Recipe: દરરોજ સાંજ પડેને જમવામાં શું બનાવવું તે દરેક ઘરમાં કોમન પ્રશ્ન હોય છે. દરેક ઘરમાં દરેક સદસ્યોને અલગ-અલગ ડીશ પસંદ હોય છે, માટે કોઈ એક ડીશ પર બધા સહમત થાય તેવું ભાગ્યેજ બને છે. તમારા આ પ્રશ્ન માટે આજની રેસિપી જ જવાબ છે. દરેકને પસંદ પડે તેવું ટેસ્ટી કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક આજે સાંજે જ ટ્રાય કરો. જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને કાજુ ગાઠિયાનું શાક બનાવવાની સરળ રેસિપી જણાવીશું…
કાજુ ગાઠિયાનું શાક
સામગ્રી
- 2 કપ ગાઠિયા
-15થી 20 નંગ કાજુના ટુકડા - 3 ચમચી તેલ
- ચપટી હિંગ
- 1 કપ ડુંગળીની પેસ્ટ
- 1 ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1/2 કપ ટામેટાની પ્યૂરી
- સ્વાદ પ્રમાણે મીટું
- ચપટી ખાંડ
- 1 કપ છાશ
- થોડું પાણી
બનાવવાની રીત
સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે કાજુને તેમાં સાંતળી લો. બાદમાં કાજુને પ્લેટમાં લઈ લો.
આજ પેનનો ઉપયોગ શાક બનાવવા માટે કરો. જે તેલ છે તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને ડુંગળીની પેસ્ટ સાંતળી લો. તે થોડી લાઈટ કલરની થાય પછી તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, હળદર તેમજ ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરો લો.
હવે તેમાં ટામેટાની પ્યૂરી ઉમેરી થોડીવાર ચડવા દો. તેમાં મીઠું અને ખાંડ પણ એડ કરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને બધા મસાલા એકબીજા સાથે ભળીને એકરસ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં છાશ ઉમેરીને મિક્સ કરી લો. થોડું પાણી પણ ઉમેરવું.
ગ્રેવી ઘટ્ટ રાખવી હોય તો પાણી તે પ્રમાણે નાખવું, હવે તેમાં કાજુ અને ગાઠિયા એડ કરીને મિક્સ કરી લો. 1-2 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ કાજુ-ગાઠિયાનું શાક. આ શાકને રોટલા કે પરોઠા સાથે સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
