છે. આ દિશા ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.
મની પ્લાન્ટને ક્યારેય ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ના રાખવો જોઈએ, કારણ કે ઉત્તર-પૂર્વ દિશા આધ્યાત્મિક ઉર્જા અને જળ તત્વ સબંધિત માનવામાં આવે છે. આથી જો આ દિશામાં મની પ્લાન્ટ રાખવામાં આવે, તો ઘરમાં ધન સબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
મની પ્લાન્ટ લગાવવાનો શુભ દિવસ અને કઈ કાળજી રાખવી
ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે બુધવાર અને શુક્રવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે એક તરફ બુધ વેપાર અને બુધના કારક બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે, તો બીજી તરફ શુક્રવાર ધન અને ભૌતિક સુખના કારક શુક્ર ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે. આથી આ બે દિવસ મની પ્લાન્ટ લગાવવાથી વધારે સારા પરિણામ મળી શકે છે.
ઘરની અંદર લગાવોઃ મની પ્લાન્ટને હંમેશા ઘરની અંદર લગાવવો શુભ માનવામાં આવ્યો છે. તેમજ મની પ્લાન્ટને કાચની બોટલમાં લગાવવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
- વેલ જમીનને ના સ્પર્શેઃ મની પ્લાન્ટનો છોડ એવી રીતે લગાવવો જોઈએ કે તેની વેલ ઉપર જ વધતી રહે અને જમીનને ના સ્પર્શે.
- રાતે સ્પર્શ ના કરવોઃ મની પ્લાન્ટને ક્યારેય રાતે સ્પર્શ ના કરવો જોઈએ તેમજ પાણી પણ ના નાંખવું જોઈએ.
- મની પ્લાન્ટ સૂકાય નહીંઃ મની પ્લાન્ટના છોડને સૂકાતો બચાવવા માટે સમયાંતરે તેના સૂકાઈ ગયેલા અને પીળા પડી ગયેલા પાંદડાને હટાવતા રહેવા જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા ઉપરોક્ત નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
