Farali Dahi Puri: ફરાળમાં રોજની વાનગીઓથી કંટાળ્યા હોવ તો ટ્રાય કરો આ દહીં પુરી, રેસીપી છે એકદમ સરળ

નવરાત્રીના ઉપવાસમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો બનાવો ફરાળી દહીં પુરી. બટાકા, દહીં, શિંગદાણા અને ફરાળી પુરીથી ઘરે સરળતાથી બનાવવાની રીત જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 12:45 PM (IST)Updated: Thu, 01 Oct 2026 12:45 PM (IST)
farali-dahi-puri-recipe-make-this-crispy-and-delicious-navratri-fasting-snack

Farali Dahi Puri Recipe: નવરાત્રીના ઉપવાસ દરમિયાન રોજ એકસરખી ફરાળી વાનગી ખાઈને કંટાળો આવે તો આ વખતે કંઈક ચટપટું અને ટેસ્ટી બનાવી શકાય. ફરાળી દહીં પુરી એવી જ એક સરળ વાનગી છે, જે સામાન્ય દહીં પુરીથી થોડી અલગ છે અને ફરાળમાં પણ બનાવી શકાય છે. ક્રિસ્પી ફરાળી પુરી, મસાલેદાર બટાકા, ઠંડું દહીં અને શિંગદાણાની ચટણીનો કોમ્બિનેશન તેનો સ્વાદ વધારે છે.

ફરાળી દહીં પુરી બનાવવા માટેની સામગ્રી

ફરાળી પુરી માટે

  • રાજગરાનો લોટ – 1 કપ
  • બાફેલા બટાકા – 1 નાનો
  • સિંધાલૂણ – સ્વાદ અનુસાર
  • જીરું – ½ ચમચી
  • તેલ – તળવા માટે

ફિલિંગ માટે

  • બાફેલા બટાકા – 2
  • શેકેલા શિંગદાણા – ½ કપ
  • લીલા મરચાં – 1
  • કોથમીર – 2 ચમચી
  • સિંધાલૂણ – સ્વાદ અનુસાર
  • શેકેલું જીરું પાવડર – ½ ચમચી

દહીં અને ચટણી માટે

  • ઘટ્ટ દહીં – 1 કપ
  • લીલી ફરાળી ચટણી – 2 ચમચી
  • ખજૂર-આમલીની ચટણી – જરૂર મુજબ
  • શેકેલા શિંગદાણા – 2 ચમચી
  • શેકેલું જીરું પાવડર – ½ ચમચી
  • લાલ મરચું પાવડર – જરૂર મુજબ
  • કોથમીર – સજાવટ માટે

ફરાળી દહીં પુરી બનાવવાની રીત

સૌ પ્રથમ ફરાળી પુરી તૈયાર કરવા માટે એક વાસણમાં રાજગરાનો લોટ લો. તેમાં બાફેલો બટાકો, સિંધાલૂણ અને થોડું જીરું ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. લોટને થોડો સમય ઢાંકીને રાખો, જેથી પુરી વણવામાં સરળતા રહે.

હવે લોટના નાના લૂઆ બનાવી તેને થોડા જાડા વણો. એક નાની કટોરી અથવા ગ્લાસની મદદથી ગોળ પુરી કાપી લો. કડાઈમાં તેલ ગરમ કરી પુરીઓને મધ્યમ તાપે તળો. પુરીઓ હળવી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યારે તેને બહાર કાઢીને ટિશ્યૂ પેપર પર રાખો.

હવે દહીં પુરીનું ફિલિંગ તૈયાર કરો. બાફેલા બટાકાને મેશ કરીને તેમાં શેકેલા અને થોડા કરકરા કરેલા શિંગદાણા, સમારેલા લીલા મરચાં, કોથમીર, સિંધાલૂણ અને શેકેલું જીરું પાવડર ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર કરેલી ફરાળી પુરીમાં આ બટાકાનું મિશ્રણ ભરો. તેના ઉપર ઠંડું અને થોડું ફેટેલું દહીં ઉમેરો. ત્યારબાદ ઉપરથી લીલી ફરાળી ચટણી અને ખજૂર-આમલીની ચટણી નાખો.

છેલ્લે શેકેલા શિંગદાણા, થોડું જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સમારેલી કોથમીરથી દહીં પુરીને ગાર્નિશ કરો. તૈયાર છે ચટપટી અને ટેસ્ટી ફરાળી દહીં પુરી. તેને બનાવ્યા પછી તરત જ સર્વ કરશો તો પુરીનો ક્રંચ જળવાઈ રહેશે.

ટિપ્સ

દહીં વધુ ખાટું ન હોય તો દહીં પુરીનો સ્વાદ વધારે સારો આવે છે. પુરી ક્રિસ્પી રહે તે માટે દહીં અને ચટણી સર્વ કરતી વખતે જ ઉમેરો. જો ઉપવાસ દરમિયાન ખજૂર-આમલીની ચટણી ન લેતા હો, તો તેની જગ્યાએ તમારી પસંદની ફરાળી ચટણીનો ઉપયોગ કરી શકો છો.