Khara Shakarpara: આ દિવાળી પર બનાવો ક્રિસ્પી અને ખસ્તા ખારા શક્કરપારા, નોંધી લો આ સરળ રેસીપી

Khara Shakarpara Recipe in Gujarati: દિવાળીના નાસ્તા માટે ઘરે જ બનાવો ક્રિસ્પી અને ખસ્તા ખારા શક્કરપારા. જાણો સામગ્રી, બનાવવાની રીત અને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવાની ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 20 Oct 2026 09:54 AM (IST)Updated: Tue, 20 Oct 2026 09:54 AM (IST)
diwali-special-shakarpara-recipe-how-to-make-crispy-layered-khara-shankarpali-at-home

Khara Shakarpara Recipe: દિવાળીના તહેવારમાં મીઠાઈઓની સાથે નમકીન નાસ્તો પણ મહેમાનોને પીરસવામાં આવે છે. ચા સાથે ખાવા માટે ખારા શક્કરપારા એક સરસ વિકલ્પ છે. મેંદો, અજમો, મરી અને ઘી જેવી સરળ સામગ્રીથી બનતા આ શક્કરપારા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખસ્તા બને છે. તેને એકવાર બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરીને ઘણા દિવસો સુધી નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તો આ દિવાળીએ બજારમાંથી નાસ્તો લાવવાને બદલે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ખારા શક્કરપારા.

ખારા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી

  • મેંદો – 2 કપ
  • ઘી અથવા તેલ – 4 ટેબલસ્પૂન
  • અજમો – 1 નાની ચમચી
  • કાળા મરીનો પાઉડર – અડધી નાની ચમચી
  • તલ – 1 ટેબલસ્પૂન
  • મીઠું – સ્વાદ અનુસાર
  • પાણી – જરૂર મુજબ
  • તળવા માટે તેલ – જરૂર મુજબ

ખારા શક્કરપારા બનાવવાની રીત

સૌથી પહેલાં એક મોટા વાસણમાં મેંદો લો. તેમાં અજમો, કાળા મરીનો પાઉડર, તલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે તેમાં ઘી અથવા તેલ નાખીને બંને હાથથી સારી રીતે મિક્સ કરો. લોટને મુઠ્ઠીમાં દબાવતા તે બંધાઈ જાય તો સમજવું કે મોણ બરાબર છે. આ મોણના કારણે શક્કરપારા ખસ્તા બનશે.

હવે થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધો. ધ્યાન રાખો કે લોટ નરમ ન હોવો જોઈએ, પરંતુ થોડો કઠણ અને મજબૂત હોવો જોઈએ. લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે બાજુ પર રાખો, જેથી તે સરખી રીતે સેટ થઈ જાય.

ત્યારબાદ લોટના બે સરખા ભાગ કરો અને એક ભાગને વણી લો. રોટલીની જેમ બહુ પાતળી નહીં, પરંતુ થોડી જાડી રોટલી વણવી. હવે છરી અથવા કટરથી લાંબી પટ્ટીઓ કાપો અને પછી તેને નાના ચોરસ કે ડાયમંડ આકારના ટુકડાઓમાં કાપી લો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બહુ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરો અને તેમાં શક્કરપારાના ટુકડા નાખો. એકસાથે ઘણા ટુકડા નાખવાને બદલે થોડા-થોડા કરીને તળો, જેથી તે સરખા તળાય. ધીમા તાપે શક્કરપારાને હળવા સોનેરી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

જ્યારે શક્કરપારા સરસ સોનેરી રંગના થઈ જાય, ત્યારે તેને ઝારાની મદદથી બહાર કાઢો અને ટિશ્યૂ પેપર પર મૂકો. તેને સંપૂર્ણપણે ઠંડા થવા દો. ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. તૈયાર છે દિવાળીના નાસ્તા માટે સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને ખસ્તા ખારા શક્કરપારા.