Dudhi Halwa Recipe: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને ખુશીઓનો પર્વ છે. આ ખાસ દિવસે ઘરે મીઠાઈ બનાવવામાં આવે તો તહેવારની મજા વધુ વધી જાય છે. જો તમે આ વખતે બજારમાંથી મીઠાઈ લાવવાને બદલે ઘરે કંઈક સ્વાદિષ્ટ અને સરળ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દૂધીનો હલવો બેસ્ટ વિકલ્પ છે.
દૂધીનો હલવો સ્વાદમાં ખૂબ જ રિચ લાગે છે અને તેને બનાવવા માટે પણ વધારે સામગ્રીની જરૂર પડતી નથી. દૂધી, દૂધ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ્સ જેવી સરળ સામગ્રીથી તમે ઘરે જ ટેસ્ટી હલવો બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી
- 1 કિલો દૂધી
- 750 મિલી દૂધ
- 150 ગ્રામ ખાંડ
- 3-4 ચમચી ઘી
- ½ ચમચી એલચી પાવડર
- 8-10 કાજુ
- 8-10 બદામ
- 1-2 ચમચી કિસમિસ
- 2-3 ચમચી માવો
દૂધીનો હલવો બનાવવાની રીત
સૌથી પહેલા દૂધીને ધોઈને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ દૂધીને છીણી લો. જો દૂધીમાં વધારે પાણી હોય તો તેને હળવા હાથે નિચોવી લો.
હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં છીણેલી દૂધી ઉમેરો. દૂધીને મધ્યમ તાપે થોડા સમય સુધી સાંતળો, જેથી તેની કાચી વાસ દૂર થઈ જાય.
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને દૂધીને દૂધ સાથે સારી રીતે ચડવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી દૂધી કડાઈના તળિયે ચોંટે નહીં. દૂધ ઘટીને દૂધી સારી રીતે નરમ થઈ જાય ત્યાં સુધી તેને પકાવો.
હવે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ નાખ્યા બાદ હલવામાં થોડું પાણી છૂટશે, તેથી તેને ફરીથી મધ્યમ તાપે પકાવો. હલવો ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં માવો, એલચી પાવડર અને બાકીનું ઘી ઉમેરો.
છેલ્લે તેમાં સમારેલા કાજુ, બદામ અને કિસમિસ નાખીને 2-3 મિનિટ સુધી હલાવો. હલવો ઘી છોડવા લાગે અને સરસ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
ગરમાગરમ દૂધીનો હલવો સર્વ કરો અને ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો. રક્ષાબંધનના તહેવાર માટે આ મીઠાઈ પરિવારના દરેક સભ્યને ચોક્કસ પસંદ આવશે.
દૂધીનો હલવો બનાવતી વખતે ધ્યાનમાં રાખો
દૂધી તાજી અને કોમળ હોય તો હલવો વધુ સ્વાદિષ્ટ બને છે. દૂધીમાં પાણી વધારે હોય તો તેને થોડું નિચોવી લેવું. હલવો બનાવતી વખતે તેને વારંવાર હલાવતા રહેવું જરૂરી છે, જેથી તે બળી ન જાય.
