દિમાગી નક્સલનો ખતરો હજુ ટળ્યો નથી, ભારત વિરોધી તાકાતોથી દેશવાસીઓને એલર્ટ રહેવાની જરૂર: PM મોદી

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પર કેવડિયામાં 'દિમાગી નક્સલો' અને ભારત વિરોધી તાકાતો સામે ચેતવણી આપી. તેમણે વિપક્ષને અવરોધ પક્ષ ગણાવ્યો અને સોશિયલ મીડિયા દ્વારા દેશની છબી ખરડાવવાના પ્રયાસોને ઓળખવા હાકલ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 08:14 PM (IST)Updated: Sat, 31 Oct 2026 08:14 PM (IST)
pm-modi-live-address-stay-alert-to-the-danger-of-brain-naxalism

PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તિ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કેવડિયા સ્થિત એકતાનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં નક્સલ મુક્ત ભારત થીમ પર આધારિત એકતા પરેડ યોજાઈ હતી. આ તકે પોતાના સંબોધનમાં વડાપ્રધાને વિપક્ષને આડેહાથ લઈને આકરા પ્રહારો કર્યો હતો.

PM મોદીએ ભારત વિરોધી તાકાતોને ઓળખવાની જરૂર પર ભાર મૂકતા જણાવ્યું કે, હજુ પણ દેશમાં દિમાગી નક્સલોનો ખતરો ટળ્યો નથી. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને દેશની છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આથી બંધારણની મર્યાદા તોડનારા આવા તત્વોથી આપણે સાવધ રહેવું પડશે.

કેટલીક તાકાતો જૂઠ્ઠાણા ફેલાવીને દેશમાં અસ્થિરતા સર્જવા માંગે છે. જો કે દેશવાસીઓની એકતાથી આવા ષડયંત્રો નિષ્ફળ ગયા છે. હવે આપણે દિમાગી નક્સલોથી પણ મુક્ત થવાનું છે.

વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, બાબા આંબેડકર જેવી મહાન વિભૂતિએ બંધારણના નિર્માણ સમયે સત્તા પક્ષ અને વિપક્ષની વ્યવસ્થા આપી હતી. વિપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું છે. જો કે હાલ વિપક્ષ પોતાનું કર્તવ્યૂ ભૂલીને અવરોધ પક્ષ બની ગયો છે. તેમણે અવરોધને જ પોતાની રાજનીતિ બનાવી દીધી છે.

એક દાયકાની હતાશા અને નિરાશાના કારણે હવે તેઓ ખુલ્લા પડી ગયા છે. કોણ વિદેશમાં કોની સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી રહ્યું છું, ભારત વિરોધી તાકાતો કોને સમર્થન આપી રહી છે, કોણ ભારત વિરોધી ભાષા બોલી રહ્યું છે, આવા તમામ લોકોને આપણે ઓળખવા પડશે.

જે લોકો સોશિયલ મીડિયા દ્વારા જૂઠ્ઠાણુ ફેલાવીને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે, દેશવાસીઓએ તેમને ઓળખીને ખુલ્લા પાડવા પડશે. ભારતે નક્સલને નાબુદ કરી દીધો હોય, પરંતુ દિમાગી નક્સલનો ખતરો હજુ પણ ટળ્યો નથી. દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સૌએ સાથે મળીને આગળ વધવું જરૂરી છે.