PM મોદીનું વિભાજનકારી પ્રયાસો સામે એકજૂટ રહેવા આહ્વાન, કહ્યું-'વર્તમાનમાં વિરોધ પક્ષ વિકાસમાં અડચણ ઉભો કરનારો અવરોધ પક્ષ બન્યો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના એકતાનગર ખાતે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કર્યું અને દેશને સંબોધિત કરતા વિભાજનકારી શક્તિઓ સામે એકજૂટ રહેવા આહ્વાન કર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 10:17 PM (IST)Updated: Sat, 31 Oct 2026 10:17 PM (IST)
pm-modi-calls-for-unity-against-divisive-forces-slams-opposition-as-obstruction-party

Narmada News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને દેશને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી- સરદાર સાહેબની પ્રતિમાના ચરણપૂજન અને પુષ્પાંજલિ આપીને કર્યો હતો. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ નિહાળીને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન, લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતીની શાનદાર ઉજવણીમાં સહભાગી બનેલા વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની વિવિધતા એ બાધા નહીં, પરંતુ એકતાનો આધાર છે'- સરદાર સાહેબનો આ જીવનમંત્ર આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણાદાયી છે. કાશી વિશ્વનાથથી લઈને રામ મંદિરનો પુનરોદ્ધાર એ સરદાર સાહેબના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પદચિહ્નો છે.

વડાપ્રધાને જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતાનો આ મહાયજ્ઞ અને સશક્ત તથા સમર્થ ભારતની સંકલ્પ યાત્રા ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ અટકશે નહીં. વિકાસની તેજ ગતિ સાથે આગળ વધી રહેલું ભારત હવે રોકાશે નહીં, અટકશે નહીં, "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ની ભાવના સાથે અવિરત આગળ વધતું રહેશે. દેશમાં સેક્યુલર સિવિલ કોડ અને અન્ય રાષ્ટ્રહિતના મોટા નિર્ણયોની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

દેશને એક અને અખંડિત રાખવા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો મૂળમંત્ર સરદાર સાહેબ માટે સર્વોપરિ હતો, તેથી તેમની જયંતી રાષ્ટ્રીય એકતાનું મહાપર્વ બની ગઈ છે એમ જણાવી વડાપ્રધાને કહ્યું કે, સરદાર સાહેબે દૃઢ સંકલ્પ, કુનેહ અને દૂરદર્શિતાથી પાંચસોથી વધુ રજવાડાંઓને એક સૂત્રમાં પરોવ્યાં અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કર્યું. સરદાર સાહેબના 151મા જયંતી વર્ષની ઉજવણીના પરિણામે દેશના ખૂણેખૂણે એકતાનો સંદેશ પહોંચ્યો છે. આ ઉજવણી સરદાર સાહેબના રાષ્ટ્ર માટેના યોગદાનનું માત્ર સ્મરણ નથી, એ આપણા માટે 'નવા ભારત, વિકસિત ભારત'ના નિર્માણના સંકલ્પનું પર્વ છે.

રાષ્ટ્રીય એકતા દિવસ એકતાનું મહાપર્વ છે, તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસ એ જનભાગીદારીથી જનગૌરવનો ઉત્સવ બન્યો છે. સરદાર સાહેબે દેશને માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ જોડ્યો હતો. સરદાર સાહેબે ગુજરાતમાં સોમનાથ મંદિરના પન:નિર્માણ થકી રાષ્ટ્રીય સ્વાભિમાનના પુનરુત્થાનના શ્રીગણેશ કર્યા હતા આ મહાન કાર્યને 75 વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન લેવાયેલા સંકલ્પોને દેશે ગણતરીના સમયમાં પૂર્ણ કરી બતાવ્યા છે એમ તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું.

સરકારને છેલ્લા 12 વર્ષમાં નક્સલવાદ-માઓવાદી આતંકના ઓછાયાથી મુક્ત કરવામાં સફળતા મળી રહી છે એમ જણાવતાં વડાપ્રધાને ઉમેર્યું હતુ કે, વર્ષ 2015માં 126 જિલ્લાઓ વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત હતા, જ્યારે માર્ચ 2026 સુધીમાં દેશમાં એવો કોઈ જિલ્લો રહ્યો નથી. હિંસા અને રક્તપાતથી પીડિત વિસ્તારો હવે વિકાસની મુખ્ય ધારાનો હિસ્સો બની રહ્યા છે, જ્યાં રસ્તા, મોબાઇલ કનેક્ટિવિટી, શાળા અને આરોગ્ય સુવિધાઓ વિસ્તરી રહી છે. આજે ભારત પહેલાં કરતાં વધુ સુરક્ષિત, સલામત, સશક્ત અને એકતાના તાંતણે જોડાયું છે.

