GTA 6 Price India: ગેમિંગની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ગેમ GTA 6 પોતાના બજેટ, શાનદાર ગ્રાફિક્સ અને કમાણીના અંદાજને કારણે ચર્ચામાં છે. Rockstar Gamesની આ ગેમને તૈયાર કરવામાં અંદાજે 13 વર્ષનો સમય લાગ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. તેના નિર્માણ પાછળ 1 અબજ ડોલરથી પણ વધુ ખર્ચ થયો હોવાના અહેવાલો છે. ત્યારે જાણીએ કે GTA 6 બનાવવામાં કેટલો ખર્ચ થયો, તેની કમાણીના અંદાજ શું છે અને ભારતમાં આ ગેમની કિંમત કેટલી છે.
GTA 6 બનાવવામાં કેટલો થયો ખર્ચ?
GTA 6 ગેમના ડેવલપર અને પબ્લિશર Rockstar Gamesએ હજુ સુધી તેના નિર્માણ પાછળ થયેલા કુલ ખર્ચનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અને વિશ્લેષકોના અંદાજ પ્રમાણે આ ગેમ પાછળ ઓછામાં ઓછો 1 અબજ ડોલર એટલે કે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલોમાં આ ખર્ચ 1.5 અબજ ડોલરથી 2 અબજ ડોલર સુધી હોવાનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. આટલા મોટા બજેટને કારણે GTA 6ની સરખામણી દુબઈની વિશ્વપ્રસિદ્ધ ઇમારત બુર્જ ખલીફા સાથે પણ કરવામાં આવી રહી છે.
13 વર્ષ પછી આવ્યું GTAનું નવું વર્ઝન
GTA સિરીઝની અગાઉની મુખ્ય ગેમ GTA 5 વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. ત્યારથી ગેમર્સ તેના નવા વર્ઝનની રાહ જોઈ રહ્યા હતા. હવે 19 નવેમ્બર 2026ના રોજ GTA 6 વિશ્વભરમાં લોન્ચ થઈ ગયું છે. આ ગેમમાં Jason અને Lucia નામના બે મુખ્ય પાત્રો છે. તેની વાર્તા Vice City અને Leonida નામના કાલ્પનિક વિસ્તારમાં આગળ વધે છે. ગેમને વધુ વાસ્તવિક બનાવવા માટે ગ્રાફિક્સ, પાત્રોની હિલચાલ, અવાજ, મ્યુઝિક અને ગેમપ્લે પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
આટલી મોટી ગેમ તૈયાર કરવા માટે ગેમ ડિઝાઇનર્સ, પ્રોગ્રામર્સ, કલાકારો અને અન્ય નિષ્ણાતોની ટીમે કામ કર્યું છે. ગેમના કોડિંગ, એનિમેશન, વૉઇસ રેકોર્ડિંગ, મોશન કેપ્ચર, ટેસ્ટિંગ અને માર્કેટિંગ પાછળ પણ મોટો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે.
લોન્ચ થતાં જ કમાણીના નવા રેકોર્ડ
GTA 6ની લોકપ્રિયતાનો અંદાજ તેના લોન્ચ સાથે જોડાયેલા વેચાણના આંકડાઓ પરથી લગાવી શકાય છે. રિસર્ચ ફર્મ Sensor Towerના અંદાજ પ્રમાણે લોન્ચના દિવસે ગુરુવારની સાંજ સુધીમાં ગેમની અંદાજે 2.45 કરોડથી વધુ કોપી વેચાઈ હતી. આ વેચાણથી લગભગ 2.36 અબજ ડોલરની કમાણીનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આ આંકડા GTA 5ના વર્ષ 2013ના પ્રથમ દિવસના આશરે 80 કરોડ ડોલરના વેચાણ કરતાં લગભગ ત્રણ ગણા છે. જોકે, આ Sensor Towerનો અંદાજ છે,
ભારતમાં GTA 6ની કિંમત કેટલી છે?
ભારતીય ગેમર્સ માટે GTA 6ના બે એડિશન ઉપલબ્ધ છે. PlayStation Store અને Xbox Store પર દર્શાવેલી કિંમતો પ્રમાણે તેની કિંમત આ પ્રમાણે છે:
- Standard Edition: ₹5,999
- Ultimate Edition: ₹7,499
હાલમાં આ ગેમ PlayStation 5 અને Xbox Series X|S માટે ઉપલબ્ધ છે. PC વર્ઝનની રિલીઝ અંગે કંપની તરફથી હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
GTA 6થી Rockstar Games કેવી રીતે કરશે કમાણી?
GTA 6ની કમાણી માત્ર ગેમની શરૂઆતની ખરીદી પૂરતી મર્યાદિત નથી. ડિજિટલ ડાઉનલોડ, ફિઝિકલ વર્ઝન અને અલગ-અલગ એડિશનના વેચાણથી કંપનીને આવક મળશે. આ ઉપરાંત ભવિષ્યમાં GTA Online જેવી ઓનલાઈન ગેમિંગ સુવિધાઓ, સબસ્ક્રિપ્શન અને ઇન-ગેમ ખરીદી પણ કમાણીનો મોટો સ્ત્રોત બની શકે છે.
ગેમના લોન્ચ સાથે જ GTA+ સબસ્ક્રિપ્શન અને ઓનલાઈન ગેમિંગના ભવિષ્યને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. આ કારણે GTA 6 લાંબા સમય સુધી કંપની માટે આવકનું મોટું માધ્યમ બની શકે છે.
શું છે GTA ગેમ સિરીઝ?
GTAનું પૂરું નામ Grand Theft Auto છે. આ એક લોકપ્રિય ઓપન-વર્લ્ડ એક્શન-એડવેન્ચર વીડિયો ગેમ સિરીઝ છે, જેને Rockstar Games બનાવે છે. આ ગેમમાં ખેલાડીઓ એક વિશાળ કાલ્પનિક શહેરમાં પાત્રો સાથે અલગ-અલગ મિશન પૂર્ણ કરી શકે છે. તેમાં વાહન ચલાવવું, શહેરમાં ફરવું અને વાર્તા આધારિત મિશન રમવા જેવી સુવિધાઓ મળે છે.
GTA સિરીઝમાં ક્રાઇમ અને હિંસા જેવા વિષયો હોવાથી તેને પુખ્ત વયના લોકો માટેની ગેમ ગણવામાં આવે છે. GTA 5ના 13 વર્ષ પછી આવેલા નવા વર્ઝન GTA 6 પાસેથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને ઘણી મોટી અપેક્ષાઓ છે.
