Bafela Kankoda Nu Shaak: બાફેલા કંકોડાનું બનાવો ચટાકેદાર શાક, રોટલી સાથે ખાશો તો સ્વાદ યાદ રહી જશે

બાફેલા કંટોલાનું શાક ઘરે બનાવવાની સરળ રીત જાણો. કંટોલાને બાફીને લસણ અને ગુજરાતી મસાલા સાથે બનાવેલું સ્વાદિષ્ટ શાક રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 29 Aug 2026 12:45 PM (IST)Updated: Sat, 29 Aug 2026 12:45 PM (IST)
bafela-kankoda-nu-shaak-recipe-easy-boiled-kantola-sabji-at-home

Bafela Kankoda Nu Shaak Recipe | Boiled Kantola Sabji Recipe: ચોમાસાની સીઝનમાં બજારમાં કંકોડા (કંટોલા) સરળતાથી મળી જાય છે અને તેમાંથી બનતું શાક ગુજરાતી ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે કંકોડાને સીધા તેલમાં સાંતળીને અથવા મસાલા સાથે બનાવવામાં આવે છે, પરંતુ જો તમે કંકોડાનું શાક થોડી અલગ અને સરળ રીતે બનાવવા માંગતા હોવ તો બાફેલા કંકોડાનું શાક બનાવી શકો છો. કંકોડાને પહેલા બાફી લેવાથી તે ઝડપથી તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ લસણ, લીલા મરચાં અને ગુજરાતી મસાલાના વઘારમાં સાંતળવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે.

બાફેલા કંકોડાનું આ શાક સ્વાદમાં ચટાકેદાર અને મસાલેદાર હોય છે. ગરમાગરમ રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે આ શાક પીરસવામાં આવે તો જમવાની મજા બમણી થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ શાક બનાવવા માટે વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી, જેથી તમે કંકોડાની સીઝનમાં આ સ્વાદિષ્ટ શાકને સરળતાથી ઘરે બનાવી શકો છો.

બાફેલા કંકોડાનું શાક બનાવવા માટેની સામગ્રી

  • કંકોડા – 500 ગ્રામ
  • લસણ – 8થી 10 કળી
  • લીલા મરચાં – 2થી 3
  • તેલ – 2થી 3 ચમચી
  • જીરું – ½ ચમચી
  • હિંગ – 1 ચપટી
  • હળદર – ½ ચમચી
  • લાલ મરચું પાવડર – 1 ચમચી
  • ધાણા-જીરું પાવડર – 1 ચમચી
  • ગરમ મસાલો – ½ ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • કોથમીર – બારીક સમારેલી
  • લીંબુનો રસ – 1 ચમચી

બાફેલા કંકોડાનું શાક બનાવવાની રીત

સૌથી પહેલા કંકોડાને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેના બંને છેડા કાપી નાખો. જો કંકોડા થોડા મોટા હોય તો તેને વચ્ચેથી કાપી બે ભાગ કરી શકો છો, જ્યારે નાના કંકોડા હોય તો તેને આખા પણ રાખી શકાય છે. હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં થોડું મીઠું નાખીને કંકોડા ઉમેરી દો. કંકોડાને એટલા બાફવાના છે કે તે નરમ થઈ જાય પરંતુ એકદમ ગળી ન જાય. કંકોડા બરાબર બફાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢીને વધારાનું પાણી નીતારી લો અને થોડા સમય માટે ઠંડા થવા દો.

હવે એક કડાઈમાં 2થી 3 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને જીરું તતડે ત્યારે તેમાં એક ચપટી હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં વાટેલું લસણ અને બારીક સમારેલા લીલા મરચાં નાખીને લસણ આછું સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. લસણ બરાબર સાંતળાઈ જાય એટલે તેમાં બાફેલા કંકોડા ઉમેરો અને ધીમેથી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધો મસાલો કંટોડા સાથે સારી રીતે ભેળવી લો.

હવે કંકોડાને મસાલા સાથે મધ્યમ તાપે થોડા સમય માટે સાંતળવા દો. વચ્ચે-વચ્ચે કડાઈને હળવેથી હલાવતા રહો જેથી કંટોડા તૂટે નહીં અને મસાલો દરેક ટુકડા પર સરસ રીતે ચોંટી જાય. કંકોડા મસાલા સાથે સારી રીતે શેકાઈને થોડા આછા સોનેરી અને ચટાકેદાર લાગે એટલે ગેસ ધીમો કરી દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને બારીક સમારેલી કોથમીર ઉમેરીને એકવાર સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર છે સ્વાદિષ્ટ અને મસાલેદાર બાફેલા કંકોડાનું શાક. તેને ગરમા-ગરમ રોટલી, ભાખરી, બાજરીના રોટલા અથવા દાળ-ભાત સાથે સર્વ કરી શકો છો.