દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોરને મળી મંજૂરી, પટના-ગુવાહાટી સુધી લંબાવાશે; જાણો નોર્ધન કોરિડોરની સંપૂર્ણ વિગત

નોર્ધન કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનઉ અને અયોધ્યાને કનેક્ટ કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 31 Oct 2026 07:25 PM (IST)Updated: Sat, 31 Oct 2026 07:25 PM (IST)
delhi-varanasi-guwahati-bullet-train-route-travel-time-northern-corridor-gets-approval

Delhi-Varanasi Bullet Train Corridor: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વારાણસી, સિલિગુડી અને ગુવાહાટી સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ અંગેની વિગતવાર માહિતી શેર કર. દિલ્હી-વારાણસી-ગુવાહાટી બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોર (ઉત્તરીય કોરિડોર) ને લીલી ઝંડી મળી ગઈ છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશને ટૂંક સમયમાં જ નવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મળવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેન નેટવર્કના નોર્ધન કોરિડોરને સ્વીકૃતિ આપી દીધી છે. આ નોર્ધન કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનઉ અને અયોધ્યાને કનેક્ટ કરશે. ત્યારબાદ વારાણસી, પટના, સિલિગુડી થઈને છેક ગુવાહાટી સુધી જશે. નોર્ધન કોરિડોર બનીને તૈયાર થયા બાદ મુસાફરીનો સમય ઘટીને માત્ર થોડા કલાકોમાં જ રહેશે.

  • દિલ્હીથી આગ્રા: માત્ર 59 મિનિટ
  • દિલ્હીથી કાનપુર: 1 કલાક 45 મિનિટ
  • દિલ્હીથી લખનઉ: 2 કલાક 12 મિનિટ
  • દિલ્હીથી વારાણસી: 3 કલાક 33 મિનિટ
  • દિલ્હીથી પ્રયાગરાજ: માત્ર 33 મિનિટ

સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે સુવિધા

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ બુલેટ ટ્રેનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારથી લઈને પશ્ચિમ બંગાળ અને અસમ સુધી એવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઊભી થશે કે સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારો નોકરી, શિક્ષણ કે આરોગ્ય જેવી જરૂરિયાતો માટે સરળતાથી એક શહેરથી બીજા શહેર જઈ શકશે. તેમને હવાઈ મુસાફરી કરવાની જરૂર પડશે નહીં.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટેનું ભાવિ આયોજન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સુરતથી બીલીમોરા સુધીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન આગામી વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં થવાનું છે, જ્યારે સમગ્ર રૂટ 2029 મધ્ય સુધીમાં ખોલવાનું આયોજન છે. આ રૂટ પર સાબરમતી, અમદાવાદ, બાંદ્રા-કુર્લા અને વિરાર સહિત કુલ 12 સ્ટેશનો બની રહ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી મળેલા અનુભવોના આધારે સરકાર અન્ય હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ પર ઝડપથી આગળ વધશે.

આ બુલેટ ટ્રેન ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, બંગાળ અને અસમ માટે પ્રથમ બુલેટ ટ્રેન પણ બનશે. કેન્દ્ર સરકાર મુંબઈ-અમદાવાદ બાદ આ હાઇ-સ્પીડ રેલ કોરિડોરને ઝડપથી આગળ વધારવા માંગે છે. આ ઉપરાંત, દિલ્હી-વારાણસી વંદે ભારત ટ્રેન પણ આજે શરૂ થવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સાંજે વારાણસી પહોંચીને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે.