Rajasthani Khoba Roti: ઘીથી લથપથ આ રાજસ્થાની રોટી દાળ સાથે ખાશો તો સ્વાદ યાદ રહી જશે; જાણો સરળ રેસીપી

રાજસ્થાની સ્પેશિયલ ખોબા રોટી અને દાળ ઘરે બનાવવાની સરળ રીત જાણો. જાડી, ઘીથી ભરપૂર ખોબા રોટી અને સ્વાદિષ્ટ દાળ સાથે બનાવો પરંપરાગત રાજસ્થાની ભોજન.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 30 Sep 2026 10:57 AM (IST)Updated: Wed, 30 Sep 2026 10:59 AM (IST)
recipe-make-dhaba-style-rajasthani-special-khoba-roti-with-dal

Rajasthani Khoba Roti Recipe: રાજસ્થાની ભોજનની વાત આવે એટલે દાળ-બાટી સાથે અનેક પરંપરાગત વાનગીઓ યાદ આવે છે. પરંતુ રાજસ્થાનની ખોબા રોટી પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. જાડી અને ક્રિસ્પી કિનારીવાળી આ રોટી પરંપરાગત રીતે લોટ પર આંગળીઓથી ખોબા પાડીને બનાવવામાં આવે છે. તેને ઘીથી સજાવીને ગરમાગરમ દાળ સાથે પીરસવામાં આવે તો તેનો સ્વાદ વધુ જોરદાર લાગે છે. આજે જાણીએ ઘરે સરળતાથી રાજસ્થાની ખોબા રોટી અને દાળ બનાવવાની રીત.

ખોબા રોટી અને દાળ બનાવવાની સામગ્રી

ખોબા રોટી માટે સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી ઘી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ઉપરથી લગાવવા માટે ઘી

દાળ માટે સામગ્રી

  • ½ કપ તુવેર દાળ
  • ¼ કપ મગની દાળ
  • ¼ કપ મસૂર દાળ
  • 1 ટમેટું સમારેલું
  • 1 લીલું મરચું સમારેલું
  • ½ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • ½ ચમચી લાલ મરચું
  • થોડું ધાણાજીરું
  • જરૂર મુજબ પાણી

ખોબા રોટી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠું અને ઘી નાખીને બરાબર મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને થોડો કઠણ લોટ બાંધી લો. લોટને 10-15 મિનિટ ઢાંકીને રહેવા દો.

હવે લોટના સરખા ભાગ કરી તેના જાડા લૂઆ બનાવો. એક લૂઆને થોડું જાડું વણી લો. ખોબા રોટીની ખાસિયત તેના ખોબામાં છે, તેથી આંગળીઓની મદદથી રોટી પર નાના-નાના ખાડા બનાવતા જાઓ.

હવે તવાને ગરમ કરી તેના પર રોટી મૂકો અને ધીમા તાપે બંને બાજુથી સારી રીતે શેકો. રોટી જાડી હોવાથી ધીમા તાપે શેકવાથી તે અંદરથી પણ સારી રીતે પાકશે. રોટી તૈયાર થાય ત્યારે તેના પર ભરપૂર ઘી લગાવો.

દાળ બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેર, મગ અને મસૂર દાળને ધોઈને કુકરમાં નાખો. તેમાં હળદર, મીઠું, ટમેટું, લીલું મરચું અને જરૂર મુજબ પાણી ઉમેરો. દાળને સારી રીતે બાફી લો.

હવે એક વઘારિયામાં ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો. જીરું તડતડે એટલે લાલ મરચું અને થોડું ધાણાજીરું ઉમેરો. આ વઘારને તૈયાર દાળમાં નાખીને બરાબર મિક્સ કરો. દાળ વધારે ઘટ્ટ લાગે તો થોડું ગરમ પાણી ઉમેરીને એક ઉકાળો આપી શકો છો.

ગરમાગરમ રાજસ્થાની ખોબા રોટીને ઘી સાથે પીરસો અને તેની સાથે દાળ સર્વ કરો. ઈચ્છો તો સાથે ડુંગળી, લીલા મરચાં, લસણની ચટણી અને છાશ પણ પીરસી શકાય.

ટિપ્સ

ખોબા રોટીનો અસલી સ્વાદ મેળવવા માટે રોટીને સામાન્ય રોટલી કરતાં થોડી જાડી રાખવી જરૂરી છે. ખોબા બનાવવાથી રોટીમાં ઘી સારી રીતે જાય છે અને શેક્યા પછી તેનો સ્વાદ તથા ટેક્સચર વધુ સારું બને છે.