Kaju Katli Recipe: ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન ભગવાન ગણેશને વિવિધ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. જો તમે આ વખતે બજારમાંથી મીઠાઈ લાવવાને બદલે ઘરે જ કંઈક ખાસ બનાવવા માંગતા હો, તો કાજુ કતરી એકદમ યોગ્ય વિકલ્પ છે. નરમ, સ્વાદિષ્ટ અને મોઢામાં ઓગળી જાય તેવી કાજુ કતરી બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડતી નથી. યોગ્ય પ્રમાણ અને થોડી કાળજી રાખશો તો ઘરે પણ બજાર જેવી કાજુ કતરી સરળતાથી તૈયાર કરી શકાય છે.
કાજુ કતરી બનાવવાની સામગ્રી
- કાજુ – 250 ગ્રામ
- ખાંડ – 125 ગ્રામ
- પાણી – ½ કપ જેટલું
- કેસર – થોડા તાંતણા
- ઈલાયચી પાવડર – ¼ ચમચી
- ઘી – 1 ચમચી
- ચાંદીનો વરખ – જરૂર મુજબ
કાજુ કતરી બનાવવાની રીત
સૌથી પહેલાં કાજુને મિક્સરમાં નાખીને એકદમ ઝીણો પાવડર બનાવી લો. કાજુને વધારે સમય સુધી મિક્સ ન કરવા, કારણ કે તેમાં રહેલું તેલ બહાર આવવાથી પાવડર ચીકણું થઈ શકે છે. કાજુનો પાવડર તૈયાર થયા બાદ તેને એક બાજુ રાખી દો.
હવે એક નોન-સ્ટિક કડાઈમાં ખાંડ અને પાણી નાખીને મધ્યમ તાપે ગરમ કરો. ખાંડ ઓગળવા લાગે ત્યારે તેમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો. ચાસણીને ખૂબ વધારે ઘટ્ટ કરવાની જરૂર નથી. ચાસણીમાં કાજુનો પાવડર ઉમેરતા પહેલા ગેસની આંચ ધીમી રાખવી જરૂરી છે.
હવે તૈયાર કરેલો કાજુ પાવડર ધીમે ધીમે ચાસણીમાં ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી ગઠ્ઠા ન પડે. મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે. જ્યારે મિશ્રણ કડાઈની સાઈડ છોડવા લાગે અને એકસાથે ભેગું થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
થાળીમાં થોડું ઘી લગાવીને કાજુનું ગરમ મિશ્રણ તેના પર કાઢો. થોડું ઠંડું થાય પછી તેને હાથથી હળવેથી મસળી લો. હવે બટર પેપરની વચ્ચે મિશ્રણ રાખીને વેલણની મદદથી પાતળી ચાદર જેવી વણી લો. ઉપર ચાંદીનો વરખ લગાવીને મનપસંદ આકારના ટુકડા કાપી લો. આ રીતે ઘરે જ સ્વાદિષ્ટ અને સોફ્ટ કાજુ કતરી તૈયાર થઈ જશે.
ટિપ્સ
કાજુનો પાવડર બનાવતી વખતે તેને વધારે બ્લેન્ડ ન કરવો, નહીં તો કાજુમાંથી તેલ છૂટવા લાગશે. કાજુનું મિશ્રણ વધારે કઠણ થઈ જાય તો કતરી સોફ્ટ નહીં બને, તેથી મિશ્રણ કડાઈ છોડે ત્યારે જ ગેસ બંધ કરવો. કાજુ કતરીને સંપૂર્ણ ઠંડી થયા બાદ એરટાઈટ ડબ્બામાં રાખશો તો તેનો સ્વાદ અને ટેક્સચર જળવાઈ રહેશે.
