હવે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પણ ફિચર ફોનથી થઈ શકશે UPI પેમેન્ટ

PhonePe એ ફિચર ફોન યુઝર્સ માટે 'UPI 123Pay' સર્વિસ લોન્ચ કરી છે. હવે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ વગર પણ કીપેડ વાળા ફોનથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાશે. જાણો તેના ફિચર્સ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 04 Sep 2026 10:29 PM (IST)Updated: Fri, 04 Sep 2026 10:29 PM (IST)
now-upi-payments-can-be-made-using-feature-phones-even-without-the-internet-or-a-smartphone

PhonePe UPI 123Pay: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા બાદ, PhonePe એ હવે સામાન્ય ફિચર ફોન (કીપેડ વાળા ફોન) વાપરતા કરોડો લોકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સર્વિસ 'PhonePe UPI 123Pay' લોન્ચ કરી છે. આ નવી સુવિધાની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે યુઝર્સ કોઈપણ પ્રકારના સ્માર્ટફોન કે ઇન્ટરનેટ કનેક્શન વગર પોતાના સાદા ફોનથી પણ સરળતાથી અને સુરક્ષિત રીતે UPI પેમેન્ટ કરી શકશે.

કેવી રીતે કામ કરશે આ સર્વિસ?

PhonePe એ આ સુવિધા માટે ખાસ SMS આધારિત આર્કિટેક્ચર અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

નેટવર્ક વગર પેમેન્ટ: જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય, માત્ર 2G નેટવર્ક આવતું હોય અથવા મોબાઇલ ડેટા પૂરો થઈ ગયો હોય, ત્યાં પણ આ સર્વિસ સીમલેસ (વિના અવરોધે) કામ કરશે.

20 કરોડથી વધુ યુઝર્સને ફાયદો: રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં હાલ 20 કરોડથી વધુ લોકો ફિચર ફોનનો ઉપયોગ કરે છે. આ તમામ લોકોને હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં મદદ મળશે.

કઈ-કઈ કંપનીઓ સાથે કરાયા કરાર?

આ સર્વિસને દરેક ફિચર ફોન સુધી પહોંચાડવા માટે PhonePe એ દેશની અગ્રણી મોબાઇલ ઉત્પાદક કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. PhonePe એ Nokia, HMD, Lava International અને itel જેવી જાણીતી કંપનીઓ સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે.જેના પરિણામે આગામી સમયમાં આવનારા કેટલાક નવા ફિચર ફોનમાં આ UPI 123Pay સર્વિસ પહેલેથી જ ઈન-બિલ્ટ (Pre-installed) આપવામાં આવશે.

ફિચર ફોનથી કયા-કયા કામ થઈ શકશે?

આ નવી સર્વિસ દ્વારા યુઝર્સ પોતાના કીપેડ ફોનથી જ રોજિંદા વ્યવહારો કરી શકશે, જેમ કે-

  • પૈસા મોકલવા (P2P): કોઈપણ વ્યક્તિના બેંક એકાઉન્ટ કે યુપીઆઈ આઈડી પર સીધા પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
  • વેપારીઓને ચુકવણું (P2M): દુકાનદાર કે વેપારીને ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે.
  • QR કોડ સ્કેનિંગ: કેમેરા સુવિધા ધરાવતા ફિચર ફોનથી QR કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ થઈ શકશે.
  • બેલેન્સ અને હિસ્ટ્રી: પોતાના બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકાશે અને અગાઉ કરેલા વ્યવહારોની હિસ્ટ્રી પણ જોઈ શકાશે.