New Aadhaar App Update: આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ, સુરક્ષિત અને ડિજિટલ બનાવવાના હેતુથી લોન્ચ કરવામાં આવેલી નવી આધાર એપ (Aadhaar App) અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ નવી આધાર એપ અત્યાર સુધીમાં 40 મિલિયન (4 કરોડ) થી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ આંકડો દર્શાવે છે કે દેશના નાગરિકો આ ડિજિટલ પ્લેટફોર્મને ઝડપથી અપનાવી રહ્યા છે.
આ નવી આધાર એપ 28 જાન્યુઆરી, 2026 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ એપનો મુખ્ય હેતુ લોકોને ભૌતિક આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપવાનો છે. તેણે અગાઉની જૂની 'mAadhaar' એપનું સ્થાન લીધું છે. UIDAI દ્વારા છેલ્લા કેટલાક સમયથી નાગરિકોને આ નવી એપ પર સ્વિચ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ નવી એપ દ્વારા કરોડો નાગરિકોએ ઘરબેઠા વિવિધ સેવાઓનો લાભ લીધો છે:
- 4.9 મિલિયનથી વધુ મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવ્યા છે.
- 1.165 મિલિયનથી વધુ સરનામાં (Address) બદલવામાં આવ્યા છે.
- 1.25 મિલિયનથી વધુ ઈમેલ આઈડી ઉમેરવા કે અપડેટ કરવામાં આવ્યા છે.
- 19.1 મિલિયનથી વધુ વખત સુરક્ષા સુવિધા તરીકે બાયોમેટ્રિક લોક અને અનલોક ફીચરનો ઉપયોગ થયો છે.
નવી આધાર એપની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ
Face ID પ્રમાણીકરણ: વપરાશકર્તાઓ ફેસ રેકગ્નિશન દ્વારા સરળતાથી પ્રમાણીકરણ કરી શકે છે.
બાયોમેટ્રિક લોકિંગ/અનલોકિંગ: બાયોમેટ્રિક ડેટાના દુરુપયોગને રોકવા માટે એક-ક્લિકથી લોક અને અનલોક કરવાની સુવિધા.
મલ્ટિપલ પ્રોફાઇલ: એક જ સ્માર્ટફોન પર પરિવારના 5 અલગ-અલગ આધાર પ્રોફાઇલ ઉમેરી શકાય છે.
QR કોડ શૅરિંગ: સરળતાથી પોતાની સંપર્ક વિગતો QR કોડ મારફતે શેર કરી શકાય છે.
સંમતિ આધારિત ડેટા શૅરિંગ: યુઝર પોતાની મરજી મુજબ મર્યાદિત માહિતી જ સામે પક્ષે શેર કરી શકે છે.
ઓનલાઈન અપડેટ્સ: ઈ-આધાર ડાઉનલોડ કરવાની સાથે મોબાઈલ નંબર, સરનામું અને ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા.
આ ઉપરાંત, UIDAI એ નાગરિકોને મોટી રાહત આપતા આધાર સંબંધિત દસ્તાવેજોને મફતમાં ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા વધુ એક વર્ષ માટે લંબાવી છે. આમ, નવી આધાર એપ ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવી રહી છે.