તેમણે નક્સલવાદથી પીડિત અને નક્સલવાદનો માર્ગ છોડનાર નાગરિકો, પરિવારોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી તથા શાંતિ સ્થાપવા સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોને નમન કર્યા હતા.

દેશવિરોધી વિભાજનકારી શક્તિઓથી સાવધાન કરતા વડાપ્રધાને જણાવ્યું કે, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ બંધારણમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષની વ્યવસ્થા કરી હતી. જો કે વર્તમાનમાં વિરોધ પક્ષ વિરોધને બદલે 'અવરોધ પક્ષ' બની ગયો છે અને દેશના વિકાસમાં અડચણો ઊભી કરી રહ્યો છે. તેમણે દેશવાસીઓને વિભાજનકારી પ્રયાસોને ઓળખી એકજૂટ થઈને તેનો સામનો કરવા, તેમજ સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે દુરુપયોગ કરી ભ્રામક માહિતી ફેલાવનારાઓથી સાવધ રહેવા આહ્વાન કર્યું હતું. દેશના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં નક્સલવાદની કમર તૂટી ચૂકી છે, પરંતુ 'દિમાગી નક્સલો'થી સાવધાન સામે સતર્ક રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.

'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના મજબૂત કરતા વડાપ્રધાનએ કહ્યું કે, એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને મજબૂત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપના પૂરા કરીશું એમ જણાવી વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, દેશમાં છેલ્લાં બાર વર્ષથી ગરીબ કલ્યાણને પ્રાથમિકતા અપાઈ રહી છે. ડીબીટી મારફતે લિકેજમુક્ત વ્યવસ્થા, મફત રાશન, કરોડો પાકાં ઘર, શૌચાલયો, ધુમાડામુક્ત રસોડાં અને કરોડો લોકો માટે વીમા સુરક્ષાથી ગરીબોનું જીવન સરળ બન્યું છે.

2014 પહેલાં દેશમાં માત્ર 25 કરોડ લોકો પાસે સામાજિક સુરક્ષા કવચ હતું, જ્યારે આજે આશરે 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા કવચથી આવરી લેવાયા છે, ત્યારે સુશાસન અને જનકલ્યાણની નીતિઓને વધુ સુદ્રઢ કરી દેશમાંથી ગરીબી દૂર કરી ભારતને વિકસિત બનાવીશું એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ જણાવ્યું કે, છેલ્લાં દાયકામાં 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અગાઉ દર ૧૦૦ વ્યક્તિમાંથી ૨૭ વ્યક્તિ અતિશય ગરીબીમાં જીવતી હતી, જ્યારે આજે આ સંખ્યા ઘટીને 3થી પણ ઓછી થઈ છે.

આજે વિશ્વ અશાંતિની આગમાં સળગી રહ્યું છે. અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યાં છે, મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ મુશ્કેલીમાં છે, સંસાધનોનું સંકટ વધી રહ્યું છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે. આવા સમયમાં ભારતવાસીઓની એકતા જ દેશનું સૌથી મોટું બળ છે .

તાજેતરમાં ઊર્જા સંકટને કારણે અનેક દેશોમાં ડીઝલ-પેટ્રોલની ખરીદી પર મર્યાદા, ડામાડોળ અર્થતંત્ર, રાજકીય અસ્થિરતાની સ્થિતિ ઊભી થઈ હતી. ભારત માટે ઈંધણ ના વપરાશ અને આયાત ક્ષેત્રે સૌથી મોટું સંકટ ઊભું થવાની આશંકાઓ વ્યક્ત થઈ હતી, પરંતુ ભારતે આ વૈશ્વિક ઊર્જા સંકટની અસર પોતાના નાગરિકો પર પડવા દીધી નથી. આ કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા હોવાની સાથે દેશવાસીઓની એકતાનું પણ પરિણામ છે.