યુક્રેનના રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર પર રશિયાનો હુમલો: શાળાને નિશાન બનાવતા 24 લોકોનાં મોત, ડઝનબંધ ઘાયલ

આ ભીષણ હુમલામાં ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં બચાવ કામગીરી સાથે જોડાયેલા બે સભ્યોનો પણ સમાવેશ થાય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 03 Nov 2026 07:36 AM (IST)Updated: Tue, 03 Nov 2026 07:36 AM (IST)
ukraine-zaporizhzhia-school-attack-cyber-hack
ઝાપોરિઝ્ઝિયા સ્કૂલ પર હુમલો

Zaporizhzhia School Attack: યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા (Zaporizhzhia) વિસ્તારમાં આવેલી એક શાળા પર રશિયા દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં 24 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અતિ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ શાળાનો ઉપયોગ યુદ્ધ પ્રભાવિત નાગરિકો માટે રાહત સામગ્રીના વિતરણ કેન્દ્ર તરીકે તેમજ વિસ્થાપિત લોકો માટેના આશ્રયસ્થાન તરીકે કરવામાં આવી રહ્યો હતો. આ ભીષણ હુમલામાં ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં બચાવ કામગીરી સાથે જોડાયેલા બે સભ્યોનો પણ સમાવેશ થાય છે.

શાળા પર બેક-ટુ-બેક હવાઈ હુમલા

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાપોરિઝ્ઝિયા ક્ષેત્રના એક ગામમાં આવેલી આ રાહત કેન્દ્ર સમાન શાળાની ઇમારત પર પહેલા એક હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડી જ ક્ષણોમાં બીજો હુમલો ઝીંકવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ આ હુમલાની સખત નિંદા કરતા જણાવ્યું હતું કે, આ શાળામાં લોકોએ આશરો લીધો હતો અને ત્યાં જરૂરિયાતમંદોને રાહત સામગ્રી વહેંચવામાં આવી રહી હતી. બીજી તરફ, ઝાપોરિઝ્ઝિયા સિટી કાઉન્સિલના સચિવ રેજીના ખારચેન્કોએ જણાવ્યું છે કે હુમલા બાદ હજુ પણ 27 જેટલા લોકો ગુમ છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

પરમાણુ અને રાસાયણિક હુમલાની અફવાઓથી ભય

એક તરફ યુદ્ધના મેદાન પર ખૂની ખેલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ સાયબર યુદ્ધ પણ તેજ બન્યું છે. સોમવારે રશિયા અને યુક્રેન બંને દેશોમાં મોબાઈલ એપ્લિકેશન્સ હેક થયાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેને રશિયા પર તેની 'ઇમરજન્સી એલર્ટ' એપ્લિકેશન હેક કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ હેકિંગના કારણે યુક્રેનના નાગરિકોના મોબાઈલ ફોન પર પરમાણુ અને રાસાયણિક હુમલા અંગેની ચેતવણીઓ દેખાવા લાગી હતી, જેનાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

યુક્રેનના ઓલેશકી (Oleshky) વિસ્તાર અને તેની આસપાસના ક્ષેત્રોમાં છ દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ આ ચેતવણીઓ પ્રસારિત થઈ હતી. નાગરિકોના ફોન પર સંદેશો આવ્યો હતો કે રશિયાએ પરમાણુ વોરહેડ ધરાવતી 'ઓરેશ્નિક' (Oreshnik) હાઈપરસોનિક મિસાઈલ છોડી છે. આ ભયાનક સમાચારથી સમગ્ર દેશમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, થોડા સમય બાદ યુક્રેનિયન વાયુસેનાએ સ્પષ્ટ કર્યું કે તેમની રાષ્ટ્રીય ચેતવણી પ્રણાલી સાથે છેડછાડ થઈ છે અને રશિયન ભાષામાં ખોટા સંદેશાઓ ફેલાવાયા છે.

રશિયામાં પણ સાયબર હુમલો અને 'અતેશ' જૂથની જવાબદારી

આ મામલે રશિયાની સરકારી સમાચાર એજન્સી 'TASS' એ પણ પુષ્ટિ કરી છે કે રશિયાની કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયની એક મોબાઈલ એપ્લિકેશન પર પણ સાયબર હુમલો થયો છે, જેના કારણે જનતા સુધી ખોટી માહિતી પહોંચી હતી. 'અતેશ' (Atesh) નામના યુક્રેન-તરફી હેકિંગ જૂથે આ સાયબર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હાલ રશિયન સરકારે જનતાને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહીને પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની સલાહ આપી છે.