Ahmedabad: ગત 24 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મકરબા બ્રિજ ખુલ્લો મૂકાયો ત્યારથી વિવાદમાં રહ્યો છે. મકરબાથી પ્રહલાદનગર કોર્પોરેટ રોડને જોડતાં ઓવરબ્રિજ ઉતરતાં જ ટ્રાફિક જામ થઈ જતો હતો. જેના પગલે કોર્પોરેશન દ્વારા કેપ્સ્યુલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના પરિણામે આ રોડ પરથી પસાર થતાં લાખો વાહન ચાલકોને લાંબો ફેરો ફરવો પડતો હતો. આખરે હવે તંત્ર દ્વારા ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ નાંખવામાં આવી રહ્યું છે. જેના પરિણામે વાહન ચાલકોને મોટી રાહત મળશે.
હકીકતમાં રૂ. 98.60 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના પ્લાનિંગ અને ડિઝાઈનમાં મોટી ખામી એ હતી કે, મકરબાથી શરૂ થતો આ બ્રિજ કોર્પોરેટ રોડના વ્યસ્ત ચાર રસ્તા પાસે પુરો થતો હતો. જેના પરિણામે બ્રિજ પરથી ઉતરતા વાહનો અને ચાર રસ્તા પર અન્ય વાહનો સામ-સામે આવી જતાં હતા. જેથી સતત અકસ્માતનો ભય અને ચક્કાજામની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાના ઉકેલ સ્વરૂપે તંત્ર દ્વારા બેરિકેડ ગોઠવીને કેપ્સુલ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.
ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મકરબા ઓવર બ્રિજથી વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી. કેપ્સુલ સિસ્ટમના કારણે આ રોડ પરથી દરરોજ પસાર થતાં વાહન ચાલકોને 200 મીટર ફરીને જવું પડતું હતુ. જેના કારણે લોકોમાં પણ તંત્ર પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને પત્ર પાઠવી બ્રિજના બંને તરફના છેડા પર સિગ્નલ મુકવા અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવા માટે જાણ કરી હતી.
અગાઉ ભાજપના સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આ સંદર્ભે પત્ર પણ લખ્યો હતો. જેમાં બ્રિજના બન્ને તરફના છેડા પર સિગ્નલ મૂકવા અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી હતી.
આખરે કોર્પોરેટ રોડ ચાર રસ્તા નજીક ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ કામગીરી પૂરી થશે, જે બાદ સિગ્નલ વિધિવત કાર્યરત થઈ જશે. જેથી વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળશે.
