દશેરાના પવિત્ર દિવસે ગુજરાતમાં વાહનોનું ધૂમ વેચાણ: 11 હજાર કાર અને 50 હજાર ટુ-વ્હીલર વેચાયા

ગ્રાહકોએ રૂ. 5 લાખની સામાન્ય કારથી લઈને રૂ. 4.50 કરોડ સુધીની સુપર લક્ઝરી કારની ખરીદી કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 07:31 AM (IST)Updated: Wed, 21 Oct 2026 07:31 AM (IST)
gujarat-dussehra-2026-vehicle-sales-cars-two-wheelers-luxury-cars-ev-sales
AI Generated Image

Gujarat Dussehra Vehicle Sales: ગુજરાતીઓએ વિજ્યાદશમી એટલે કે દશેરાના શુભ પ્રસંગે વાહનોની ખરીદીમાં અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડા અનુસાર, રાજ્યભરમાં એક જ દિવસમાં આશરે 11,000 કાર અને 50,000 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. ગ્રાહકોએ રૂ. 5 લાખની સામાન્ય કારથી લઈને રૂ. 4.50 કરોડ સુધીની સુપર લક્ઝરી કારની ખરીદી કરી હતી.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા પ્રત્યે પણ લોકોનો મોટો ઝુકાવ જોવા મળ્યો હતો. FADA ના ચેરમેન પ્રણવ શાહના જણાવ્યા અનુસાર, ગત વર્ષના દશેરા અને નવરાત્રીની સરખામણીએ આ વખતે આશરે 8 થી 10 ટકાનો ગ્રોથ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં પણ દશેરાના દિવસે વાહન શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં એક જ દિવસમાં આશરે 6,500 ટુ-વ્હીલર અને 3,000 કારની ડિલિવરી કરવામાં આવી હતી. અમદાવાદમાં સામાન્ય પેસેન્જર કારની સાથે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી પ્રીમિયમ લક્ઝરી કારનું પણ ધૂમ વેચાણ થયું હતું. ઓડી શોરૂમના મેનેજરના જણાવ્યા અનુસાર, નવરાત્રીના પહેલા નોરતે અમદાવાદમાં રૂ. 2.5 કરોડની ઓડી સ્પોર્ટ્સ કાર વેચાઈ હતી, જ્યારે ઓડી Q3 મોડેલની માંગ સૌથી વધુ રહી હતી.

સુરત શહેરમાં તહેવારોની સિઝનમાં ઓટોમોબાઈલ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. નવરાત્રિના 9 દિવસ દરમિયાન સુરત RTO ખાતે 9,888 નવા વાહનોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું હતું, જેમાં 7,594 ટુ-વ્હીલર અને 1,495 પ્રાઇવેટ કારનો સમાવેશ થાય છે. દશેરાના શુભ મુહૂર્તમાં સુરતમાં રૂ. 4.50 કરોડની અલ્ટ્રા-લક્ઝુરિયસ મર્સિડીઝ વેગન G 63 AMG અને રૂ. 1.10 કરોડની BMW M440i રોડ પર ઉતરી હતી. આ સિવાય સુરતમાં નવરાત્રી દરમિયાન રૂ. 50 લાખથી વધુ કિંમત ધરાવતી 14 સુપર લક્ઝરી કાર્સ નોંધાઈ હતી, જેમાં BMW, મર્સિડીઝ, ટેસ્લા અને ઓડી મોખરે રહી હતી. ઈંધણના વધતા ભાવ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને પગલે સુરતીઓએ 696 ઈલેક્ટ્રિક વાહનો (EV) પણ ખરીદ્યા હતા.

રાજકોટ અને વડોદરામાં પણ લક્ઝરી ગાડીઓની ખરીદીનો ક્રેઝ જોવા મળ્યો. રાજકોટમાં નવરાત્રિ દરમિયાન રૂ. 75.73 કરોડના મૂલ્યના 3,068 વાહનોનું વેચાણ થયું હતું, જેમાં 16 મર્સિડીઝ અને 14 ઓડી કારનો સમાવેશ થાય છે. રાજકોટમાં રૂ. 65 લાખની કિંમતની નવી જનરેશન ઓડી Q3 ખરીદવા માટે લોકોમાં ખાસ આકર્ષણ રહ્યું હતું. આ સિવાય વડોદરાના BMW શોરૂમ ખાતેથી દશેરાના દિવસે રૂ. 5 કરોડની કિંમતની કુલ 5 BMW કાર્સ (જેમાં રૂ. 2.16 કરોડની 7 Series કાર પણ સામેલ છે) અને 2 મર્સિડીઝ કારની ડિલિવરી કરવામાં આવી હતી.