World Spine Day: બદલાતી જીવનશૈલી સાથે નાની ઉંમરે દેશમાં કરોડરજ્જાની વધી રહી છે સમસ્યા, શું કહે છે નિષ્ણાતો તે જાણો

વર્ષ 2022 માં WORK જર્નલમાં પ્રકાશિત 97 ભારતીય અભ્યાસોના મેટા-એનાલિસિસ પ્રમાણે કોઈ પણ સમયે લગભગ દર બે પૈકી એક ભારતીયને કમરનો દુખાવો હોય છે અને દર ત્રણ પૈકી બે લોકોને જીવનમાં ક્યારેક તો તે થાય જ છે જે વૈશ્વિક આંકડા કરતાં વધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 07:01 PM (IST)Updated: Thu, 15 Oct 2026 07:01 PM (IST)
world-spine-day-spine-related-problems-are-on-the-rise-among-the-young

World Spine Day 2026: બદલાતી જીવનશૈલીની સાથે સાથે સ્પાઈન એટલે કે કરોડરજ્જાને લગતી સમસ્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સંજોગોમાં લોકોમાં કરોડરજ્જાને લગતા સ્વાસ્થ, બચાવ તથા ગુણવત્તાયુક્ત સારવાર અંગે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે 16 ઓક્ટોબરે 'વર્લ્ડ સ્પાઇન ડે' તરીકે ઉજવવામાં આવે છે.

 નાની ઉંમરે કરોડરજ્જાની સમસ્યા વધી રહી છે

ભારતમાં કમરનો દુખાવો સૌથી સામાન્ય આરોગ્ય સમસ્યા પૈકી એક છે અને તે ઘણા લોકો ધારે છે તેના કરતાં ઓછી ઉંમરે અસર કરી રહી છે. વર્ષ 2022 માં WORK જર્નલમાં પ્રકાશિત 97 ભારતીય અભ્યાસોના મેટા-એનાલિસિસ પ્રમાણે કોઈ પણ સમયે લગભગ દર બે પૈકી એક ભારતીયને કમરનો દુખાવો હોય છે અને દર ત્રણ પૈકી બે લોકોને જીવનમાં ક્યારેક તો તે થાય જ છે જે વૈશ્વિક આંકડા કરતાં વધુ છે. મહિલાઓ, ગ્રામીણ વિસ્તારના લોકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત છે.

શું કહે છે નિષ્ણાતો

ઇન્ડોસ્પાઇન હોસ્પિટલના ચીફ સ્પાઇન સર્જન ડૉ. તારક પટેલે સ્પાઇનને લગતી સમસ્યા અંગે માહિતી આપતા જણાવ્યું હતુંક અમે રોજ એવા યુવા પ્રોફેશનલ્સ, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓને મળીએ છીએ જેઓ મદદ લેતા પહેલાં મહિનાઓ સુધી કમર કે ગરદનના દુખાવા સાથે જીવતા રહ્યા હોય. અમારા રેકોર્ડ પ્રમાણે હવે અમારા 10માંથી 4થી વધુ નવા દર્દીઓ 20 થી 45 વર્ષના છે અને તેમાંથી 94% ની સારવાર હોસ્પિટલમાં દાખલ કર્યા વિના થઈ.

કરોડરજ્જુની મોટાભાગની તકલીફોમાં ઓપરેશનની જરૂર પડતી નથી. યોગ્ય સમયે યોગ્ય નિદાન થાય તો અમે માત્ર દુખાવાની નહીં, પરંતુ તેના મૂળ કારણની સારવાર કરી શકીએ છીએ. #MySpineMyWorld દ્વારા અમે ઇચ્છીએ છીએ કે લોકો પોતાની કરોડરજ્જુને સમજે, રોજ નાનાં પગલાં ભરે, અને સામાન્ય તકલીફ ગંભીર બને તે પહેલાં ડૉક્ટરને બતાવે.

ઇન્ડોસ્પાઇન હોસ્પિટલના એનેસ્થેસિયા તથા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રિંકુ પટેલના મતે ઘણા લોકો દુખાવો સહન કરતા રહે છે અથવા લાંબા સમય સુધી પેઇનકિલર પર આધાર રાખે છે. દુખાવો એક સંકેત છે, અને તેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ અભિયાન દ્વારા અમે દુખાવાને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવા અંગે વ્યવહારુ સલાહ આપીશું અને એવાં ચેતવણીરૂપ લક્ષણો સમજાવીશું, જેમ કે ખાલી ચડવી, નબળાઈ લાગવી કે રાત્રે ઊંઘ ન આવવા દે તેવો દુખાવો, જેમાં વિલંબ કર્યા વિના નિષ્ણાતને બતાવવું જોઈએ.