LIC Golden Jubilee Scholarship 2026: આપણા દેશમાં અનેક હોંશિયાર વિદ્યાર્થીઓ પૈસાની સગવડ ના હોવાથી પોતાને જેમાં રૂચિ હોય, તેમાં આગળ ભણી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા 'ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ સ્કીમ 2026' માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પુરુ પાડવામાં મદદરૂપ થવાનો છે. આ સ્કોલરશિપ સ્કીમ અંતર્ગત લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ દર વર્ષે 50 હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ મેળવી શકે છે.
'LIC ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ' કોને-કોને મળી શકે?
જે વિદ્યાર્થીએ શૈક્ષણિક વર્ષ 2023-24, 2024-25 કે પછી 2025-26માં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય, તેઓ જનરલ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ સ્કીમ માટે અરજકર્તા વિદ્યાર્થીઓએ 2026-27 દરમિયાન કોઈ યોગ્ય કોર્સમાં પ્રથમ વર્ષ માટે એડમિશન મેળવેલું હોવું જોઈએ.
આટલું જ નહીં, વિદ્યાર્થીના માતા-પિતાની વાર્ષિક આવક સાડા 4 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. આવી જ રીતે જે વિદ્યાર્થીઓ ઉપરોક્ત શૈક્ષણિક વર્ષમાં 60 ટકા માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરી ચૂક્યા છે, તેઓ સ્પેશિયલ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.
આ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2026-27માં ઈન્ટરમીડિએટ, 10+2, વોકેશનલ, ડિપ્લોમા કે યોગ્ય ITI કોર્સના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવેલું હોવું જોઈએ. આ વિદ્યાર્થીઓ માટે પણ વાલીની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ રૂપિયાની રાખવામાં આવી છે.
સિલેક્ટ થયેલા વિદ્યાર્થીને કેટલી સ્કોલરશિપ મળ?
આ માટે જણાવી દઈએ કે, સ્કોલરશિપની રકમ તમારા કોર્સ પ્રમાણે અલગ-અલગ હોય છે.
જેમાં મેડિકલ કોર્સ માટે દર વર્ષે 50 હજાર રૂપિયા, એન્જિનિયરિંગ કોર્સ માટે દર વર્ષે 40 હજાર રૂપિયા આપવામાં આવે છે. જ્યારે ગ્રેજ્યુએશન, ઈન્ટીગ્રેટેડ, ડિપ્લોમા, વોકેશનલ અને ITI કોર્સ માટે દર વર્ષે 20 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેમજ ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સ્કોલરશિપ અંતર્ગત વર્ષે 15 હજાર રૂપિયા આપવામાં આવે છે.
અહીં એક વાતનું ધ્યાન રાખજો કે, મેડિકલ અને એન્જિનિયરિંગના કોર્સ માટે સ્કોલરશિપની રકમ વર્ષમાં બે હપ્તામાં આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે થાય છે?
LIC વિદ્યાર્થીઓની પસંદગી તેમના એકેડેમિક પર્ફોમન્સ અને સ્કીમમાં દર્શાવવામાં આવેલી એલિજિબિલિટીની શરતોને આધારે કરે છે. જો બે અરજદારના માર્ક્સ એક સરખા જ હોય, તો એ વિદ્યાર્થીને પ્રાથમિક્તા આપવામાં આવશે, જેના વાલીની વાર્ષિક આવક ઓછી હોય. આ સ્કોલરશિપ રેગ્યુલર કોર્સ માટે જ છે. કોરસપોન્ડન્સ, પાર્ટ ટાઈમ કે ઑપન યુનિવર્સિટીના કોર્સ માટે આ યોજનાનો લાભ નથી મળતો.
કેવી રીતે અરજી કરવી?
આ માટે વિદ્યાર્થીએ LICની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઑનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન જમા કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2026 છે. અરજી કરતી વખતે વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ડોક્યુમેન્ટ, આવકનો દાખલ અને બેંક એકાઉન્ટની વિગતો તૈયાર રાખવી પડશે. સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂરી કરવી પડશે. જે બાદ સ્કોલરશિપની રકમ NEFT દ્વારા વિદ્યાર્થીના વેરિફાઈડ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
LIC ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ 2026માં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ફોર્મ સબમિટ કરતાં પહેલા શરતો વિશે વિગતવાર માહિતી મેળવવા માટે LICનું સત્તાવાર નોટિફિકેશન ચેક કરવું હિતાવહ રહેશે.
