November 1 Rule Changes 2026: ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ GST કાઉન્સિલે રજિસ્ટ્રેશનથી માંડીને કરદાતાઓને નોટિસ મોકલવા સાથે સંકળાયેલા અનેક નિયમોમાં મોટા ફેરફારો કર્યાં હતા. જે નિયમો આજે એટલે કે 1 નવેમ્બરથી લાગુ થઈ જશે. આ સિવાય પણ સામાન્ય માનવીના જીવન પર અસર કરતાં અનેક નિયમો આજથી અમલી થઈ જશે. તો ચાલો જાણીએ એવા ક્યા-ક્યા નિયમો છે, જે આજથી લાગુ થશે અને તેની તમારા ખિસ્સા પર શું અસર થશે
વર્કિગ પ્લેસના સરનામે GST રજિસ્ટ્રેશન
આજથી વેપારીઓને વર્કિગ પ્લેસના સરનામે જ GST રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે વેપારીએ વર્કિંગ પ્લેસના સભ્ય પદની કોપી અપલોડ કરવી પડશે, જેમાં સરનામું સ્પષ્ટ હોવું જોઈએ. આ સાથે જ આધાર નંબરના આધારે રજિસ્ટ્રેશન કરવા પર અધિકારી સરનામાની ખારાઈ કરવા નહીં જાય.
ગંભીર ગેરરીતિ કે છેતરપિંડીની આશંકા થવા પર જ સરનામાની ખારાઈ કરવામાં આવશે. સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવા માટે વીજળીનું બિલ, હાઉસ ટેક્સ જેવા બિલો સાથે જોડવાના રહેશે. આ સિવાય અપીલને લઈને ફી જમા કરાવવા, નોટિસના કારણો બિલકુલ સ્પષ્ટ બનાવવા, રિફંડને સરળ બનાવવા જેવા નિયમો પણ આજથી લાગુ થઈ જશે.
પેન્શન ધારકોએ જીવન પ્રમાણ પત્ર જમા કરાવવું પડશે
80 વર્ષથી ઓછી વયના સરકારી પેન્શન ધારકો આગામી 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણ પત્ર ઓનલાઈન જમા કરાવી શકે છે. 80 વર્ષથી વધુ વયના સીનિયર સિટીઝન્સ માટે એક ઓક્ટોબરથી જ જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની વિન્ડો ખોલી દેવામાં આવી હતી.
હવે 80થી ઓછી વયના પેન્શન ધારકો પોતાની બેંકની બ્રાન્ચમાં જઈને પોસ્ટ ઓફિસની ડોર સ્ટેપ સર્વિક કે પછી આધાર આધારિત ડિજિટલ જીવન પ્રમાણ એપ દ્વારા ઘરે બેઠા પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે. જો સમયસર જીવન પ્રમાણ પત્ર જમા નહીં કરવામાં આવે, તો ડિસેમ્બરથી પેન્શન આવતું બંધ થઈ શકે છે.
યુટિલિટી બિલ પેમેન્ટ પર ફી લેશે PNB
જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB)એ આજથી ક્રેડિટ કાર્ડ દ્વારા 50 હજાર રૂપિયાથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર એક ટકા ફી લાગુ કરી દીધી છે. જો કે આ પ્રતિ લેવડદેવડ મહત્તમ બે હજાર રૂપિયા સુધી જ રહેશે. અગાઉ PNB ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલ જમા કરાવવા પર કોઈપણ પ્રકારની ફી લેતી નહોતી. વીજળી, ટેલિફોન, ઇન્ટરનેટ, પાણી જેવા બિલોને યુટિલિટી બિલ કહેવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ પ્લાન ડિફોલ્ટ
આજથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) ના ડિજિટલ પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડનો ડાયરેક્ટ પ્લાન ડિફોલ્ટ ઓપ્શન રહેશે. સેબી (SEBI)ના અધ્યક્ષ તુહિન કાંત પાંડેના જણાવ્યા અનુસાર, જો કોઈ રોકાણકાર રેગ્યુલર પ્લાન પસંદ કરે છે, તો તેને પહેલા તેના વધારે ખર્ચ ગુણોત્તર (એક્સપેન્સ રેશિયો) વિશે જણાવવામાં આવશે. એટલે કે હવે ઓનલાઈન રોકાણ કરતી વખતે રોકાણકારોને ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાનના ખર્ચનો તફાવત સમજવાની તક મળશે.
9 નવેમ્બરથી કેન્સરની 137 દવાઓના ભાવ ઘટશે
તાજેતરમાં સરકારે 137 બિન અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિન મહત્તમ 30 ટકા નક્કી કરી દીધું છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA) ના આ નિર્ણયથી વર્તમાન મૂલ્ય રચનાના આધારે દવાઓની રિટેલ કિંમતોમાં 70 ટકા સુધી ઘટાડો થવાની આશા છે. નવી કિંમત 9 નવેમ્બરથી લાગુ થઈ જશે. દર્દીઓ NPPA ની વેબસાઇટ અને 'ફાર્મા સહી દામ' મોબાઇલ એપ દ્વારા નવી કિંમતો જોઈ શકશે.
