Rajkot: ટ્રકમાં મગફળી અને સીંગદાણાની બોરીઓની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 27.72 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દિવાળી પૂર્વે 'SAY NO TO DRUGS' અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી મગફળીની આડમાં લઈ જવાતો ₹10.94 લાખનો 21.892 કિલો ગાંજો ઝડપી પાડી, કુલ ₹27.72 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 31 Oct 2026 09:34 PM (IST)Updated: Sat, 31 Oct 2026 09:34 PM (IST)
rajkot-news-cannabis-smuggled-in-groundnut-bags-seized-3-arrested-with-assets-worth-rs-2772-lakh

Rajkot: રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે નશાના કારોબાર સામે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ તરફ જવાના રસ્તે એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ સામે જાહેર રોડ પરથી પસાર થતી આઇસર ટ્રકને રોકીને તપાસ કરતાં મગફળી અને શીંગદાણાની બોરીઓની આડમાં લઈ જવાતો ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 21.892 કિલો ગાંજો કબજે કર્યો છે, જેની કિંમત રૂ. 10.94 લાખથી વધુ થાય છે. આ સમગ્ર કાર્યવાહીમાં ગોંડલના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાહન સહિત કુલ રૂ. 27,72,750નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવાળીના તહેવારો દરમિયાન યુવાધનને નશાના રવાડે ચઢતું અટકાવવા અને શહેરમાં માદક પદાર્થોના વેચાણ તથા હેરાફેરીને નાબૂદ કરવાના હેતુથી પોલીસ દ્વારા 'SAY NO TO DRUGS' અભિયાન અંતર્ગત ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશાના કારોબારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ તરફ જવાના રસ્તે એક આઇસર ટ્રકમાં માદક પદાર્થનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે જાહેર રોડ પર આઇસર ટ્રક નંબર GJ-06-AV-3000ને રોકી હતી. ત્યારબાદ ટ્રકની તલાશી લેતાં તેમાં મગફળી અને શીંગદાણાની બોરીઓની સાથે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રકમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે પકડેલા આરોપીઓમાં ફરીદભાઇ મેરાજભાઇ બ્લોચ (ઉંમર 27), મહેબુબભાઇ આદમભાઇ દોઢીયા (ઉંમર 58) અને હસમુખભાઇ શાંતિભાઇ અગ્રાવત (ઉંમર 46), ત્રણેય રહે. ગોંડલનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા જાવિદ મકરાણી અને સલમાન બ્લોચ (બંને રહે. ગોંડલ)ને પકડવાના બાકી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી દરમિયાન 21.892 કિલો ગાંજો, જેની કિંમત રૂ. 10,94,600 થાય છે, તે કબજે કર્યો હતો. આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ. 12 હજાર, આઇસર ટ્રકની કિંમત રૂ. 7 લાખ તેમજ મગફળી અને શીંગદાણાની બોરીઓની કિંમત રૂ. 8,55,150 ગણવામાં આવી છે. આ ઉપરાંત રોકડ રકમ, અન્ય કાગળો અને બિલ્ટી સહિત કુલ રૂ. 27,72,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(એ)(1)(2) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.