INDIA Rally Delhi: રામલીલા મેદાનમાં રવિવારે યોજનાર INDIAની રેલીને લઈ દિલ્હી પોલીસે સુરક્ષાની વ્યાપક તૈયારી શરૂ કરી દીધી છે.બીજીબાજુ વરસાદને લીધે રામલીલા મેદાનમાં પાણી ભરાઈ ગયુ છે. મેદાનમાં કીચડને લીધે રેલીની તૈયારી પર અસર થઈ છે.

રેલીમાં આશરે 50 હજાર લોકો પહોંચવાની શક્યતાને જોતા મેદાનને 14 ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને સુરક્ષા તથા ક્રાઉડ મેનેજમેન્ટ માટે આશરે ચાર હજાર પોલીસ કર્મચારીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.

રામલીલામાં પ્રવેશ માટે મેટલ ડિટેક્ટર લગાવવામાં આવી રહ્યા છે. તપાસ બાદ જ લોકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે રેલીના મુખ્ય સ્થળો પર 150 થી વધારે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સૂચિત રેલી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે સિનિયર અધિકારીઓ નજર રાખશે. દરેક ઝોનની જવાબદારી ACP રેન્કના અધિકારીઓને સોંપવામાં આવશે, જ્યારે બે ઝોનની દેખરેખ એડિશનલ DCP રેન્કના અધિકારી કરશે.

મેદાનની આજુબાજુના વિસ્તારોમાં દેખરેખ માટે 200થી વધારે CCTV કેમેરા સાથે બોડી-વાન કેમેરાનો ઉપયોગ કરાશે. કોઈ પણ ઘટના કે સ્થિતિનો સામનો કરવા માટે તોફાન વિરોધી વાહન અને દેખરેખ ઉપકરણોથી સજ્જ વાહનોને ગોઠવવામાં આવશે.
આયોજકોને પણ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી
દિલ્હી પોલીસે આયોજકોને સુરક્ષા વ્યવસ્થામાં સહયોગ આપવા માટે આદેશ કર્યો છે. વ્યૂહાત્મક સ્થાનો પર હાઈ-ડેફિનિશન CCTV કેમેરા લગાવવા તથા તેના ફુટેજ પર નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ બનાવવા કહ્યું છે.
રેલીમાં સામેલ થવા આમંત્રિત લોકો, સ્વયંસેવકો તથા તેમને લાવવા વાળી બસોની વિગતો માંગવામાં આવી છે. વાહનોના પાર્કિંગ વ્યવસ્થા નક્કી કરવા માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. મેદાનમાં રાત્રી રોકાણની પરવાનગી નથી. આયોજકોએ અનુશાસન જળવી રાખવા તથા એવા ભાષણોથી બચવા સલાહ આપવામાં આવી છે કે જે સાંપ્રદાયિક તણાવનું સર્જન કરે.
