Mohanthal Recipe: મોહનથાળ ગુજરાતી ઘરોમાં બનતી એક પરંપરાગત અને સ્વાદિષ્ટ મીઠાઈ છે. તહેવાર, પૂજા કે કોઈ ખાસ પ્રસંગે મોહનથાળ બનાવવામાં આવે છે. જો તમે ઘરે બજાર જેવો દાણેદાર અને ઘીથી ભરપૂર મોહનથાળ બનાવવા માંગતા હોવ, તો આ 1 કિલો મોહનથાળ બનાવવાની રીત તમારા માટે ખૂબ જ સરળ રહેશે.
1 કિલો મોહનથાળ બનાવવા માટેની સામગ્રી
- બેસન – 500 ગ્રામ
- ખાંડ – 500 ગ્રામ
- ઘી – 250 ગ્રામ
- માવો – 100 ગ્રામ
- દૂધ – 100 મિલી
- પાણી – 200થી 220 મિલી
- ઈલાયચી પાવડર – 1 ચમચી
- કેસર – થોડું
- બદામ-પિસ્તા – 50 ગ્રામ
- જાયફળ પાવડર – 1 ચપટી
મોહનથાળ બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં બેસન લો. તેમાં થોડું ઘી અને દૂધ ઉમેરીને હાથથી બરાબર મસળી લો. બેસનને 10થી 15 મિનિટ ઢાંકીને રાખો. આ રીતે બેસનમાં દાણેદાર ટેક્સચર આવે છે અને મોહનથાળ વધુ સરસ બને છે.
હવે કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલું બેસન ઉમેરો. બેસનને ધીમા તાપે સતત હલાવતા રહીને સારી રીતે શેકો. બેસનનો કાચો વાસ જતો રહે અને તેનો રંગ હળવો સોનેરી થાય ત્યાં સુધી શેકવું.
ત્યારબાદ તેમાં માવો ઉમેરીને બરાબર મિક્સ કરો અને થોડા સમય માટે શેકો. હવે બીજી કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરીને ચાસણી બનાવો. ચાસણી યોગ્ય તારની થાય એટલે ગેસ ધીમો કરી દો.
હવે તૈયાર ચાસણીને શેકાયેલા બેસનના મિશ્રણમાં ધીમે ધીમે ઉમેરો અને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, કેસર અને જાયફળ ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
હવે એક થાળીને ઘીથી ગ્રીસ કરીને તેમાં મોહનથાળનું મિશ્રણ પાથરી દો. ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ નાખીને હળવા હાથે દબાવો. મોહનથાળને 2થી 3 કલાક સેટ થવા દો. સેટ થઈ જાય પછી મનપસંદ આકારમાં કટકા કરી સર્વ કરો.
મોહનથાળ દાણેદાર બનાવવા માટેની ટિપ્સ
- બેસનને ધીમા તાપે ધીરજથી શેકવું ખૂબ જરૂરી છે. બેસન યોગ્ય રીતે શેકાશે તો મોહનથાળનો સ્વાદ અને સુગંધ બંને સારા આવશે.
- બેસનને દૂધ અને ઘીથી મસળી થોડો સમય રાખવાથી મોહનથાળમાં સરસ દાણેદાર ટેક્સચર આવે છે.
- ચાસણી ખૂબ પાતળી કે ખૂબ જાડી ન રાખવી. ચાસણીનું પ્રમાણ અને તાર મોહનથાળ સેટ થવામાં મહત્વનો ભાગ ભજવે છે.
- મોહનથાળમાં માવો ઉમેરવાથી તેનો સ્વાદ વધુ રિચ અને મોહક બને છે.
