Dudhi Dhokla: ઓછા તેલમાં બનાવો દૂધીના ઢોકળા, ડાયેટ માટે છે બેસ્ટ

ઓછા તેલમાં બનાવો સોફ્ટ અને જાળીદાર દૂધીના ઢોકળા. જુવારના લોટ, રવા અને દૂધીથી બનતી આ સરળ રેસીપી માત્ર 4 મિનિટમાં તૈયાર થઈ જાય છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 24 Sep 2026 11:45 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:45 AM (IST)
dudhi-dhokla-diet-recipe-how-to-make-healthy-lauki-dhokla-at-home

Dudhi Dhokla Recipe: રોજના નાસ્તામાં કંઈક હળવું, સોફ્ટ અને સ્વાદિષ્ટ ખાવું હોય તો દૂધીના ઢોકળા બનાવી શકાય. આ ઢોકળામાં દૂધી સાથે જુવારનો લોટ અને થોડો રવો વપરાય છે, જેના કારણે ઢોકળા અંદરથી સોફ્ટ અને જાળીદાર બને છે. ખાસ વાત એ છે કે તેને સ્ટીમર કે કુકર વગર ઉકળતા પાણીની વરાળથી માત્ર 4 મિનિટમાં તૈયાર કરી શકાય છે. ઓછા તેલમાં બનતા હોવાથી હળવો નાસ્તો પસંદ કરતા લોકો માટે પણ આ રેસીપી ઉપયોગી છે.

દૂધીના ઢોકળા બનાવવા માટેની સામગ્રી

  • 1 વાટકી જુવારનો લોટ
  • ½ વાટકી ઝીણો રવો
  • 1 વાટકી ખમણેલી દૂધી
  • આશરે 2 કપ ખાટી છાશ
  • 1 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચપટી હિંગ
  • 1 મોટી ચમચી ખાંડ
  • 2 મોટી ચમચી તેલ
  • 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ
  • 1 મોટી ચમચી સાંભાર મસાલો
  • લાલ મરચું પાઉડર જરૂર મુજબ

વઘાર માટે

  • 1 મોટી ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 2 લીલા મરચાંના ટુકડા
  • થોડા લીમડાના પાન
  • કોથમીર

દૂધીના ઢોકળા બનાવવાની રીત

સૌથી પહેલા એક વાટકી જુવારનો લોટ, અડધી વાટકી રવો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ તેમાં ખાટી છાશ થોડી થોડી કરીને ઉમેરો. બેટર થોડું જાડું રાખીને સ્મૂધ તૈયાર કરો અને તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપો, જેથી રવો સારી રીતે ફૂલી જાય.

હવે એક વાટકી દૂધીને જાડી ખમણીથી ખમણી લો. તૈયાર બેટરમાં ખમણેલી દૂધી, આદુ-મરચાની પેસ્ટ, હિંગ, ખાંડ અને બે ચમચી તેલ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કર્યા બાદ સૌથી છેલ્લે ઈનોમાં થોડું પાણી નાખીને બેટરમાં ઉમેરી તરત જ મિક્સ કરી લો.

હવે એક તપેલામાં થોડું પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેની ઉપર કાણાવાળી અને તેલથી ગ્રીસ કરેલી ડીશ મૂકો. તેમાં દૂધીના ઢોકળાનું બેટર પાથરી ઉપર સાંભાર મસાલો અને લાલ મરચું પાઉડર છાંટો. ડીશને ઢાંકીને હાઈ ફ્લેમ પર માત્ર 4 મિનિટ માટે કુક કરો. ચાર મિનિટ બાદ છરી નાખીને ચેક કરો. છરી સાફ બહાર આવે એટલે ઢોકળા તૈયાર છે. બાકીનું બેટર પણ આ જ રીતે કુક કરી લો.

હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરો. વઘાર તૈયાર થાય એટલે તેને ગરમાગરમ દૂધીના ઢોકળા ઉપર રેડી દો અને ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

ટિપ્સ

દૂધી ઉમેર્યા પછી બેટરને રેસ્ટ ન આપવું અને ઈનો ઉમેર્યા બાદ તરત જ ઢોકળા કુક કરવા. બેટર શરૂઆતમાં થોડું જાડું રાખશો તો દૂધીનું પાણી છૂટ્યા પછી પણ ઢોકળા સરસ સોફ્ટ અને જાળીદાર બનશે.