Dal Dhokli Recipe in Gujarati: જ્યારે બહાર વરસાદની હેલી જામી હોય અને મન કંઈક ગરમાગરમ ખાવા તરસે, ત્યારે સ્વાદપ્રિય ગુજરાતીના રસોડામાંથી ગોળ-આમલીના ખાટા-મીઠા ઉકાળાની સુગંધ આવવા લાગે છે. આ મોસમમાં નરમ-મુલાયમ ઢોકળી અને મસાલેદાર તુવેરની દાળનું એ અદભુત મિલન એટલે માત્ર વાનગી નહીં, પણ સીધું મનને તૃપ્ત કરતો અહેસાસ. ચાલો, આ વરસાદી માહોલને વધુ રસપ્રદ બનાવવા આજે જ ઘરે બનાવીએ અસલ ગુજરાતી સ્વાદની ખાટી-મીઠી દાળ ઢોકળી!
દાળ ઢોકળી રેસીપી
દાળ ઢોકળી માટેની સામગ્રી
દાળ બનાવવા માટે
- તુવેર દાળ – 1 કપ
- પાણી – 3 કપ
- હળદર – ¼ ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- મગફળી – 2 ટેબલસ્પૂન
વઘાર માટે
- ઘી – 2 ટેબલસ્પૂન
- જીરું – ½ ચમચી
- રાઈ – ½ ચમચી
- લવિંગ – 3 થી 4
- તજ – ½ ઇંચનો ટુકડો
- સૂકા લાલ મરચાં – 2
- મેથીના દાણા – ½ ચમચી
- હિંગ – ½ ચમચી
- કઢીપત્તા – 8 થી 10 પાન
દાળનો સ્વાદ વધારવા માટે
- ટામેટું – 1 (ઝીણું સમારેલું)
- આદુ-લીલા મરચાની પેસ્ટ – 1 ટેબલસ્પૂન
- મીઠું – સ્વાદ મુજબ
- હળદર – ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર – ½ ચમચી
- ગરમ પાણી – જરૂર મુજબ
- ગોળ – 1 ટેબલસ્પૂન
- આમલીનો પલ્પ – 1 ટેબલસ્પૂન
દાળ બનાવવાની રીત
- સૌથી પહેલાં તુવેરની દાળને સારી રીતે ધોઈ લો અને તેને 30 મિનિટથી 1 કલાક સુધી તાજા પાણીમાં પલાળી રાખો.
- દાળ પલળી જાય પછી તેનું પાણી કાઢી લો અને પ્રેશર કૂકરમાં દાળ, 3 કપ પાણી, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- હવે કૂકરની અંદર એક નાની સ્ટીલની વાટકી મૂકી તેમાં મગફળી ઉમેરો. કૂકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ-ઉંચા તાપ પર 2 થી 3 સિટી થાય ત્યાં સુધી રાંધો.
- કૂકરનું પ્રેશર સંપૂર્ણ ઉતરી જાય પછી ઢાંકણ ખોલો. મગફળી અલગ કાઢીને રાખો અને બાફેલી દાળને હેન્ડ બ્લેન્ડર અથવા મથણીથી સરસ રીતે મસળી લો.
- હવે એક ઊંડા વાસણ અથવા કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, રાઈ, લવિંગ, તજ, સૂકા લાલ મરચાં, મેથીના દાણા, હિંગ અને કઢીપત્તા ઉમેરો.
- ત્યારબાદ સમારેલું ટામેટું, આદુ-લીલા મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ટામેટાં નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- હવે તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને તરત જ તૈયાર કરેલી બાફેલી દાળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીને દાળની ઘટ્ટતા એ રીતે રાખો કે તે થોડી પાતળી રહે, કારણ કે તેમાં આગળ ઢોકળી ઉમેર્યા પછી દાળ વધુ ઘટ્ટ બનશે.
- હવે તેમાં બાફેલી મગફળી, ગોળ અને આમલીનો પલ્પ ઉમેરો અને બરાબર હલાવો.
