Neem Karoli Baba Story: 'નીમ કરોલી' બાબાને કેમ કળિયુગના 'હનુમાન અંશ' કહેવામાં આવે છે, ગુજરાત સાથે તેમનું શું છે કનેક્શન?

નીમ કરોલી બાબા, જેમને કળિયુગના 'હનુમાન અંશ' માનવામાં આવે છે, તેમના જીવન અને ચમત્કારોની ગાથા આજે પણ ભક્તોમાં પ્રચલિત છે. તેમનું જીવન સાધના, સેવા અને માનવ કલ્યાણને સમર્પિત હતું, જેમાં ગુજરાત સાથેના તેમના જોડાણનો પણ ઉલ્લેખ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 05:19 PM (IST)Updated: Fri, 11 Sep 2026 05:19 PM (IST)
neem-karoli-baba-story-why-he-is-worshipped-as-an-ansh-of-lord-hanuman-in-kaliyug

Neem Karoli Baba Story: 'નીમ કરોલી' બાબા ભારતના એવા મહાન સંતો પૈકી એક છે, જેમના જીવન અને ચમત્કારો સાથે સંકળાયેલી અનેક કથાઓ આજે પણ ભક્તો વચ્ચે પ્રચલિત છે. તેમના ભક્તો પ્રેમથી બાબાને 'મહારાજજી' કહેતા હતા.

બાબાનું સંપૂર્ણ જીવન સાધના, સેવા, ભક્તિ અને માનવ કલ્યાણને સમર્પિત રહ્યું છે. આજ કારણોસર આજે પણ લાખો લોકો તેમને શ્રદ્ધાપૂર્વક પૂજે છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ 'હનુમાન અંશ' નિહાળ્યા બાદ લોકોમાં 'નીમ કરોલી' બાબા વિશે જાણવાની ઉત્સુક્તા ખૂબ જ વધી ગઈ છે. આજે અમે આ લેખમાં આપને નીમ કરોલી બાબાના ચમત્કારો અને તેમના જીવન વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છે, જેનો ઉલ્લેખ બાબાના 'કૈચી ધામ'ની સત્તાવાર વેબસાઈટ પર પણ મળી રહેશે.

કોણ હતા 'નીમ કરોલી' બાબા?

'નીમ કરોલી' બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના અકબરપુર ગામના એક સંપન્ન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ લક્ષ્મીનારાયણ હતુ. કિશોરવસ્થામાં જ તેઓ પરિવારની સંપત્તિ અને ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને આધ્યાત્મના માર્ગ પર નીકળી પડ્યા હતા.

એવું કહેવાય છે કે, લક્ષ્મીનારાયણ ગુજરાતના મોરબી નજીક આવેલા વવાણીયા નામના ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે વૈષ્ણવ સંત પાસેથી 6 થી 7 વર્ષ સુધી એક વૈષ્ણવ સંતની નિશ્રામાં તપ કર્યું. આ દરમિયાન તેઓ લાંબા સમય સુધી તળાવમાં ગળા સુધીના પાણીમાં ઉભા રહીને તપ કરતાં હતા. આજ કારણોસર તેઓ 'તેલિયા બાબા' નામે પણ ઓળખાવા લાગ્યા હતા. 

ગુજરાત અને હનુમાનજી સાથે કનેક્શન

બાબા નીમ કરોલીને હનુમાનજીના ખૂબ જ મોટા ભક્ત માનવામાં આવે છે. તેમણે વાવણીયા ગામના તળાવ કિનારે હનુમાનજી મૂર્તિની સ્થાપના કરી હતી. જ્યાં પાછળથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

બાબાના જીવનમાં હનુમાન ભક્તિનું વિશેષ સ્થાન રહ્યું હતુ. તેઓ હનુમાનજીની ભક્તિ અને સેવામાં એટલા લીન રહેતા હતા કે ભક્તો તેમને હનુમાનજીનો અંશ માનવા લાગ્યા હતા. આજ કારણોસર કળિયુગમાં તેમને 'હનુમાન અંશ' તરીકે શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે.


'નીમ કરોલી બાબા' નામ કેવી રીતે પડ્યું?

લગભગ 1916ની આસપાસ બાબા નીમ કરોલી વાવણીયા ગામ છોડીને ઉત્તર ભારતના 'નીમ કરૌરી' (નીબ કરૌરી) નામના ગામમાં પહોંચ્યા હતા. આ ગામ આગળ જતાં તેમની ઓળખનો એક અગત્યનો હિસ્સો બની ગયું.

