Gujarati Patra Recipe: વરસાદની સીઝનમાં ઘરે બનાવો ટેસ્ટી ગુજરાતી પાત્રા, નોંધી લો સરળ રેસીપી

ચોમાસાની સીઝનમાં ગરમ-ગરમ અને ટેસ્ટી ગુજરાતી પાત્રા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે! અડવીના પાનમાંથી સરળ રીતે ઘરે જ ચટપટા પાત્રા બનાવવા માટે નોંધી લો આ ખાસ રેસીપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 24 Jul 2026 02:27 PM (IST)Updated: Fri, 24 Jul 2026 02:27 PM (IST)
instant-gujarati-patra-recipe-soft-and-tasty-patra-with-expert-tips
પાત્રા બનાવવાની રીત

Gujarati Patra Recipe: ગુજરાતી પાત્રા (પાતરા) એ એક ક્લાસિક અને ઓલ-ટાઇમ ફેવરિટ ગુજરાતી ફરસાણ છે, જે તાજા અળવીના પાન, ચણાના લોટ અને રોજિંદા મસાલાઓથી બનાવવામાં આવે છે. આ રેસીપીમાં, મેં પાતરાને પાન પર લોટ લગાવીને વાળવાની પરંપરાગત રીતને બદલે એકદમ ઇન્સ્ટન્ટ અને સરળ રીત શેર કરી છે.

આ નવી રીતમાં અળવીના પાનને કાપીને, તેને ચણાના લોટના પરફેક્ટ માપ વાળા ખીરામાં મિક્સ કરીને સ્ટીમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને કાપીને તેના પર મસાલેદાર વઘાર કરવામાં આવે છે. આ આધુનિક રીત પરંપરાગત રીત કરતા ઘણી ઝડપી અને સરળ છે, છતાં તેનો સ્વાદ અને ટેક્સચર એકદમ અસલ પાતરા જેવો જ આવે છે!

મેં અહીં પરફેક્ટ માપ અને કેટલીક ખાસ ટિપ્સ પણ શેર કરી છે, જેથી તમે ઈનો કે ખાવાના સોડાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ સોફ્ટ અને જાળીદાર પાત્રા બનાવી શકો. આ ઉપરાંત, વઘારમાં ખાંડ-લીંબુના પાણીની એક ખાસ ટેકનિક બતાવી છે, જેનાથી પાતરા ઠંડા થયા પછી પણ ડ્રાય નહીં થાય અને એકદમ સોફ્ટ રહેશે. તીખા, મીઠા અને ખાટા સ્વાદનું આ પરફેક્ટ બેલેન્સ તમને ચોક્કસ પસંદ આવશે. એકવાર આ ઇન્સ્ટન્ટ પાતરા જરૂર ટ્રાય કરો!

જરૂરી સામગ્રી

પાત્રાના ખીરું માટે

  • 100 ગ્રામ અથવા 5 મીડીયમ સાઈઝના અળવીના પાન
  • 1/2 કપ પાણી (અથવા જરૂર મુજબ)
  • 2 tbsp તેલ
  • 1/2 tsp હળદર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 tbsp લાલ મરચું પાવડર
  • 1 tbsp ધાણાજીરું પાવડર
  • ચપટી હિંગ
  • 1 tsp અજમો
  • 1/2 tsp ગરમ મસાલો
  • 2 tbsp સફેદ તલ
  • 2 tbsp લીલા મરચાં-આદુ-લસણની પેસ્ટ
  • 2 tbsp આમલીનો પલ્પ
  • 2 tbsp ગોળ
  • 2 cup ચણાનો લોટ (બેસન)

વઘાર માટે

  • 2 tbsp તેલ
  • 1 tsp રાઈ
  • 1 tbsp સફેદ તલ
  • ચપટી હિંગ
  • થોડા મીઠા લીમડાના પાન
  • 2 થી 3 ઊભા કાપેલા લીલા મરચાં
  • 1/4 tsp હળદર પાવડર
  • 1/4 કપ પાણી
  • 2 tbsp ખાંડ
  • 1 tbsp લીંબુનો રસ
  • થોડી ઝીણી સમારેલી કોથમીર (ગાર્નિશિંગ માટે)

