Dussehra Special Jalebi Recipe: દશેરા એટલે ગુજરાતમાં જલેબી-ફાફડાની મજા! દશેરાની સવારમાં ગરમાગરમ ફાફડા સાથે ક્રિસ્પી અને રસથી ભરપૂર જલેબી ખાવાની પરંપરા અનેક ઘરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે લોકો આ સ્વાદિષ્ટ નાસ્તો લેવા માટે મીઠાઈની દુકાનો પર લાઇન લગાવે છે, પરંતુ જો તમે આ વખતે ઘરે જ બજાર જેવી જલેબી બનાવવા માંગતા હોવ તો આ રેસિપી તમારા કામની છે. થોડી સરળ સામગ્રી અને યોગ્ય રીતથી તમે ઘરે જ બહારથી ક્રિસ્પી અને અંદરથી રસદાર જલેબી બનાવી શકો છો.
જલેબી બનાવવાની સામગ્રી
- મેંદો – 1 કપ
- મકાઈનો લોટ – 1 ચમચી
- દહીં – 2 ચમચી
- પાણી – જરૂર મુજબ
- ખાંડ – 1 કપ
- પાણી – ½ કપ
- કેસર – થોડા તાંતણા
- એલચી પાવડર – ¼ ચમચી
- ઘી અથવા તેલ – તળવા માટે
જલેબી બનાવવાની રીત
સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો, મકાઈનો લોટ અને દહીં લો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને જલેબી માટે મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન હોવું જોઈએ. તેને ઢાંકીને થોડા કલાક માટે રાખો જેથી જલેબીનું બેટર સારી રીતે તૈયાર થઈ જાય.
હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી લઈ ઉકાળો. ચાસણી થોડી ચીકણી થાય ત્યારે તેમાં કેસર અને એલચી પાવડર ઉમેરો. જલેબી માટે ચાસણી બહુ પાતળી ન રાખવી.
તૈયાર બેટરને સોસની બોટલ અથવા જલેબી બનાવવાની કોથળીમાં ભરો. કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરી તેમાં ગોળ-ગોળ આકારમાં જલેબી ઉતારો. જલેબીને બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
તળેલી જલેબીને તરત જ ગરમ ચાસણીમાં 30થી 40 સેકન્ડ માટે ડુબાડો અને પછી બહાર કાઢી લો. આ રીતે તૈયાર કરેલી ગરમાગરમ જલેબી ફાફડા સાથે સર્વ કરો.
ટિપ્સ
જલેબી ક્રિસ્પી બનાવવા માટે બેટર બહુ પાતળું ન રાખવું. ચાસણી પણ વધારે પાતળી હશે તો જલેબી યોગ્ય રીતે રસ શોષી શકશે નહીં. જલેબી તળતી વખતે તેલ અથવા ઘીનું તાપમાન મધ્યમ રાખવું જરૂરી છે.
