Mawa (Khoya) Modak Recipe: ગણેશ ચતુર્થીનો તહેવાર હોય અને ગણપતિ બાપ્પાને મનપસંદ મીઠાઈનો ભોગ ન ધરાવવામાં આવે એવું કેવી રીતે બને? ગણેશ ચતુર્થી દરમિયાન મોદકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે લોકો ઉકાળેલા કે તળેલા મોદક બનાવે છે, પરંતુ જો તમે કંઈક અલગ અને મોઢામાં ઓગળી જાય એવા મોદક બનાવવા માંગતા હોવ તો માવા મોદક એકદમ બેસ્ટ વિકલ્પ છે. ખોયા, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સથી બનતા આ મોદક સ્વાદિષ્ટ હોવાની સાથે ઘરે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.
માવા મોદક બનાવવા માટેની સામગ્રી
આ પણ વાંચો
- 250 ગ્રામ માવો અથવા ખોયો
- 100 ગ્રામ પાઉડર ખાંડ
- 2-3 ટેબલસ્પૂન દૂધ
- ½ ટીસ્પૂન એલચી પાઉડર
- 2 ટેબલસ્પૂન બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ
- 1 ટીસ્પૂન ઘી
- કેસરના થોડા તાંતણા
- મોદક બનાવવાનો મોલ્ડ
માવા મોદક બનાવવાની રીત
સૌથી પહેલા એક નોન-સ્ટિક કડાઈ લો અને તેમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરો. હવે તેમાં માવો અથવા ખોયો ઉમેરીને ધીમી આંચ પર સતત હલાવતા રહો. માવાને વધારે શેકવાનો નથી, માત્ર તેની કાચી સુગંધ દૂર થાય અને તે થોડો નરમ થાય ત્યાં સુધી જ શેકવો.
હવે તેમાં 2-3 ટેબલસ્પૂન દૂધ અને કેસરના તાંતણા ઉમેરીને બરાબર મિક્સ કરો. મિશ્રણને ધીમી આંચ પર થોડું ઘટ્ટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી માવાના મિશ્રણને થોડું ઠંડુ થવા દો. મિશ્રણ હળવું ગરમ રહે ત્યારે તેમાં પાઉડર ખાંડ અને એલચી પાઉડર ઉમેરો. સાથે બારીક સમારેલા કાજુ, બદામ અથવા તમારી પસંદના ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે મોદકના મોલ્ડને થોડું ઘી લગાવીને ગ્રીસ કરો. તેમાં તૈયાર કરેલું માવાનું મિશ્રણ ભરો અને હાથથી સારી રીતે દબાવો, જેથી મોદકનો આકાર સરસ આવે. ત્યારબાદ મોલ્ડ ખોલીને મોદકને પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા માવા મોદક તૈયાર કરી લો. તમે ઈચ્છો તો ઉપરથી કેસર, પિસ્તા અથવા બદામની કતરણથી મોદકને સજાવી શકો છો.
માવા મોદકને પરફેક્ટ બનાવવાની ટિપ્સ
- માવો શેકતી વખતે હંમેશા ધીમી આંચ રાખો, જેથી માવો બળી ન જાય.
- ખાંડ માવામાં ત્યારે જ ઉમેરો જ્યારે માવો થોડો ઠંડો થઈ જાય.
- મોદકનું મિશ્રણ વધારે ઢીલું લાગે તો તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખી શકો છો.
- મોલ્ડમાં મિશ્રણ ભર્યા બાદ તેને સારી રીતે દબાવવાથી મોદક સરળતાથી બહાર આવશે.
- તાજા માવાનો ઉપયોગ કરવાથી મોદકનો સ્વાદ વધુ સારો આવે છે.
ગણપતિ બાપ્પાને ધરાવો માવા મોદકનો ભોગ
ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ઘરે બનાવેલા માવા મોદકથી ગણપતિ બાપ્પાને ભોગ ધરાવી શકાય છે. ઓછા સમયમાં અને સરળ સામગ્રીથી તૈયાર થતા આ ખોયા મોદક પરિવારના દરેક સભ્યને ચોક્કસ પસંદ આવશે.
