સાયબર સુરક્ષા એલર્ટ: કરોડો યુઝર્સની અંગત માહિતી જોખમમાં, આટલી કાળજી ન રાખી તો ખાલી થઈ જશે બેંક ખાતું!

ઓપ્ટિમાઇઝ્ડ વેબ દ્વારા CNN, BBC, HSBC સહિત 178 વેબસાઇટ્સ પર મોટો સાયબર અટેક. ક્રિપ્ટો ચોરી અને આઇફોન એક્સપ્લોઈટથી કેવી રીતે બચવું? જાણો સંપૂર્ણ માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 17 Nov 2026 06:23 PM (IST)Updated: Tue, 17 Nov 2026 07:02 PM (IST)
optimizely-cyber-attack-hits-178-major-websites-iphones-targeted

Cyber Attack: ઇન્ટરનેટ જગતને હચમચાવી દે તેવી એક મોટી સાયબર ઘટના સામે આવી છે. 16 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરની 178 જેટલી પ્રતિષ્ઠિત સંસ્થાઓની વેબસાઇટ્સ પર એક અત્યંત ખતરનાક સાયબર હુમલો થયો હતો. આ હુમલામાં બેંકિંગ, ટેકનોલોજી, મીડિયા, રિટેલ અને ટ્રાવેલ ક્ષેત્રની એવી વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી, જેના પર કરોડો લોકો રોજિંદા ધોરણે વિશ્વાસ મૂકે છે. આ યાદીમાં CNN, BBC, Fox News, Zoom, HSBC, IKEA અને Salesforce જેવા મોટા નામો સામેલ છે.

સાયબર સુરક્ષા પર નજર રાખતી સંસ્થા 'Report URI'ના સંશોધકોએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, હેકર્સે સીધી રીતે આ કંપનીઓના સર્વર તોડવાને બદલે 'Optimizely Web' નામના એક થર્ડ-પાર્ટી પ્લેટફોર્મમાં છીંડું શોધી કાઢ્યું હતું. આ પ્લેટફોર્મ વેબસાઇટ્સ પર અલગ-અલગ પ્રયોગો અને સુધારા કરવા માટે જાવાસ્ક્રિપ્ટ (JavaScript) પૂરી પાડે છે. હેકર્સે આ પ્લેટફોર્મના ગ્રાહક એકાઉન્ટ્સમાં ઘૂસણખોરી કરીને તેમાં ખતરનાક કોડ ઉમેરી દીધો હતો.

આ હુમલો કેવી રીતે અંજામ આપવામાં આવ્યો?

Report URIના સ્થાપક સ્કોટ હેલ્મે (Scott Helme) આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. સામાન્ય રીતે હેકર્સ કોઈ વેબસાઇટ પર હુમલો કરે તો સુરક્ષા સિસ્ટમ તેને પકડી પાડે છે. પરંતુ આ કિસ્સામાં હેકર્સે Optimizelyના કસ્ટમ પ્રોજેક્ટ જાવાસ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો હતો.

પરિણામે, જ્યારે પણ કોઈ યુઝર CNN કે BBC જેવી વેબસાઇટ ખોલે તો, ત્યારે Optimizelyના સત્તાવાર અને સુરક્ષિત મનાતા નેટવર્ક (cdn.optimizely.com) મારફતે જ આ વાયરસ યુઝરના બ્રાઉઝરમાં પહોંચી જતો હતો. સુરક્ષા સર્ટિફિકેટ્સ અસલી હોવાને કારણે કોઈને શંકા પણ ગઈ નહીં. જોકે, હેકર્સ Optimizelyના ગ્રાહક ખાતાઓ સુધી કેવી રીતે પહોંચ્યા તે હજુ તપાસનો વિષય છે.

વાયરસ યુઝર્સને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યો હતો?

સાયબર સુરક્ષા ફર્મ 'HudsonRock' અને Report URIના વિશ્લેષણ મુજબ, વેબસાઇટ્સ દ્વારા ફેલાવવામાં આવેલો આ માલવેર (Malware) ખૂબ જ શક્તિશાળી હતો અને તે એકસાથે પાંચ મોટા જોખમો ઊભા કરતો હતો-

ક્રિપ્ટોકરન્સીની ચોરી: જો કોઈ યુઝર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કરતો હોય, તો આ વાયરસ ચૂપચાપ અસલી વોલેટ એડ્રેસ બદલીને હેકર્સનું એડ્રેસ નાખી દેતો હતો. 16 નવેમ્બરની સાંજ સુધીમાં જ હેકર્સના વોલેટમાં અંદાજે $7,040 (લગભગ 6 લાખ રૂપિયા)ની ક્રિપ્ટોકરન્સી જમા થઈ ગઈ હોવાના પુરાવા મળ્યા છે.

બેંક કાર્ડની વિગતોની ચોરી (Skimming): ઓનલાઇન ખરીદી કરતી વખતે પેમેન્ટ ફોર્મમાં ભરવામાં આવતી ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો આ કોડ સીધી હેકર્સને મોકલી આપતો હતો.

