Dal Dhokli recipe: જરાતી ભોજનની વાત આવે ત્યારે દાળ ઢોકળીનું નામ ચોક્કસ યાદ આવે છે. ખાટી-મીઠી દાળમાં ઘઉંના લોટની મસાલેદાર ઢોકળી નાખીને બનાવવામાં આવતી આ પરંપરાગત વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ ભરાય તેવું ભોજન પણ છે. રવિવારના લંચમાં કે જ્યારે કંઈક અલગ અને ઘરેલું ખાવાની ઇચ્છા થાય ત્યારે ગુજરાતી દાળ ઢોકળી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ ઘરે જ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવવાની રીત.
ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટેની સામગ્રી
દાળ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ – 1 કપ
- પાણી – જરૂર મુજબ
- ટામેટું – 1 બારીક સમારેલું
- લીલાં મરચાં – 2 સમારેલાં
- આદુ – 1 નાનો ટુકડો, છીણેલું
- મગફળી – 2 ચમચી
- ગોળ – 1થી 2 ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – ½ ચમચી
- ધાણાજીરું પાઉડર – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- રાઈ – ½ ચમચી
- જીરું – ½ ચમચી
- મેથી દાણા – ¼ ચમચી
- તજ અને લવિંગ – થોડાં
- લીમડાનાં પાન – 8થી 10
- સૂકાં લાલ મરચાં – 1થી 2
- હીંગ – એક ચપટી
- ઘી અથવા તેલ – 2 ચમચી
- સમારેલી કોથમીર – જરૂર મુજબ
ઢોકળી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ – 1 કપ
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – ½ ચમચી
- અજમો – ¼ ચમચી
- તલ – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 1 ચમચી
- પાણી – જરૂર મુજબ
ગુજરાતી દાળ ઢોકળી બનાવવાની રીત
સૌપ્રથમ તુવેર દાળને સાફ કરીને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને પ્રેશર કૂકરમાં પૂરતું પાણી અને થોડી હળદર ઉમેરીને 3થી 4 સીટી થાય ત્યાં સુધી બાફી લો. દાળ બફાઈ જાય પછી તેને હલાવીને અથવા હેન્ડ બ્લેન્ડરની મદદથી એકદમ મસળી લો, જેથી દાળમાં ગઠ્ઠા ન રહે.
હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં હળદર, લાલ મરચું પાઉડર, અજમો, તલ, મીઠું અને એક ચમચી તેલ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને થોડું-થોડું પાણી નાખતા જાઓ અને પૂરીના લોટ કરતાં થોડો નરમ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે બાજુ પર રાખો.
લોટ તૈયાર થઈ જાય પછી તેના સરખા લૂઆ બનાવી લો. દરેક લૂઆને વેલણથી પાતળી રોટલીની જેમ વણી લો. હવે છરીની મદદથી તેને ચોરસ અથવા હીરા આકારના નાના ટુકડામાં કાપી લો. આ ટુકડાઓને અલગ રાખો, જેથી એકબીજા સાથે ચોંટી ન જાય.
હવે એક ઊંડા વાસણમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડવા લાગે એટલે મેથી દાણા, હીંગ, લીમડાનાં પાન, સૂકાં લાલ મરચાં, તજ અને લવિંગ ઉમેરો. ત્યારબાદ આદુ, લીલાં મરચાં અને સમારેલું ટામેટું નાખીને થોડીવાર સાંતળો.
હવે તેમાં બાફેલી દાળ ઉમેરો. જરૂર મુજબ પાણી નાખીને દાળને પાતળી કરો. ત્યારબાદ મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, મગફળી અને ગોળ ઉમેરો. દાળને બરાબર ઉકાળો, જેથી ગોળ ઓગળી જાય અને મસાલાનો સ્વાદ દાળમાં ભળી જાય.
દાળ ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલી ઢોકળીના ટુકડા એક પછી એક ઉમેરતા જાઓ અને હલાવતા રહો. બધા ટુકડા ઉમેરાઈ જાય પછી મધ્યમ તાપે 15થી 20 મિનિટ સુધી પકાવો. વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહો, જેથી ઢોકળી તળિયે ચોંટી ન જાય. ઢોકળી બરાબર ચડી જાય અને દાળ થોડી ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો.
છેલ્લે તેમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરો. ગરમાગરમ ગુજરાતી દાળ ઢોકળીને ઉપરથી થોડું ઘી નાખીને પીરસો. સ્વાદિષ્ટ ખાટી-મીઠી દાળ અને મસાલેદાર ઢોકળીનું આ મિશ્રણ પરિવારના દરેક સભ્યને ભાવશે.
દાળ ઢોકળી સ્વાદિષ્ટ બનાવવા માટેની ટિપ્સ
- ઢોકળીના ટુકડા બહુ જાડા ન કાપો, જેથી તે અંદર સુધી બરાબર ચડી જાય.
- દાળમાં ગોળ અને લીંબુનો રસ તમારા સ્વાદ પ્રમાણે ઓછો કે વધારે રાખી શકો છો.
- ઢોકળી ઉમેર્યા પછી દાળ ઘટ્ટ થતી જાય છે, તેથી જરૂર મુજબ ગરમ પાણી ઉમેરતા રહો.
- ઢોકળી ચોંટી ન જાય તે માટે તેને ઉમેરતી વખતે દાળને હળવા હાથે હલાવતા રહો.
- દાળ ઢોકળી ગરમાગરમ પીરસો. ઉપરથી ઘી અને કોથમીર ઉમેરવાથી તેનો સ્વાદ વધુ સારો લાગે છે.
