International Travel Medical Insurance: જો તમે વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવ, તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરતાં પહેલા પાસપોર્ટ અને વિઝાની માફક ટ્રાવેલ મેડિકલ ઈન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. પરદેશમાં તમે કોઈ અજાણી જગ્યા પર હોવ, ત્યારે ટ્રાવેલ મેડિકલ ઈન્સ્યોરન્સ તમારી સુરક્ષા માટે ઢાલ બને છે.
વિદેશમાં મેડિકલ ઈમરજન્સી આવે, ત્યારે આ ઈન્સ્યોરન્સ તમને મોટા આર્થિક નુકસાન અને પારાવાર પડતી મુશ્કેલીઓમાંથી ઉગારી લે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ લેવાના અનેક કારણો છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
વિદેશમાં મોંઘી સારવારના ખર્ચમા રાહત
પરદેશમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ અને કેનેડા જેવા દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓ અત્યંત મોંઘી હોય છે. એક સામાન્ય ડોક્ટરની હોમ વિઝિટથી માંડીને હોસ્પિટલમાં એડમિટ થવાનો કે પછી સર્જરી કરાવો, ત્યારે ખર્ચો લાખો રૂપિયામાં પહોંચી જતો હોય છે. આવા સમયે મેડિકલ ઈન્સ્યોરન્સ વધારાનો આર્થિક બોજો તમારા ઉપર પડવા નથી દેતો. મેડિકલ ઈન્સ્યોરન્સ હોય, તો ખર્ચો કંપની ઉઠાવે છે.
વિદેશમાં મેડિકલ ઈમરજન્સી અને કેશલેસ સારવાર
પ્રવાસ દરમિયાન અચાનક તબિયત બગડે, હાર્ટ એટેક આવે કે પછી કોઈ બીમારીમાંથી સાજા થયા બાદ તરત જ તમારે તબીબી મદદની જરૂર પડે છે. ઈન્સ્યોરન્સ પૉલિસી અંતર્ગત તમને નિર્ધારિત હોસ્પિટલોમે કેશલેસ સારવારની સુવિધા મળે છે.
પરદેશમાં નવી કરન્સી અને ઓછા પરિચિત લોકો પાસેથી પૈસાની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. વીમા પૉલિસી અંતર્ગત નિર્ધારિત હોસ્પિટલમાં પૈસા ચૂકવ્યા વિના તમારી સારવાર શક્ય બને છે.
મેડિકલ ઈવેક્યૂએશન
જો કોઈ દુર્ઘટના કે ગંભીર બીમારીની સ્થિતિમાં તમારા વધારે સઘન સારવાર માટે નજીકના કોઈ મોટા શહેર, મોટી હોસ્પિટલ કે પછી પોતાના દેશમાં લાવવા પડે, ત્યારે તેનો ખર્ચો વધી જતો હોય છે. ટ્રાવેલ ઈન્સ્યોરન્સમાં એર એમ્બ્યુલન્સ અને મેડિકલ ઈવેક્યૂએશનનો ખર્ચ કવર થાય છે.
એક્સિડન્ટ કવર
વિદેશમાં કોઈ માર્ગ અકસ્માત કે દુર્ઘટનાની સ્થિતિમાં ઈમરજન્સી સારવાર, અપંગતા કે મૃત્યુ થવા પર વીમો ધરાવતી વ્યક્તિ કે તેના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
યુરોપિયન યુનિયનના દેશોમાં મેડિકલ ઈન્સ્યોરન્સ ફરજિયાત
શેંગેન કન્ટ્રી અર્થાત યુરોપિયન યુનિયનના 29 દેશો જેમ કે ફ્રાન્સ, જર્મની અને ઈટલી જેવા દેશોમાં એન્ટ્રી માટે ટ્રાવેલ મેડિકલ ઈન્સ્યોરન્સ ફરજિયાત છે. જેના વિના તમારા વિઝા રિજેક્ટ કરી દેવામાં આવે છે.
ટ્રાવેલ સબંધિત અન્ય કવર પણ મળે
મોટાભાગની ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પૉલિસી માત્ર મેડિકલ જ નહીં, પરંતુ અન્ય જોખમોને પણ કવર કરે છે. જેમ કે પાસપોર્ટ કે કોઈ કિંમતી સમાન ગુમ થઈ જાય, ફ્લાઈટર રદ્દ થાય કે મોડી પડે વગેરે કવર પણ આપે છે.
