Aloo Methi Paratha Recipe: ઘણા લોકો સવારના નાસ્તામાં કંઈક ટેસ્ટી અને પેટ ભરાય એવું ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં આલુ મેથી પરોઠા એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. બટાકાની નરમાઈ અને મેથીની સુગંધ આ પરોઠાને ખાસ બનાવે છે. દહીં, અથાણું અથવા ચટણી સાથે પીરસવામાં આવે તો તેનો સ્વાદ વધુ વધી જાય છે.
આલુ મેથી પરોઠા બનાવવાની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 2 મધ્યમ કદના બાફેલા બટાકા
- 1 કપ બારીક સમારેલી તાજી મેથી
- 2 લીલા મરચાં બારીક સમારેલા
- 1 ચમચી આદુની પેસ્ટ
- અડધી ચમચી લાલ મરચું પાવડર
- અડધી ચમચી ધાણા-જીરું પાવડર
- ચપટી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- ઘી અથવા તેલ જરૂર મુજબ
આલુ મેથી પરોઠા બનાવવાની રીત
સૌપ્રથમ બાફેલા બટાકાને સારી રીતે મેશ કરી લો. હવે તેમાં સમારેલી મેથી, લીલા મરચાં, આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર, હળદર અને મીઠું ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
એક વાસણમાં ઘઉંનો લોટ લો અને તેમાં થોડું મીઠું ઉમેરી પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. લોટને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. હવે લોટના નાના લુઆ બનાવો અને તેને થોડું વણી લો. વચ્ચે તૈયાર કરેલું બટાકા-મેથીનું સ્ટફિંગ ભરી ફરીથી બંધ કરી ગોળ પરોઠો વણી લો.
ગરમ તવા પર પરોઠો મૂકી બંને બાજુથી શેકો. જરૂર મુજબ ઘી અથવા તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ આલુ મેથી પરોઠા દહીં, અથાણાં અથવા લીલી ચટણી સાથે પીરસો.
ટિપ્સ
- મેથીને પહેલા ધોઈને સંપૂર્ણ સૂકવી લો જેથી સ્ટફિંગ ભીનું ન થાય.
- વધુ સ્વાદ માટે સ્ટફિંગમાં થોડું ગરમ મસાલો પણ ઉમેરી શકાય.
- પરોઠા શેકતી વખતે ઘીનો ઉપયોગ કરવાથી સ્વાદ વધુ સરસ આવે છે.