ગુજરાતી પાત્રા બનાવવાની રીત

પાત્રાનું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ 100 ગ્રામ અથવા 5 અળવીના પાન લો અને તેને વચ્ચેથી કાપીને બે ભાગ કરો. તેને ટાઈટ રોલ કરીને છરી વડે પાતળી પટ્ટીઓમાં (ઝીણા) કાપી લો. આશરે 2 કપ જેટલા સમારેલા પાન તૈયાર થશે.
  • હવે એક મિક્સિંગ બાઉલમાં 1/2 કપ પાણી અને 2 tbsp તેલ ઉમેરો. તેને વ્હિસ્કર (ઝેરણી) થી બરાબર ફેંટી લો જ્યાં સુધી એકદમ સફેદ રંગનું મિશ્રણ ન બની જાય. આ સ્ટેપ પાતરાને સોફ્ટ બનાવવામાં મદદ કરશે.
  • હવે આ સફેદ મિશ્રણમાં 1/2 tsp હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 tbsp લાલ મરચું, 1 tbsp ધાણાજીરું, ચપટી હિંગ, 1 tsp અજમો (હાથથી મસળીને), 1/2 tsp ગરમ મસાલો, 2 tbsp સફેદ તલ, 2 tbsp મરચાં-આદુ-લસણની પેસ્ટ, 2 tbsp આમલીનો પલ્પ અને 2 tbsp ગોળ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.
  • ત્યારબાદ તેમાં 2 cup ચણાનો લોટ થોડો-થોડો કરીને ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ. મીડીયમ-જાડું ખીરું તૈયાર કરો. આ ખીરાને 2 થી 3 મિનિટ માટે બરાબર ફેંટો જેથી તે એકદમ હળવું બની જાય.
  • હવે તૈયાર ખીરામાં સમારેલા અળવીના પાન ઉમેરીને હળવા હાથે બરાબર મિક્સ કરી લો.

સ્ટીમ કરવાની રીત

  • એક બાઉલ અથવા થાળીને તેલથી ગ્રીસ કરો અને તેમાં પાતરાનું આ ખીરું ઉમેરીને એકસરખું ફેલાવી દો.
  • સ્ટીમર કે ઢોકળિયાને પહેલેથી ગરમ કરી લો અને તેમાં આ બાઉલ મૂકો. પાતરાને હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે બફાવા દો.
  • પાતરા બરાબર બફાઈ જાય એટલે તેને બહાર કાઢીને સંપૂર્ણપણે ઠંડા થવા દો. ઠંડા થયા બાદ તેને મીડીયમ સાઈઝના ચોરસ ટુકડાઓમાં કાપી લો.

ખાસ વઘાર કરવાની રીત

  • વઘાર માટે એક પેનમાં 2 tbsp તેલ ગરમ કરો. તેમાં 1 tsp રાઈ, 1 tbsp તલ, ચપટી હિંગ, મીઠો લીમડો અને કાપેલા લીલા મરચાં ઉમેરીને થોડી સેકન્ડ માટે સાંતળો.
  • હવે તેમાં 1/4 tsp હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • એક નાના બાઉલમાં 1/4 કપ પાણી, 2 tbsp ખાંડ અને 1 tbsp લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ ખાંડ-લીંબુના પાણીને વઘાર વાળા પેનમાં રેડી દો.
  • જ્યારે આ મિશ્રણ ઉકળવા લાગે, ત્યારે તેમાં કાપેલા પાતરાના ટુકડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો જેથી વઘાર પાતરા પર બરાબર કોટ થઈ જાય.
  • ગેસની આંચ ધીમી કરો અને તેને 5 મિનિટ માટે સીઝવા (simmer થવા) દો.
  • ગેસ બંધ કરો. સ્વાદિષ્ટ પાતરાને લીલી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો!

નોંધ

  • પાણી અને તેલને લગભગ 2 મિનિટ સુધી ફેંટવું ખૂબ જ જરૂરી છે, જેથી તે સફેદ અને ક્રીમી બને. આ જ મિશ્રણ પાતરાને ઈનો વગર પણ એકદમ સોફ્ટ અને ફ્લફી બનાવે છે.
  • આમલીનો પલ્પ પાતરાના સ્વાદને વધારે છે અને અળવીના પાનની ખંજવાળ દૂર કરે છે. જો આમલી ન હોય, તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
  • ખીરાની કન્સિસ્ટન્સી (જાડાઈ) મીડીયમ હોવી જોઈએ, તે વધુ પડતું જાડું કે પાતળું ન હોવું જોઈએ. ચણાના લોટના ખીરાને બરાબર ફેંટવું જેથી તેમાં હવા ભરાય અને પાતરા જાળીદાર બને.
  • પાતરાને હંમેશા હાઈ ફ્લેમ પર 12-15 મિનિટ માટે જ સ્ટીમ કરો.
  • વઘારમાં ખાંડ અને લીંબુવાળું પાણી ઉમેરવાથી પાતરા અંદરથી જ્યુસી રહે છે અને ઠંડા થયા પછી પણ ગળામાં ડૂચો નથી વળતો કે ડ્રાય નથી લાગતા.