Farali Aloo Bhajiya Recipe: ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ઘણા લોકો વ્રત કે ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ દરમિયાન જ્યારે કંઈક ગરમાગરમ, ક્રિસ્પી અને ચટપટું ખાવાનું મન થાય, ત્યારે આ ફરાળી બટાકાના ભજીયા અને લીલી ચટણી એક ઉત્તમ વિકલ્પ છે.
રાજગરાના લોટ અને ચટપટા મસાલાઓમાંથી બનતા આ ભજીયા બહારથી એકદમ કરકરા અને અંદરથી નરમ હોય છે. તેની સાથે પીરસાતી ફુદીના અને ધાણાની ફરાળી ચટણી ભજીયાના સ્વાદને બમણો કરી દે છે. આ વાનગી બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે તમને વ્રતમાં પણ સ્વાદ સાથે પૂરો સંતોષ આપશે. તો ચાલો, જાણીએ આ સ્વાદિષ્ટ ફરાળી ભજીયા અને ચટણી બનાવવાની સરળ રીત.
ફરાળી ચટણી રેસીપી (Farali Chutney Recipe)
સામગ્રી:
- તાજા લીલા ધાણા - ૧ કપ
- તાજા ફુદીનાના પાન - ૧/૪ કપ
- અનારદાના (દાડમના દાણાનો) પાવડર - ૧ નાની ચમચી
- લીલું મરચું - ૧ નંગ (ઝીણું સમારેલું)
- સંચળ - ૧ નાની ચમચી
ફરાળી ચટણી બનાવવાની રીત
- એક મિક્સર જારમાં તાજા લીલા ધાણા, ફુદીનાના પાન, અનારદાના પાવડર, લીલું મરચું અને સંચળ ઉમેરો. તેને સારી રીતે પીસીને ચટણી તૈયાર કરો.
- ટણીને યોગ્ય પ્રમાણમાં જાડી કે પાતળી કરવા માટે જરૂર મુજબ પાણી ઉમેરો.
ફરાળી બટાકા ના ભજીયા રેસીપી (Farali Aloo Bhajiya Recipe)
સામગ્રી:
- કાચા બટાકા - ૫ થી ૬ નંગ
- લીલા મરચાં - ૧ થી ૨ નંગ (ઝીણા સમારેલા)
- અજમો - ૧ નાની ચમચી
- અનારદાના પાવડર - ૧ નાની ચમચી
- કાળા મરીનો પાવડર - એક ચપટી
- શેકેલા જીરુંનો પાવડર - ૧ નાની ચમચી
- સિંધવ મીઠું - સ્વાદ મુજબ
- રાજગરાનો લોટ - ૧ કપ
- અજમો (ખીરા માટે) - ૧ નાની ચમચી
- સંચળ - સ્વાદ મુજબ
- પાણી - જરૂર મુજબ
- તેલ - તળવા માટે
ફરાળી બટાકા ના ભજીયા બનાવવાની રીત
- બટાકાની છાલ કાઢી લો અને તેને ગોળ અને પાતળી સ્લાઈસમાં કાપી લો.
- એક મોટા વાસણમાં બટાકાની સ્લાઈસ, સમારેલા લીલા મરચાં, ૧ ચમચી અજમો, અનારદાના પાવડર, કાળા મરીનો પાવડર, જીરું પાવડર અને સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
- બીજા એક વાસણમાં રાજગરાનો લોટ લો, તેમાં બાકી બચેલો અજમો અને થોડું સિંધવ મીઠું નાખો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ભજિયા માટેનું ખીરું (બેટર) તૈયાર કરો. આ ખીરાને ૧૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો. મસાલાવાળી બટાકાની સ્લાઈસને રાજગરાના ખીરામાં બોળીને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી (કરકરા) થાય ત્યાં સુધી તળી લો.
- આ ગરમાગરમ ફરાળી ક્રિસ્પી ભજિયાને તાજી બનાવેલી ફરાળી ચટણી સાથે સર્વ કરો અને માણો!
