Kaju Gathiya Nu Shaak Recipe: ગુજરાતી થાળીમાં અલગ-અલગ પ્રકારના શાકનો સ્વાદ માણવા મળે છે. જો તમે રોજના એકસરખા શાકથી કંટાળી ગયા છો અને કંઈક સ્વાદિષ્ટ તથા અલગ ટ્રાય કરવા માંગતા હોવ, તો કાજુ ગાંઠિયા નું શાક બનાવી શકો છો. કાજુનો રિચ સ્વાદ અને ગાંઠિયાની મસ્ત ટેક્સચર સાથે તૈયાર થતું આ શાક રોટલી, પરાઠા, પૂરી કે ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ વાત એ છે કે તેને ઘરે ઉપલબ્ધ સામાન્ય મસાલાથી સરળતાથી બનાવી શકાય છે.
કાજુ ગાંઠિયા નું શાક બનાવવા માટેની સામગ્રી
- કાજુ – ½ કપ
- ગાંઠિયા – 2 કપ
- ડુંગળી – 1 ઝીણી સમારેલી
- ટામેટા – 2 ઝીણા સમારેલા
- આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
- લસણની પેસ્ટ – ½ ચમચી
- તેલ – 2 ચમચી
- જીરું – ½ ચમચી
- હિંગ – 1 ચપટી
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો – ½ ચમચી
- ગરમ પાણી – જરૂર મુજબ
- મીઠું – સ્વાદ અનુસાર
- કોથમીર – ગાર્નિશ માટે
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં કાજુ નાખીને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. કાજુને બહાર કાઢીને બાજુ પર રાખો. હવે એ જ કડાઈમાં થોડું તેલ ઉમેરો. તેમાં જીરું અને હિંગ નાખો. જીરું તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ આદુ-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને થોડીવાર સાંતળો.
હવે તેમાં ટામેટા, હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. મસાલો સારી રીતે પકાઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ધીમા તાપે સાંતળો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ગરમ પાણી અને મીઠું ઉમેરો. ગ્રેવીને ઉકળવા દો અને પછી તેમાં શેકેલા કાજુ નાખીને થોડી મિનિટ સુધી પકાવો. અંતમાં ગરમ મસાલો ઉમેરો.
સર્વ કરતા થોડા સમય પહેલાં ગાંઠિયા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. ગાંઠિયા વધારે નરમ ન થઈ જાય તે માટે તેને લાંબા સમય સુધી ગ્રેવીમાં ન પકાવો. ઉપરથી સમારેલી કોથમીર નાખીને ગરમાગરમ કાજુ ગાંઠિયા નું શાક પીરસો.
