Dudhi Halwa Recipe: ગણેશ ચતુર્થી દરમિયાન ગણપતિ બાપ્પાને અનેક પ્રકારની મીઠાઈઓ અને પ્રસાદ ધરાવવામાં આવે છે. જો આ વખતે ઘરે કંઈક સરળ અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દુધીનો હલવો એક સારો વિકલ્પ બની શકે છે. દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ સાથે તૈયાર થતો આ હલવો સ્વાદમાં રિચ અને બનાવવામાં પણ સરળ છે.
દુધીનો હલવો બનાવવાની સામગ્રી
- દૂધી – 1 કિલો
- દૂધ – 1 લિટર
- ખાંડ – 150 ગ્રામ
- માવો – 100 ગ્રામ
- ઘી – 3 ચમચી
- કાજુ – 2 ચમચી
- બદામ – 2 ચમચી
- એલચી પાવડર – ½ ચમચી
- કેસર – થોડા તાંતણા
દુધીનો હલવો બનાવવાની રીત
સૌથી પહેલા દૂધીને છોલીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને છીણી લો અને તેમાં રહેલું વધારે પાણી હળવા હાથે નીચોવી લો. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં છીણેલી દૂધી ઉમેરો. દૂધીને મધ્યમ તાપે થોડીવાર સાંતળો, જેથી તેની કાચી સુગંધ દૂર થઈ જાય.
હવે તેમાં દૂધ ઉમેરો અને દૂધીને ધીમા-મધ્યમ તાપે પકવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી દૂધી કડાઈના તળિયે ચોંટે નહીં. જ્યારે દૂધી નરમ થઈ જાય અને દૂધનું પ્રમાણ ઘટવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરો.
ખાંડ ઉમેર્યા બાદ હલવો થોડો પાતળો થશે, તેથી તેને ફરીથી સતત હલાવતા રહીને પકાવો. હવે તેમાં માવો, એલચી પાવડર અને કેસર ઉમેરો. હલવો ઘટ્ટ થઈ જાય અને કડાઈની કિનારીઓ છોડવા લાગે ત્યારે તેમાં કાજુ અને બદામ નાખી મિક્સ કરો.
છેલ્લે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમાગરમ અથવા ઠંડો દુધીનો હલવો ગણપતિ બાપ્પાને ભોગ તરીકે ધરાવી શકો છો. આ રીતે ઘરે સરળતાથી સ્વાદિષ્ટ અને પ્રસાદ માટે યોગ્ય દુધીનો હલવો તૈયાર થઈ જશે.
