ગાડીનું PUC ક્યારે થશે એક્સપાયર? મોબાઇલથી ઘરે બેઠા ચેક કરો, નહીં તો કપાઈ શકે ₹10,000નો મેમો!

ગાડીના PUC સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ હવે ઘરે બેઠા મોબાઇલથી ચેક કરી શકાશે. જાણો Parivahan પોર્ટલ પર PUCની વેલિડિટી ચેક કરવાની રીત અને નવા સરકારી નિયમો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 23 Nov 2026 11:54 AM (IST)Updated: Mon, 23 Nov 2026 11:54 AM (IST)
puc-certificate-expiry-date-check-online-new-rules-2026

PUC Certificate Rules 2026: જો તમારી પાસે કાર કે બાઇક છે, તો PUC સર્ટિફિકેટની વેલિડિટી ચેક કરવાનું ભૂલશો નહીં. વાહનમાંથી નીકળતા ધુમાડાથી પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે આ સર્ટિફિકેટ જરૂરી છે. ખાસ વાત એ છે કે નવેમ્બર 2026માં સરકારે PUC સર્ટિફિકેટની વેલિડિટીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. હવે કેટલાક BS-VI વાહનોને ત્રણ વર્ષ સુધીની વેલિડિટી મળશે. તમે પણ ઘરે બેઠા મોબાઇલથી તમારા વાહનના PUCની એક્સપાયરી ડેટ જાણી શકો છો.

PUC સર્ટિફિકેટ શું છે અને કેમ જરૂરી છે?

PUCનું પૂરું નામ Pollution Under Control છે. આ એક સરકારી પ્રમાણપત્ર છે, જે દર્શાવે છે કે તમારા વાહનમાંથી નીકળતું પ્રદૂષણ નક્કી કરેલા ધોરણોની અંદર છે. કાર હોય કે બાઇક, વાહન ચલાવતી વખતે માન્ય PUC સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

ઘણીવાર લોકો PUC કઢાવ્યા પછી તેની છેલ્લી તારીખ યાદ રાખતા નથી. સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અને તમે વાહન લઈને રસ્તા પર નીકળો, તો ટ્રાફિકના નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી સમયાંતરે તેની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી છે.

મોબાઇલથી PUC સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી?

તમારે PUC સર્ટિફિકેટની માહિતી મેળવવા માટે કોઈ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. સરકારી Parivahan પોર્ટલ દ્વારા થોડી જ મિનિટોમાં આ માહિતી જાણી શકાય છે.

સ્ટેપ 1: સૌપ્રથમ મોબાઇલમાં Parivahan PUCની સત્તાવાર વેબસાઇટ ખોલો.

સ્ટેપ 2: અહીં PUC Certificate વિકલ્પ પર ક્લિક કરીને તમારી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.

સ્ટેપ 3: હવે ગાડીના ચેસિસ નંબરના છેલ્લા પાંચ અક્ષર અથવા આંકડા દાખલ કરો.

સ્ટેપ 4: સ્ક્રીન પર દેખાતો CAPTCHA કોડ ભરો અને PUC Details પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે સ્ક્રીન પર તમારા વાહનના PUC સર્ટિફિકેટની વિગતો દેખાશે. તેમાં સર્ટિફિકેટની છેલ્લી તારીખ એટલે કે Expiry Date ચેક કરી શકો છો.

નવેમ્બર 2026થી PUCની વેલિડિટીના નિયમોમાં ફેરફાર

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવેમ્બર 2026માં PUC સર્ટિફિકેટની વેલિડિટીને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. હવે વાહનના BS એમિશન સ્ટાન્ડર્ડ અને તેની પ્રથમ રજિસ્ટ્રેશન તારીખના આધારે સર્ટિફિકેટની વેલિડિટી નક્કી થશે.

નવા નિયમો પ્રમાણે PUCની વેલિડિટી કેટલી?

નવા નિયમો હેઠળ વાહનના BS એમિશન સ્ટાન્ડર્ડ અને ઉંમરના આધારે PUCની વેલિડિટી નક્કી થશે. BS-I, BS-II અને BS-III વાહનો માટે 3 મહિના અને BS-IV વાહનો માટે 6 મહિનાની વેલિડિટી રહેશે.

જ્યારે BS-VI પ્રાઇવેટ વાહનોમાં 6 વર્ષ સુધીની ઉંમર હોય તો 3 વર્ષ, 6થી 10 વર્ષ હોય તો 1 વર્ષ અને 10 વર્ષથી વધુ ઉંમર હોય તો 6 મહિનાની વેલિડિટી મળશે. બીજી તરફ, BS-VI કોમર્શિયલ વાહનો માટે આ સમયગાળો અનુક્રમે 2 વર્ષ, 1 વર્ષ અને 6 મહિના રહેશે.

PUC એક્સપાયર થાય તે પહેલાં રિન્યૂ કરાવવું કેમ જરૂરી?

નવા નિયમોમાં PUC રિન્યૂ કરાવવાની સમયમર્યાદા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો તમે જૂના સર્ટિફિકેટની એક્સપાયરી ડેટના છેલ્લા 10 દિવસમાં નવું સર્ટિફિકેટ કઢાવો છો, તો તેની વેલિડિટી જૂના સર્ટિફિકેટની છેલ્લી તારીખ પૂરી થયા પછીથી ગણાશે.

પરંતુ જો સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થયા પછી રિન્યૂ કરાવો છો, તો નવા સર્ટિફિકેટની વેલિડિટી રિન્યૂ કરાવ્યાની તારીખથી શરૂ થશે. એટલે છેલ્લી તારીખ આવે તે પહેલાં જ PUC રિન્યૂ કરાવવું ફાયદાકારક છે. બીજી મહત્વની વાત એ છે કે નવા નિયમો લાગુ થયા પહેલાં કઢાવેલા સર્ટિફિકેટમાં નવી વેલિડિટી પહેલી વખત રિન્યૂ કરાવ્યા બાદ જ લાગુ થશે.

PUC સર્ટિફિકેટ ન હોય તો કેટલો દંડ થઈ શકે?

જો તમારી ગાડીનું PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોય અથવા વાહન પ્રદૂષણના નક્કી કરેલા ધોરણોનું પાલન ન કરતું હોય, તો મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

નિયમોનું પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ ₹10,000 સુધીનો દંડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે અયોગ્ય ઠેરવવાની જોગવાઈ છે. ફરીથી નિયમનો ભંગ થાય તો ₹10,000 સુધીનો દંડ અથવા છ મહિના સુધીની જેલ અથવા બંને થઈ શકે છે.