બ્રાઉઝર કૂકીઝ (Cookies)ની ચોરી: યુઝરના બ્રાઉઝરમાં સેવ થયેલા લોગિન સેશન અને સંવેદનશીલ ડેટા ધરાવતી કૂકીઝ ચોરી લેવામાં આવતી હતી.

સ્ક્રીનશોટ લેવાની ક્ષમતા: આ વાયરસ યુઝરની જાણ બહાર તેમના કમ્પ્યુટર કે મોબાઇલની સ્ક્રીનના ફોટા પાડીને હેકર્સ સુધી પહોંચાડી શકતો હતો.

iPhone અને iPad યુઝર્સ પર ખાસ નિશાન: આ હુમલામાં એપલના ઉપકરણોને નિશાન બનાવવા માટે 'Coruna' અને 'DarkSword' નામની બે ખાસ એક્સપ્લોઈટ કિટ્સ (Exploit Kits)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે જૂના સોફ્ટવેર ધરાવતા આઇફોન અને આઇપેડને હેક કરી શકતી હતી.

કઈ-કઈ મોટી કંપનીઓ પ્રભાવિત થઈ?

આ સાયબર હુમલાની ઝપેટમાં આવેલી 178 સંસ્થાઓની યાદી ઘણી લાંબી છે.

મીડિયા અને મનોરંજન: CNN, BBC, Fox News, Peacock.

ટેકનોલોજી અને સોફ્ટવેર: Zoom, Salesforce, GitLab, Bitly, Hootsuite, Mixpanel, Tableau.

બેંકિંગ અને ફાઇનાન્સ: HSBC, Equifax, ABN AMRO, Paychex, Funding Circle, Ledger (ક્રિપ્ટો હાર્ડવેર કંપની).

રિટેલ, ટ્રાવેલ અને અન્ય: IKEA, ASOS, Starbucks, Air France-KLM, Vodafone.

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કંપનીઓની આંતરિક સિસ્ટમ હેક થઈ નથી, પરંતુ તેમની વેબસાઇટ પર આવતા મુલાકાતીઓ (Visitors) આ ખતરનાક કોડના સંપર્કમાં આવ્યા હતા.

કંપનીઓની કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ

ઘટનાની જાણ થતાં જ દિગ્ગજ કંપનીઓ હરકતમાં આવી હતી. Salesforce અને Equifax જેવી કંપનીઓએ તાત્કાલિક અસરથી Optimizelyની સ્ક્રિપ્ટ્સ બંધ કરી દીધી હતી અને આંતરિક તપાસ શરૂ કરી હતી. Equifaxએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો કોઈ અંગત ડેટા ચોરાયો નથી.

યુદ્ધના ધોરણે ચાલેલી કામગીરીને કારણે 16 નવેમ્બરની રાત્રે 9:52 (UTC) વાગ્યા સુધીમાં લગભગ તમામ વેબસાઇટ્સ પરથી આ વાયરસ હટાવી દેવામાં આવ્યો હતો, માત્ર 'TalkTalk' નામની કંપનીની સ્ક્રિપ્ટ જ તે સમયે પ્રભાવિત રહી હતી. જોકે, આ સમગ્ર મામલે Optimizely, Apple, Zoom, CNN કે IKEA તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું.

 

સામાન્ય યુઝર્સે શું સાવચેતી રાખવી જોઈએ?

સાયબર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે લોકોએ 16 નવેમ્બરના રોજ ઉપરોક્ત કોઈ પણ વેબસાઇટની મુલાકાત લીધી હોય, તેમણે તાત્કાલિક આ પગલાં ભરવા જોઈએ-

Apple ડિવાઇસ અપડેટ કરો: જો તમે iPhone કે iPad વાપરો છો, તો તરત જ ચેક કરો કે તમારો ફોન iOS 18.7.3 અથવા તેની ઉપરના, કે પછી iOS 26.3 કે તેથી નવા વર્ઝન પર અપડેટ થયેલો છે કે નહીં. જૂના વર્ઝનમાં આ વાયરસ ઘૂસવાની શક્યતા વધુ છે.

બેંક સ્ટેટમેન્ટ તપાસો: જો તમે આ વેબસાઇટ્સ પર કોઈ પણ પ્રકારનું ઓનલાઇન પેમેન્ટ કર્યું હોય, તો તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડના સ્ટેટમેન્ટ પર બાજ નજર રાખો. કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર દેખાય તો તરત જ કાર્ડ બ્લોક કરાવો.

ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનની ચકાસણી: ક્રિપ્ટોકરન્સી મોકલતી વખતે વોલેટ એડ્રેસ બે વાર તપાસો અને જૂની હિસ્ટ્રી ચેક કરો કે કોઈ અજાણ્યા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા નથી ને.

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આજના ડિજિટલ યુગમાં 'સપ્લાય ચેઈન અટેક' કેટલા જોખમી બની શકે છે—જ્યાં એક નાની થર્ડ-પાર્ટી સર્વિસમાં થયેલી ચૂક દુનિયાની સેંકડો સૌથી સુરક્ષિત મનાતી વેબસાઇટ્સના કરોડો યુઝર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે.