દિલ્હીના રામલીલા મેદાનમાં INDI ગઠબંધનની રેલીને પગલે પોલીસ એલર્ટ, 4 હજાર જવાન તૈનાત; 200 CCTV કેમેરાથી કડક પહરો

દિલ્હી પોલીસે સુરક્ષાના ભાગરૂપે રામલીલા મેદાનને 14 ઝોનમાં વિભાજિત કરી દીધુ છે. જ્યારે ભીડને કંટ્રોલ કરવા માટે 4 હજાર પોલીસ જવાનોને તૈનાત કરવાની યોજના છે. રામલીલા મેદાનમાં પ્રવેશ માટે મેટલ ડિટેક્ટર લાગી ગયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 10:49 PM (IST)Updated: Sat, 31 Oct 2026 10:49 PM (IST)
indi-alliance-ramlila-maidan-rally-4000-police-deployed-as-lakhs-expected

INDI Alliance Ramlila Maidan Rally: 1 નવેમ્બરે રવિવારના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલીને લઈને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ ઈન્ડી ગઠબંધન દ્વારા આ રેલીમાં દેશભરમાંથી 10 લાખ લોકો ઉમટી પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દિલ્હી પોલીસ પાસે રેલીમાં 70 હજાર લોકો જ આવશે તેવા ઈન્ટીલિજન્સ ઈનપુટ છે.

એવામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને સ્પેશિયલ પોલીસ કમિશન લો એન્ડ ઑર્ડર દેવેશચંદ્ર શ્રીવાસ્તવ આજે રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા છે.

પોલીસ કમિશનરે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, શંકાસ્પદ લોકો અને તેમની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ખાસ તકેદારી રાખવામાં આવશે.

દિલ્હી પોલીસે સુરક્ષાના ભાગરૂપે રામલીલા મેદાનને 14 ઝોનમાં વિભાજિત કરી દીધુ છે. જ્યારે ભીડને કંટ્રોલ કરવા માટે 4 હજાર પોલીસ જવાનોને તૈનાત કરવાની યોજના છે. રામલીલા મેદાનમાં પ્રવેશ માટે મેટલ ડિટેક્ટર લાગી ગયા છે. જેમાં ચેકિંગ બાદ જ લોકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. રેલીને ધ્યાનમાં રાખીને મુખ્ય ચાર રસ્તાઓ પર વધારાના ટ્રાફિક પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે.

રવિવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીની રેલી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બાજ નજર રાખશે. દરેક ઝોનની જવાબદારી ACP રેન્કના અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યારે બે ઝોનની દેખરેખ એડિશનલ DCP કક્ષાના અધિકારીઓ કરશે. રામલીલા મેદાન અને તેની આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ માટે 200થી વધુ CCTV કેમેસા સાથે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત વ્યુહાત્મક સ્થળો પર હાઈ ડેફિનેશન CCTV કેમેરા ઈન્સ્ટોલ કરવા અને તેના ફૂટેજ પર સતત નજર રાખવા માટે મોનિટરિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. તેમજ રેલીમાં ભાગ લેવા આવનારા લોકોને લાવનારી બસોની પણ વિગતો માંગવામાં આવી છે. મેદાનમાં રાતે રોકાવાની મંજૂરી નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં CRPFની 270 કંપનીઓને 16 નવેમ્બર સુધી તૈનાત કરી દીધી છે.