આ ગામ સાથે સંકળાયેલ એક પ્રસિદ્ધ રેલ પ્રસંગ પણ બાબાની ચમત્કારિક કથાઓમાં સામેલ છે. આ ઘટના બાદ નીબ કરૌરી ગામ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું અને બાબા લક્ષ્મણદાસને લોકો 'નીમ કરૌલી બાબા' કહેવા લાગ્યા. સમયજતા આજ નામ 'નીમ કરોલી બાબા'માં બદલાઈ ગયું.

ઉત્તરાખંડમાં પોતાની ઓળખ ઉભી કરી

1934-35 બાદ બાબા નીમ કરોલીનું ભ્રમણ અને ભક્તો સાથે જોડાણ વધી ગયુ. તેઓ કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી નહતા રોકાતા. ઉત્તરાખંડમાં પણ બાબાએ અનેક સ્થળોને પોતાની સાધના અને સેવાના કેન્દ્ર બનાવ્યા હતા.

કૈચી ધામ, વૃંદાવન, હનુમાન ગઢ અને ભૂમિયાધાર જેવા સ્થળો સાથે તેમનો વિશેષ સબંધ રહ્યો. જે પૈકી કૈચી ધામ આજે બાબાના સૌથી પ્રસિદ્ધ આશ્રમો પૈકી એક માનવામાં આવે છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

બાબાની 'રામ નામ'માં ઊંડી આસ્થા

'નીમ કરોલી' બાબાનું જીવન એકદમ સરળ હતુ. તેઓ લોકોને ભગવાનનું નામ લેવા, સેવા કરવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા 'રામનામ' લખતા હતા.

તેઓ માનતા હતા કે, 'રામ નામ' જપવાથી જીવનના અનેક કપરા કામ સરળતાથી કરી શકાય છે. તેમના માટે ભક્તિ માત્ર પૂજા સુધી જ સિમિત નહતી, પરંતુ લોકો અને ઈશ્વરની સેવા કરવું પણ તેમને વધારે ગમતું હતુ.

'બાબા'ના એવા ચમત્કારો, જેની આજે પણ થઈ રહી છે ચર્ચા

નીમ કરોલી બાબા સાથે સંકળાયેલા અનેક ચમત્કારિક પ્રસંગો ભક્તો વચ્ચે આજે પણ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, કોઈ કહે નહીં તો પણ બાબા તેમની સમસ્યાઓ સમજી જતા હતા. ઘણીવાર બાબા એવી વાતો કહી દેતા હતા, જેને સાંભળીને ભક્તો પણ દંગ થઈ જતા હતા.

એક ઘટના એવી છે, જેમાં બાબા ટિકિટ વિના ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસી ગયા હતા. આ સમયે TT ટિકિટ ચેક કરવા આવ્યો અને તેણે બાબા પાસે ટિકિટ માંગી, પરંતુ તેમને પાસે ટિકિટ જ નહતી. આથી ટ્રેનને અધવચ્ચે ઉભી રાખીને બાબાને ઉતારી દેવામાં આવ્યા હતા. આ જગ્યા બાદ આગલું સ્ટેશન નીબ કરૌરી જ હતુ.

જ્યારે બાબાને ઉતારીને ટ્રેનને ફરીથી ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેન ચાલુ જ નહતી થતી. આખરે જ્યારે બાબાને માન-સન્માન સાથે ફરીથી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા, ત્યારે જ ટ્રેન આગળ વધી. આવી અનેક કથાઓ છે, જે બાબાના ચમત્કાર સાથે સંકળાયેલી છે.

11 સપ્ટેમ્બર 1973ના બાબાએ સમાધી લીધી હતી

નીમ કરોલી બાબાએ 11 સપ્ટેમ્બર, 1973ના રોજ વૃંદાવન સ્થિત રામ કૃષ્ણ મિશન હોસ્પિટલમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો. જે બાદ કૈચી ધામ સહિત અન્ય આશ્રમોમાં તેમની પૂજા યથાવત રહી છે. આજે પણ ભક્તો બાબાને પોતાના ગુરુ, માર્ગદર્શક અને હનુમાન ભક્તના રૂપમાં યાદ કરે છે.