Rajkot: રાજકોટ શહેરમાં દુષ્કર્મના ત્રણ અલગ-અલગ બનાવો મામલે તાલુકા પોલીસ, થોરાળા પોલીસ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. જે પૈકી એક કિસ્સામાં પીડિત પરિણીતાના પતિ અને દિયરને જેલમાંથી છોડાવવામાં મદદ કરવાના બહાને નરાધમે ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આટલું જ નહીં, હવસખોરો રૂ. 10 લાખ જેટલી રોકડ પણ પડાવી લીધી હતી. તેમજ તાંત્રિક વિદ્યા થકી પીડિતાના આખા પરિવારને પતાવી દેવાની અને ન્યૂડ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. ખાસ વાત એ છે કે, આ શખ્સ વિરુદ્ધ અગાઉ આજી ડેમ પોલીસ મથકમાં પણ દુષ્કર્મનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ મામલે ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે રિન્કલ આંબલિયા નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો
પીડિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આજથી છએક મહિના પૂર્વે તેના પતિ અને દિયર GPIDના ગુના સબબ જેલમાં કેદ છે. જૂન 2026માં તે પતિ અને દિયરને મળવા માટે જેલમાં ગઈ હતી, ત્યારે રિન્કલ આંબલિયા પણ ત્યાં કોઈની મુલાકાત માટે આવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન રિન્કલે પોતાની મોટા વકીલો સાથે ઓળખાણ હોવાથી તમારા પતિને દિયરને જલ્દી જેલમાંથી બહાર આવી જશે તેમ કહીને નંબર લઈ લીધો હતો.
પરિણીતા કાયદાની બાબતોથી અજાણ હોવાથી તે રિન્કલની વાતોમાં આવી ગઈ હતી. જે બાદ રિન્કલે ફોન પર વાતચીત કરીને પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન પરિણીતાને વીડિયો કોલ કરવા મજબૂર કરીને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ લઈ લીધુ હતુ. જે બાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને ન્યૂડ વીડિયો કોલ કરવા ધમકી આપી હતી. તેમજ અવાર-નવાર હોટલમાં લઈ જઈ બ્લેકમેઈલ કરીને બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા.
જો પરિણીતા તેની વાત માનવાનો ઈન્કાર કરે તો આરોપી તેને ધમકાવતો હતો કે, તારા પતિ અને દિયરને જેલમાંથી છૂટવા નહીં દઉ. જે બાદ શરીર સબંધ બાંધતી વખતે વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપીને કટકે-કટકે રૂ. 10 લાખ પડાવી લીધા હતા.
આરોપી રિન્કલ પરિણીતાને ધમકી આપતો હતો કે, પોતે તાંત્રિક વિદ્યાનો જાણકાર છે. જો પોતાનું કહ્યું નહીં માને, તો વિધિ કરીને તારા આખા પરિવારને પતાવી દેશે. આથી ફસાયેલી પરિણીતાએ લાખોની રકમ આપી દીધી હોવા છતાં તે વધુ પૈસા પડાવવા માટે બ્લેકમેઈલ કરતો હતો. આખરે ભોગ બનનારે કંટાળીને પોતાના સગાને જાણ કરી હતી, જેમણે હિંમત આપતા સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીડિતા પહોંચતા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની રાહબરીમાં તાલુકા પીઆઈ એસ. આર. મેઘાણી, પીઅસઆઇ એમ. એચ. મહારાજ, પીએસઆઈ બી. આર. ભરવાડ અને ટીમે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
