Navratri Special Kaju Katli Recipe: નવરાત્રી દરમિયાન માતાજીના ભોગ માટે કંઈક મીઠું અને ખાસ બનાવવાનું હોય તો કાજુ કતરી એક સરસ વિકલ્પ બની શકે છે. કાજુ અને ખાંડથી બનતી આ મીઠાઈ ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડતી નથી. યોગ્ય પ્રમાણ અને થોડી કાળજી રાખશો તો કાજુ કતરી એકદમ સોફ્ટ અને બજાર જેવી પરફેક્ટ બનશે.
કાજુ કતરી બનાવવાની સામગ્રી
- કાજુ – 1 કપ
- પાઉડર ખાંડ – ½ કપ
- પાણી – ¼ કપ
- ઈલાયચી પાઉડર – ¼ ચમચી
- ઘી – 1 ચમચી
- ચાંદીનો વરખ – જરૂર મુજબ
કાજુ કતરી બનાવવાની રીત
સૌથી પહેલાં કાજુને મિક્સરમાં નાખીને બારીક પાઉડર બનાવી લો. કાજુને વધારે સમય સુધી ગ્રાઇન્ડ ન કરવું, નહીં તો તેમાંથી તેલ છૂટવા લાગશે. કાજુનો પાઉડર તૈયાર થયા બાદ તેને એક બાજુ રાખો.
હવે એક નોન-સ્ટિક પેનમાં ખાંડ અને પાણી ઉમેરો. મધ્યમ આંચ પર ખાંડ ઓગળવા દો. ચાસણીને વધારે જાડી કરવાની જરૂર નથી. ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી ચીકણી લાગે એટલે તેમાં કાજુનો પાઉડર ઉમેરો.
હવે ગેસની આંચ ધીમી રાખીને કાજુ અને ચાસણીને સતત હલાવતા રહો. થોડા સમય પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. તેમાં ઈલાયચી પાઉડર અને થોડું ઘી ઉમેરો.
જ્યારે કાજુનું મિશ્રણ પેનની બાજુ છોડવા લાગે અને એકસાથે ભેગું થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. મિશ્રણને વધારે પકવશો નહીં, નહીં તો કાજુ કતરી કડક થઈ શકે છે.
હવે એક પ્લેટ અથવા બટર પેપર પર થોડું ઘી લગાવીને કાજુનું ગરમ મિશ્રણ તેના પર મૂકો. ઉપરથી બીજું બટર પેપર રાખીને હળવા હાથે વેલણથી પાતળું વણી લો.
મિશ્રણ થોડું ઠંડું થાય એટલે બટર પેપર હટાવીને તેને હીરાના આકારમાં કાપી લો. ઈચ્છા હોય તો ઉપર ચાંદીનો વરખ લગાવી શકો છો. આ રીતે ઘરે જ નવરાત્રીના ભોગ માટે ટેસ્ટી અને સોફ્ટ કાજુ કતરી તૈયાર થઈ જશે.
ટિપ્સ
- કાજુને ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સર સતત ન ચલાવવું. થોડી-થોડી વાર પલ્સ કરીને પાઉડર બનાવવાથી કાજુમાંથી તેલ છૂટશે નહીં.
- કાજુનું મિશ્રણ પેનમાં વધુ સમય સુધી ન રાંધવું. મિશ્રણ તૈયાર થયા પછી તરત જ તેને વણી લેવું જરૂરી છે, કારણ કે ઠંડું થતાં તે ઝડપથી સખત થવા લાગે છે.