- તાપને મધ્યમથી ધીમો રાખીને દાળને હળવે હળવે ઉકળવા દો. ત્યાં સુધીમાં ઢોકળી તૈયાર કરો.
ઢોકળી માટેની સામગ્રી
- ઘઉંનો લોટ – 1 કપ
- ચણાનો લોટ (બેસન) – 1 ટેબલસ્પૂન
- મીઠું – એક ચપટી
- હિંગ – એક ચપટી
- અજમો – ½ ચમચી (થોડો કૂટેલો)
- હળદર – ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર – ½ ચમચી
- તેલ – 2 ચમચી
- પાણી – જરૂર મુજબ
ઢોકળી બનાવવાની રીત
- એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, બેસન, મીઠું, હિંગ, કૂટેલો અજમો, હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો.
- હવે તેમાં તેલ ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ મધ્યમ કઠણ લોટ બાંધી લો. લોટની કન્સિસ્ટન્સી પૂરી અથવા રોટીના લોટ જેવી હોવી જોઈએ.
- લોટ તૈયાર થઈ જાય પછી તેને ભીના કપડાથી ઢાંકી 10થી15 મિનિટ આરામ કરવા દો.
- ત્યારબાદ લોટના બે સમાન ભાગ કરો.
- એક ભાગ પર થોડો સૂકો લોટ ભભરાવી મોટી અને પાતળી રોટલી વણી લો. રોટલી બહુ જાડી કે બહુ પાતળી ન હોવી જોઈએ.
- હવે છરી અથવા પિઝા કટરની મદદથી રોટલીને ચોરસ, પટ્ટી કાપી લો. પરંપરાગત રીતે દાળ ઢોકળી માટે હીરા આકારની ઢોકળી વધુ પસંદ કરવામાં આવે છે.
- એ જ રીતે બીજા ભાગમાંથી પણ ઢોકળી તૈયાર કરો. હવે ઢોકળી દાળમાં ઉમેરવા માટે તૈયાર છે.
દાળ ઢોકળીની અંતિમ પ્રક્રિયા
સામગ્રી
- આમલીનો પલ્પ – 1 ટેબલસ્પૂન
- ગોળ – 1 ટેબલસ્પૂન
- લીલું ધાણા – જરૂર મુજબ (ઝીણું સમારેલું)
બનાવવાની રીત
- ધીમા તાપે ઉકળતી દાળને એકવાર ચાખી લો અને જરૂર મુજબ મીઠું અથવા અન્ય મસાલા એડજસ્ટ કરો.
- હવે તેમાં 1 ટેબલસ્પૂન આમલીનો પલ્પ અને 1 ટેબલસ્પૂન ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- દાળમાં સારી રીતે ઉકાળો આવે પછી જ તૈયાર કરેલી ઢોકળી ઉમેરો. જો દાળ ઉકળતી ન હોય તો ઢોકળી એકબીજા સાથે ચોંટી શકે છે.
- હવે બધી ઢોકળીને ધીમે ધીમે દાળમાં ઉમેરો અને હળવા હાથે હલાવો, જેથી ઢોકળી તૂટી ન જાય.
- વાસણને ઢાંકણથી ઢાંકી મધ્યમથી ધીમા તાપ પર લગભગ 10 મિનિટ સુધી ચડવા દો.
- 10 મિનિટ પછી ઢાંકણ ખોલો. હવે દાળ થોડીઘણી ઘટ્ટ થઈ જશે અને ઢોકળી પણ સારી રીતે ફૂલી જશે.
- અંતમાં ઝીણું સમારેલું લીલું ધાણા ઉમેરો અને હળવેથી મિક્સ કરો.
સર્વિંગ સૂચન
ગરમાગરમ દાળ ઢોકળીને ઉપરથી એક ચમચી ઘી અને થોડો લીંબુનો રસ ઉમેરી પીરસો. તેની સાથે કરકરો પાપડ, અથાણું અથવા લીલા મરચાં પીરસશો તો સ્વાદ અનેક ગણો વધી જશે.
