WhatsApp Travel eSIM: વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરતા હોવ ત્યારે મોબાઇલ ઇન્ટરનેટ અને મોંઘા રોમિંગ ચાર્જની ચિંતા રહેતી હોય છે. પરંતુ હવે WhatsApp આ મુશ્કેલી દૂર કરવાની તૈયારીમાં છે. કંપની એક નવું Travel eSIM ફીચર લાવી રહી છે, જેના દ્વારા યુઝર્સ એપમાંથી જ આંતરરાષ્ટ્રીય ડેટા પ્લાન ખરીદી અને ઇન્સ્ટોલ કરી શકશે. ખાસ વાત એ છે કે આ સુવિધા માટે Jio સહિતની જાણીતી ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં આવી છે.
WhatsApp પરથી જ ખરીદી શકાશે Travel eSIM
મેટાની માલિકી ધરાવતી મેસેજિંગ એપ WhatsApp હવે માત્ર ચેટિંગ અને કોલિંગ પૂરતી સીમિત રહેવા માંગતી નથી. કંપની આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને એપમાં જ Travel eSIM ખરીદવાની અને ઇન્સ્ટોલ કરવાની સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
આ ફીચર આવ્યા પછી વિદેશ જતાં પહેલાં કે પ્રવાસ દરમિયાન યુઝર્સ WhatsAppમાંથી જ ડેટા eSIM મેળવી શકશે. તેના માટે અલગ-અલગ વેબસાઇટ કે એપ પર જવાની જરૂર નહીં રહે. જોકે, આ સુવિધા મુખ્યત્વે ઇન્ટરનેટ ડેટા માટે હશે, જેથી યુઝર્સ પોતાના જૂના મોબાઇલ નંબર પર WhatsAppનો ઉપયોગ ચાલુ રાખી શકશે.
Jio સહિત આ કંપનીઓ સાથે WhatsAppની ભાગીદારી
આ નવી સુવિધા શરૂ કરવા માટે WhatsAppએ કેટલીક જાણીતી ટેલિકોમ અને eSIM પ્રોવાઇડર કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે. તેમાં ભારતની Reliance Jio, Smart Axiata, Smart Communications અને Verizon જેવી કંપનીઓ સામેલ છે.
આ ભાગીદારીથી અલગ-અલગ દેશોમાં મુસાફરી કરતા લોકોને ઇન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. જોકે, કઈ કંપની કયા દેશમાં eSIM સેવા આપશે તેની સંપૂર્ણ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
ક્યારે શરૂ થશે WhatsAppનું આ નવું ફીચર?
WhatsAppના જણાવ્યા અનુસાર, Travel eSIMની સુવિધા શરૂઆતમાં પસંદગીના દેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ ધીમે-ધીમે અન્ય દેશોમાં પણ તેનો વિસ્તાર થઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી લોન્ચની ચોક્કસ તારીખ, eSIMના ડેટા પ્લાન અને તેની કિંમતો વિશે કોઈ જાહેરાત કરી નથી.
આ ફીચર તમારા WhatsAppમાં ઉપલબ્ધ થશે ત્યારે એપની અંદર જ તેનો વિકલ્પ જોવા મળશે. એટલે કે યુઝર્સે ફીચરનો લાભ લેવા માટે અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.
WhatsAppના 3 અબજથી વધુ એક્ટિવ યુઝર્સ
WhatsAppના વડા કુણાલ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પહેલ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કંપની eSIM ક્ષેત્રે શરૂઆતના પ્રયાસો કરી રહી છે, જેથી દુનિયાના કોઈપણ ખૂણે પહોંચ્યા પછી પણ લોકો સરળતાથી WhatsAppનો ઉપયોગ કરી શકે.
Metaના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં WhatsAppના 3 અબજથી વધુ એક્ટિવ યુઝર્સ છે. હવે Travel eSIM જેવી સુવિધાથી કંપની પ્રવાસીઓ માટે પણ પોતાની એપને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
