IMC 2026: ભારતની અગ્રણી ટેલિકોમ કંપની જિયો હવે ભવિષ્યના ટેક્નોલોજી યુગ એટલે કે 6G તરફ મજબૂત કદમ વધારી ચૂકી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2030માં 6Gનાં વૈશ્વિક ધોરણો નક્કી થયા બાદ આ અદ્યતન ટેક્નોલોજી અપનાવવામાં ભારત અગ્રણી દેશોમાં મોખરે સ્થાન મેળવી શકે છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2026માં જિયોએ પોતાની ‘પ્રી-6G સ્ટેક’ સિસ્ટમ અને અત્યાધુનિક ‘ગીગા મીમો રેડિયો’નું ભવ્ય પ્રદર્શન કર્યું છે.
IMC 2026માં જિયોનો દબદબો: દેશમાં પ્રી-6G સ્ટેક અને ગીગા મીમો રેડિયોનું પ્રદર્શન
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં જિયોનું મુખ્ય આકર્ષણ તેની ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજી રહી છે, જેને કંપની દેશની પ્રથમ સિસ્ટમ ગણાવે છે. આ સાથે જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે જે એકસાથે 5G અને 6G બંને પેઢીની ટેક્નોલોજીને સપોર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
5G કરતાં 5 ગણી નેટવર્ક ક્ષમતા અને 10 ગણી ઓછી લેટન્સી
જિયોના રિપોર્ટ મુજબ, 6G નેટવર્કની ક્ષમતા હાલના 5G નેટવર્કની સરખામણીએ અંદાજે પાંચ ગણી વધુ ઝડપી સાબિત થશે, જ્યારે નેટવર્કમાં વિલંબ (લેટન્સી) ઘટાડીને લગભગ દસમા ભાગનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીથી એક જ સમયમાં વધુ ડેટાની આપ-લે અનેક યુઝર્સ સુધી વીજળીના વેગે પહોંચાડી શકાશે.
હાર્ડવેરથી લઈને વૈશ્વિક ધોરણો સુધી: જિયોના 8,000થી વધુ પેટન્ટ
માત્ર નેટવર્ક ક્ષમતા જ નહીં, પરંતુ વૈશ્વિક ધોરણો ઘડવામાં પણ ભારતે યોગદાન વધાર્યું છે. જિયોએ અત્યાર સુધીમાં 6G સંબંધિત સેંકડો પેટન્ટ સહિત કુલ 8,000થી વધુ પેટન્ટ માટે અરજીઓ કરી છે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સમાં 934થી વધુ યોગદાન આપવાનો દાવો કર્યો છે. કંપની હાર્ડવેર, સોફ્ટવેર, પેટન્ટ અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ એમ ચારેય મોરચે પોતાની પક્કડ મજબૂત કરી રહી છે.
AI, હોલોગ્રાફિક વીડિયો અને સ્માર્ટ સેવાઓ થશે વધુ વેગવાન
આ નવી ક્રાંતિથી રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હોલોગ્રાફિક વીડિયો કોલિંગ, અત્યાધુનિક આરોગ્યસેવા અને ગુણવત્તાસભર શિક્ષણ ક્ષેત્રે નવી તકો ખૂલશે. જિયો દ્વારા ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે AI આધારિત વિશેષ સેવાઓ રજૂ કરવામાં આવી છે, જે ક્વોન્ટમ ટેક્નોલોજી સામે વધુ સુરક્ષિત અને અદ્યતન ડિજિટલ વાતાવરણ પૂરું પાડશે.
કંપનીએ પોતાની આ ભવિષ્યની પરિકલ્પનાને ‘ભારતનું 6G સાકાર થવાની દિશામાં’ અને ‘ભારતથી સમગ્ર વિશ્વ સુધી’ એવા બે મુખ્ય વિષયો હેઠળ દુનિયા સમક્ષ રજૂ કરી છે.
