Himmatnagar Rain: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. ડિઝાસ્ટર ઓફિસના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.



હિંમતનગરમાં પડેલા ભારે વરસાદને કારણે હાથમતી નદીમાં પાણીની આવક વધી છે. આસપાસના ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખાસ કરીને ખેડતસિયા રોડથી મોતીપુરા અને બેરણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.



ભારે વરસાદને કારણે શહેરની સોસાયટીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોએ રાતભર જાગીને ઘરવખરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વરસાદ થંભ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. હજુ પણ કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.